શેરબજારમાં સાવચેતીનું માનસ: જાણો કયા શેર પર નજર રહેશે રોકાણકારોની
( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ગાઝામાં ભૂમિયુદ્ધ તીવ્ર બનવા સાથે, પશ્ચિમ એશિયન કટોકટી અનિશ્ચિતતાની ટોચ પર છે. આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે અને કેટલું તીવ્ર બનશે અને તેની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કેવી અસર થશે એનો અંદાજ બાંધવો મુશ્કેલ છે. આ ઉપરાંત અમેરિકાના બોન્ડની ઉપજ અને તેની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વના સ્ટાન્સ પર નજર સાથે વિશ્વભરના શેર બજારમાં સાવચેતીનું માનસ રહેશે.
બ્રેન્ટ ક્રૂડમાં 85 ડોલરનો ઘટાડો ભારત માટે મોટો સકારાત્મક છે. એવિએશન, પેઇન્ટ્સ અને ટાયર સ્ટોક્સ આ સમાચારને હકારાત્મક પ્રતિસાદ આપશે. જોકે આ ઘટાડો કેટલો ટકે છે તે પણ જોવું રહ્યું!
રોકાણકારો મારુતિ, ICICI બેંક, HDFC બેંક, RIL, ITC અને L&T જેવા લાર્જ કેપ્સ શેર પર નજર રાખશે. આ કંપનીઓએ સંતોષજનક બીજા ત્રિમાસિક નાણાકીય પરિણામો સાથે સારી કમાણીના અંદાઝ રજૂ કર્યા હોવાથી, જ્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે ત્યારે તેમાં લેવાલી જોવા મળશે.