ITCના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો: એમકેપમાં રૂ. 32,127 કરોડનો ઉમેરો
મુંબઇ: સ્ટેક સેલના અહેવાલોની ચર્ચા વચ્ચે આઇટીસીના શેરમાં બુધવારે લગભગ નવ ટકા સુધીનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને તેના બજાર મૂલ્યાંકનમાં રૂ. ૩૨,૧૨૭.૧૧ કરોડનો ઉમેરો જોવા મળ્યો હતો.
બીએસઇ પર આ સ્ટોક સ્ટોક ૮.૫૯ ટકા વધીને રૂ. ૪૩૯ અને એનએસઇ પર કંપનીનો શેર ૮.૨૯ ટકા વધીને રૂ. ૪૩૮ થયો હતો. સવારના સત્રમાં કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (એમકેપ) રૂ. ૩૨,૧૨૭.૧૧ કરોડ વધીને રૂ. ૫,૩૬,૪૫૩.૫૯ના સ્તરે પહોંચ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી કંપનીઓમાં તે ટોપ ગેઇનર શેર બન્યો હતો. સત્રને અંતે બીએસઇ પર તે ૪.૪૯ ટકાના વધારા સાથે રૂ. ૪૨૨.૪૦ના સ્તરે પહોંચ્યો હતો.
બ્રિટિશ બહુરાષ્ટ્રીય ઇઅઝ કંપની બીએટી પ્લેકે મંગળવારે જણાવ્યું હતું કે તે બ્લોક ટ્રેડ દ્વારા સંસ્થાકીય રોકાણકારોને ભારતની આઇટીસી લિમિટેડમાં ૩.૫ ટકા સુધીનો હિસ્સો વેચવાની યોજના ધરાવે છે.
એક નિવેદનમાં, આઇટીસી લિમિટેડ (આઇટીસી)માં એકમાત્ર સૌથી મોટા શેરહોલ્ડર, બ્રિટિશ અમેરિકન ટોબેકો પીએલસી (બીએટી)એ જણાવ્યું હતું કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટોબેકો મેન્યુફેક્ચરર્સ (ઈન્ડિયા) લિમિટેડ (ટીએમઆઇ), ભારતીય વૈવિધ્યસભર એન્ટિટીમાં એક્સલેરેટેડ બુકબિલ્ડ પ્રક્રિયા (બ્લોક ટ્રેડ) દ્વારા સંસ્થાકીય રોકાણકારોને ૪૩,૬૮,૫૧,૪૫૭ સામાન્ય શેર્સ વેચવા માગે છે. મંગળવારના રૂ. ૪૦૪.૨૫ પ્રતિ શેરના બંધ ભાવના આધારે, બીએટી દ્વારા વેચવા માટેના કુલ આઇટીસી શેરનું મૂલ્ય આશરે રૂ. ૧૭,૬૫૯.૭૨ કરોડ છે.