
નિલેશ વાઘેલા
મુંબઇ: ઇન્ફોસિસે જ્યારથી રૂ. ૧૮,૦૦૦ કરોડના બાયબેકની જાહેરાત કરી છે, ત્યારથી રોકાણકારો તેમાં સહભાગી થવા અને સ્કીમનો લાભ લેવા આતૂર બન્યા છે. જોકે, ૨૨ ઓક્ટોબરના રોજ જારી કરાયેલ એક્સચેન્જ ફાઇલિંગમાં, ઇન્ફોસિસે જાહેરાત કરી છે કે તેના પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રુપે બાયબેકમાં સહભાગી ન થવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે.
નંદન એમ નીલેકણી અને સુધા મૂર્તિ સહિતના પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રુપે કંપનીના ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના શેર બાયબેકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધા બાદ ૨૩ ઓક્ટોબરે ઇન્ફોસિસના શેર લગભગ ૫ાંચેક ટકા ઊછળ્યા હતા. ગુરુવારે કંપનીના શેર ૧,૫૪૩.૯૦ રૂપિયા પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા, જે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ તેમજ બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી વધુ લાભ મેળવનાર શેર તરીકે ઉભરી આવ્યા હતા. અલબત્ત પાછળથી એકંદર માર્કેટની પીછેહઠ સાથે આ શેરમાં પણ ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: જાણો ઇન્ફોસિસના શેરમાં કેમ આવ્યો એકાએક જોરદાર ઉછાળો
હાલ કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો કેટલો છે?
સરળ ભાષામાં ઇન્ફોસિસના પ્રમોટર્સ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના શેર બાયબેકમાં ભાગ નહીં લેશે. રિટેલ રોકાણકારો માટે આ સમાચાર કેવા છે, એ જાણવા પહેલા પ્રમોટરોની હિસ્સેદારી જોઇએ.
૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીના આંકડા અનુસાર, કંપનીના પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રુપ કંપનીમાં ૧૪.૩૦ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ૮૫.૪૬ ટકા હિસ્સો જાહેર જનતા પાસે હતો. વ્યક્તિગત પ્રમોટરોમાં, ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણી કંપનીના ૧.૦૮ ટકા શેર ધરાવે છે.
એન.આર. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ અનુક્રમે ૦.૪૦ ટકા અને ૦.૯૧ ટકા હિસ્સો ધરાવતા હતા, જ્યારે તેમના બાળકો રોહન મૂર્તિ અને અક્ષતા મૂર્તિ કંપનીમાં અનુક્રમે ૧.૬૦ ટકા અને ૧.૦૩ ટકા હિસ્સો ધરાવતા હતા.
આ પણ વાંચો: ઇન્ફોસિસની આગેવાનીએ સેન્સેક્સે ૮૧,૧૦૦ની સપાટી પુન: હાંસલ કરી
ઇન્ફોસિસના સહ-સ્થાપક ક્રિસ ગોપાલકૃષ્ણન ૦.૮૪ ટકા હિસ્સો ધરાવતા હતા, જ્યારે તેમની પત્ની સુધા ગોપાલકૃષ્ણન કંપનીમાં ૨.૫૨ ટકા હિસ્સો ધરાવતા હતા. નોંધનીય છે કે, બધા પ્રમોટરોમાં સુધા ગોપાલકૃષ્ણન કંપનીમાં સૌથી મોટો હિસ્સો ધરાવતા હતા.
બાયબેક ક્યારે જાહેર થયું?
૧૧ સપ્ટેમ્બરે ઇન્ફોસિસે જાહેરાત કરી હતી કે તેના બોર્ડે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો છે. બાયબેક ભાવ પ્રતિ શેર રૂ. ૧,૮૦૦ નક્કી કરવામાં આવ્યો છે. ૨૦૨૨ પછી ઇન્ફોસિસ દ્વારા શેર બાયબેકની જાહેરાત કરાયેલી આ પહેલી વાર છે, જ્યારે કંપની રૂ. ૯,૩૦૦ કરોડના બાયબેક પ્રસ્તાવ પર સંમત થઈ હતી.
બાયબેક એ કોર્પોરેટ કાર્યવાહીનો ઉલ્લેખ કરે છે જ્યાં કંપની હાલના શેરધારકો પાસેથી પોતાના શેર ફરીથી ખરીદે છે. ઇન્ફોસિસનો રૂ. ૧,૮૦૦નો બાયબેક ભાવ સપ્ટેમ્બરમાં જાહેરાત કરવામાં આવ્યો, તે દિવસે શેર દ્વારા જોવામાં આવેલા સ્તરથી ૧૯ ટકાથી વધુ પ્રીમિયમ દર્શાવે છે.
બાયબેકમાંથી બહાર નીકળવાનો પ્રમોટરોનો નિર્ણય ભવિષ્યના ભાવિ ભાવિકોમાં વિશ્ર્વાસનો સંકેત આપે છે અને રિટેલ રોકાણકારો માટે હકદારી ગુણોત્તરમાં સુધારો કરે છે. પ્રમોટરો કેશ આઉટ ન કરવાથી વ્યવસાયિક સંભાવનાઓમાં વિશ્ર્વાસનો સંકેત મળે છે અને આઇટી ક્ષેત્રમાં એકંદર ભરોસાપાત્ર સેન્ટિમેન્ટને પ્રસ્થાપિત કરે છે.