શેર બજાર

જબ્બર તેજી: શૅરબજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ, માર્કેટ કેપિટલ ₹ ૬.૨૪ લાખ કરોડનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફેડરલના અણધાર્યા અને અત્યંત અનુકૂળ સ્ટાન્સને કારણે અમેરિકા અને એશિયાના શેરબજારોમાં આવેલા જોરદર ઉછાળા સાથે તાલ મિલાવતા સ્થાનિક શેરબજારે પણ શુક્રવારે નવી ઓલટાઇમ સપાટી હાંસલ કરી છે. સત્ર દરમિયાન સેન્સેક્સ લગભગ ૧૩૦૦ પોઇન્ટ સુધી ઊછળ્યા બાદ ઊંચી સપાટી સામે લગભગ ૧૧૦૦ પોઇન્ટ તૂય્યો હતો અને ફરી રિબાઉન્ડ થઇને ૧૩૦૦ પોઇન્ટ સુધી ઊછળ્યો હતો.

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે ચાર વર્ષના ગાળા પછી વધારેલા વ્યાજદર સાથે વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટમાં જોવા મલેલા ઉછાળા સાથે તાલ મિલાવતા સાર્વત્રિક લાવલાવ વચ્ચે સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી જ વખત ૮૪,૫૦૦ની સપાટી વટાવી છે, તો નિફ્ટી ૨૫,૮૦૦ની નજીક પહોંચી ગયો છે. બીએસઇ પર લિસ્ટેડ શેરોનું કુલ માર્કેટ કેપિટલ રૂ. ૬.૨૪ લાખ કરોડના ઉછાળા સાથે રૂ. ૪૭૧.૭૧ લાખ કરોડના સ્તરે પહોંચ્યુ હતું.

બીએસઇ સેન્સેક્સ ૧,૩૫૯.૫૧ પોઈન્ટ અથવા ૧.૬૩ ટકા ઉછળીને ૮૪,૫૪૪.૩૧ પોઇન્ટની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૧,૫૦૯.૬૬ પોઈન્ટ્સ અથવા ૧.૮૧ ટકા ઉછળીને ૮૪,૬૯૪.૪૬ પોઇન્ટની મહત્વપૂર્ણ ઇન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૭૫.૧૫ પોઈન્ટ અથવા ૧.૪૮ ટકા વધીને ૨૫,૭૯૦.૯૫ના રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. દિવસ દરમિયાન, તે ૪૩૩.૪૫ પોઈન્ટ અથવા ૧.૭૦ ટકાના ઉછાળા સાથે ૨૫,૮૪૯.૨૫ પોઇન્ટની સર્વકાલીન ઈન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, નેસ્લે, અદાણી પોર્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, મારુતિ, કોટક મહિન્દ્રા બૅન્ક અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર્સ અને સ્ટેટ બેંક, ઈન્ડસઈન્ડ બૅન્ક, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ અને બજાજ ફાઈનાન્સ ટોપ લુઝર બન્યા હતા.

કોર્પોરેટ હલચલમાં મેક્વાયરે મેટલ કંપનીઓના રેટિંગ અપગ્રેડ કર્યા છે. કેઆરએન હીટ એક્સ્ચેન્જરનું રૂ. ૩૪૨ કરોડનું જાહેર ભરણું ૨૫ સપ્ટેમ્બરે ખુલશે અને ૨૭મીએ બંધ થશે. શેરની ફાળવણી ૩૦મીએ ફાઇનલ થવાની અપેક્ષા છે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. ૨૦૯થી રૂ. ૨૨૦ નક્કી થઇ છે. લઘુત્તમ લોટ સાઈઝ ૬૫ શેરની છે. ઇલેક્ટ્રીક ટુ વ્હીલર્સ રિટેલર કંપની બાઈકવો ગ્રીનટેક લિમિટેડ ૩૮,૮૬,૦૦૦ ઈક્વિટી શેરના જાહેર ભરણાં સાથે ૨૦ સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી છે. પ્રાઈસ બેન્ડ રૂ. ૫૯થી રૂ. ૬૨ પ્રતિ શેર નક્કી થઈ છે. ભરણું ૨૪મી એ બંધ થશે. કંપની નાણાં ભંડોળનો ઉપયોગ વિસ્તરણ સહિતના હેતુસર કરશે. ડેટ મેનેજમેન્ટ માટે નિપ્પોન સ્ટીલ ૨૧૧ મિલિયન ડોલરની એસેટ વેચશે.

ફિનિક્સ મિલે મોહાલીમાં રૂ. ૮૯૧ કરોડમાં બે પ્લોટ હસ્તગત કર્યા છે. કોમોડિટી ઇકોસિસ્ટમ તૈયાર કરવા અદાણી પોર્ટ અન આબુધાબી રિરોક્સે કરાર કર્યા છે. એગ્રી કોમોડિટી ક્ષેત્રે પ્રવૃત્ત ફિનિક્સ ઓવરસીઝ ૫૬,૩૦,૦૦૦ શેરના પ્રારંભિક જાહેર ભરણાં સાથે ૨૦મી સપ્ટેમ્બરે મૂડી બજારમાં પ્રવેશી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૬૧થી રૂ. ૬૪ પ્રતિ શેર છે. ફ્રેશ ઈશ્યુ ૪૫,૮૦,૦૦૦ શેર્સનો અને ઓએફએસ ૧૦,૫૦,૦૦૦ ઇક્વિટી શેરનો છે. રિઝર્વ બેન્કે ગોલ્ડ લોન બિઝનેસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીદો હોવાથી આઇઆઇએફએલ ફાઇનાન્સના શેરમાં કરંટ જોવા મળ્યો હતો અને તે ૧૩.૩૯ ટકા સુધી ઊછળ્યો હતો.

અમેરિકા ખાતે પાછલા સત્રમાં ડાઉ જોન્સ અને એસએન્ડપી ૫૦૦માં નવી વિક્રમી ઊંચી સપાટી જોવા મળતાં ગ્લોબલ બુલ રનને સમર્થન મળ્યું હોવાનું બજારના સાધનો માને છે. એશિયાઇ બજારોમાં સિઓલ, શાંઘાઇ, હોંગકોંગ અને ટોકિયોના શેરબજારો પોઝિટિવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. યુરોપના બજારો નીચા મથાળે ટ્રેડ થઇ રહ્યાં હતા જોકે તેની ભારતીય શેરબડારના માનસ પર વધુ અસર જોવા મળી નહોતી.

સ્થાનિક બજારો વૈશ્ર્વિક પ્રવાહને આધારે પ્રારંભિક સત્રમાં જ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને બપોર પછીના સત્રમાં વોલેટીલિટી વચ્ચે ગબડ્યા પણ હતા, જોકે અંતે સવારના સત્ર જેટલો જ સુધારો ફરી હાંસલ કરવામાં સફળ રહ્યા હતાં. પ્રથમ અર્ધસત્રમાં સકારાત્મક ટોન જોવા મળ્યો હતો, જોકે ઉત્તરાર્ધમાં અફડાતફડીએ સટોડિયાઓના જીવ ઊંચા કરી નાંખ્યા હતા. બેન્ચમાર્ક ઇન્ડેક્સની હિલચાલને પ્રતિબિંબિત કરતા, તમામ મુખ્ય ક્ષેત્રોના ઇન્ટાઇસિસમાં ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં રિયલ્ટી, ઓટો અને મેટલ શેરો અગ્રેસર રહ્યાં હતા. વ્યાપક શેરઆંકો પણ તેમના તાજેતરના નીચા સ્તરેથી પાછાં ફર્યા હતા અને તેમ્ાાં ૦.૯ ટકાથી ૧.૬ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સ્થાનિક બજાર ખાસ કરીને અમેરિકાની ફેડરલના વલણને કારણે વૈશ્ર્વિક બજારોમાંથી મળી રહેલા સંકેતોને નજીકથી અનુસરવાનું ચાલુ રાખ્યું છે, જેની તાજેતરની મજબૂતાઈએ નિફ્ટીને ૨૫,૫૫૦ પ્રતિકાર સ્તરને તોડવામાં સક્ષમ બનાવ્યું છે. ધ્યાન હવે ૨૬,૦૦૦ના આગામી માઈલસ્ટોન પર કેન્દ્રિત છે. આગામી સમયમાં સેક્ટરના ધોરણે બેન્કિંગ, નાણાકીય, ઓટો અને રિયલ્ટી જેવા ક્ષેત્રોમાં વધુ આકર્ષણ રહી શકે છે. રોકાણકારોએ ઈન્ડેક્સ હેવીવેઈટ્સ અને લાર્જ મિડકેપ્સ પર ધ્યાન આપવું જોઇએ.

બેન્ચમાર્ક ઈન્ડેક્સ ૧૩૬૦ પોઈન્ટ ઊછળીને ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ ગત ગુરુવારના ૮૩,૧૮૪.૮૦ના બંધથી ૧૩૫૯.૫૧ પોઈન્ટ્સ (૧.૬૩ ટકા) વધ્યો હતો. માર્કેટ કેપ રૂ.૬.૨૪ લાખ કરોડ વધીને રૂ.૪૭૧.૭૧ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૮૩,૬૦૩.૦૪ ખૂલીને ઊંચામાં ૮૪,૬૯૪.૪૬ સુધી અને નીચામાં ૮૩,૧૮૭.૬૪ સુધી જઈને અંતે ૮૪,૫૪૪.૩૧ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૨૬ સ્ક્રિપ્સ વધી હતી અને ૪ સ્ક્રિપ્સ ઘટી હતી.

એક્સચેન્જમાં ૪,૦૫૯ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૪૪૨ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૫૦૨ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૧૫ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૨૬૫ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૪૫ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૧.૧૬ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૧.૩૭ ટકા વધ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૨.૪૫ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૨.૪૯ ટકા વધ્યો હતો.

બધા સેકટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા, જેમાં બીએસઈ રિયલ્ટી ૩.૨૧ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૩૨ ટકા, ઓટો ૨.૧૨ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૨.૦૮ ટકા, મેટલ ૧.૮૨ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૧.૭૮ ટકા, યુટિલિટીઝ ૧.૭ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૫૫ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૪૮ ટકા, બેન્કેક્સ ૧.૪૪ ટકા, એફએમસીજી ૧.૩૫ ટકા, સર્વિસીસ ૧.૧૫ ટકા, હેલ્થકેર ૧.૧ ટકા, ટેક ૧.૦૧ ટકા, એનર્જી ૦.૯૯ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૯૪ ટકા, કોમોડિટીઝ ૦.૮૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૭૫ ટકા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૭ ટકા વધ્યા હતા.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૫.૫૭ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૭૭ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૬૬ ટકા, લાર્સન એન્ડ ડુબ્રો ૩.૦૭ ટકા, ભારતી એરટેલ ૨.૮૪ ટકા, નેલ્સે ઈન્ડિયા ૨.૪૯ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૪૯ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૨.૦૯ ટકા, એચડીએફસી બેન્ક ૧.૯૯ ટકા ટેક મહિન્દ્ર ૧.૯૭ ટકા મારુતિ ૧.૯૫ ટકા અને પાવર ગ્રીડ ૧.૮૭ ટકા વધ્યા હતા, જ્યારે સ્ટેટ બેન્ક ૧.૦૭ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક૦.૩૩ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૦.૨૭ ટકા અને બજાજ ફાઈનાન્સ ૦.૦૭ ટકા ઘટ્યા હતા.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૧,૬૪૭.૮૪ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૯,૩૧૪ સોદામાં ૧૯,૬૦૭ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૭૩,૯૭,૨૦૪ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૪૯,૦૦૨.૮૮ કરોડનું રહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button