સેન્સેક્સ ૬૪,૦૦૦ની નીચે અથડાયો: પાંચ સત્રમાં રૂ. ૧૪.૬૦ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં રોકાણકારોની સંપત્તિનું ધોવાણ સતત પાંચમાં સત્રમાં પણ જારી રહ્યું હતું અને પાંચ સત્રમાં બીએસઇના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. ૧૪.૬૦ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. પાંચ ટ્રેડિંગ સેશનમાં બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું મૂલ્ય રૂ. ૧૪.૬૦,૨૮૮.૮૨ કરોડના મોટા કડાકા સાથે રૂ. ૩,૦૯,૨૨,૧૩૬.૩૧ કરોડની સપાટીએ પહોંચ્યું હતું.
સાર્વત્રિક વેચવાલી વચ્ચે સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ ધોવાણ નોંધાયું હતું અને ચાઇના ઇફેક્ટને કારણે એકમાત્ર મેટલ ઇન્ડેક્સમાં જ સુધારો રહ્યો હતો, બાકીના તમામ સેકટોરલ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યાં હતાં.
વિશ્ર્વબજારમાં સુધારાના સંકેત, યુએસ ટ્રેઝરી બિલની યિલ્ડના ઘટાડા તેમ જ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ઇઝરાયલ અને હમાસના યુદ્ધને કારણે સર્જાયેલી અનિશ્ર્ચિતતા વચ્ચે સ્થાનિક શેરબજાર સતત પાંચમાં દિવસે નેગેટીવ ઝોનમાં પછડાયું હતું.
સત્ર દરમિયાન ૬૫૯.૭૨ પોઇન્ટ અથવા તો ૧.૦૨ ટકાના કડાકા સાથે ૬૩,૯૧૨.૧૬ પોઇન્ટની સપાટીને અથડાઇને સેન્સેક્સ અંતે ૫૨૨.૮૨ પોઇન્ટ અથવા તો ૦.૮૧ ટકા તૂટીને ૬૪,૦૪૯.૦૬ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૫૯.૬૦ પોઇન્ટ અથવા તો ૦.૮૩ ટકા તૂટીને ૧૯,૧૨૨.૧૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.
શેરબજારમાં સારી શરૂઆત બાદ એકાએક કડાકો બોલી જતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. વિશ્ર્વબજારમાં સારા સંકેત પાછળ શરૂઆત સારી રહી હતી, પરંતુ વહેલી બપોરના કામકાજ દરમિયાન અચાનક વેચવાલીનું દબાણ વધી ગયું હતું. આઈટી અને બેંકો પર સૌથી વધુ વેચાણનું દબાણ જોવા મળતાં બજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું હતું. આ અગાઉ ચીનના ટ્રિલિયન યુઆનના બોન્ડની મંજુરી પાછળ વૈશ્ર્વિક ઇક્વિટી બજારોના સેન્ટિમેન્ટમાં સુધારો હતો.
ઇન્ફોસિસ, ભારતી એરટેલ, એનટીપીસી, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટેક મહિન્દ્રા, ટાઇટન અને એક્સિસ બેન્ક જેવા સેન્સેક્સના શેરો ટોપ લૂઝર્સની યાદીમાં સમાવિષ્ટ હતાં. ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી અને નેસ્લે ટોપ ગેઇનર રહ્યાં હતાં.
એશિયન બજારમાં ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગ પોઝિટીવ ઝોનમાં સ્થિર થયાં હતા, જ્યારે સિઓલ નેગેટીવ ટેરીટરીમાં ગબડ્યો હતો. અમેરિકાના બજારો મંગળવારે ગ્રીન ઝોનમાં બંધ થયાં હતા. જ્યારે યુરોપના બજારોમાં ખૂલતા સત્રમાં નરમાઇ જોવા મળી હતી.