અમેરિકના વ્યાજકાપની આશા વચ્ચે વિશ્વબજારના સુધારા પાછળ સ્થાનિક શેરબજાર પોઝિટીવ ઝોનમાં ટકી રહ્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાનો જોબ ડેટા નબળો આવ્યો હોવાથી ફેડરલ રિઝર્વ આ મહિને વ્યાજદરમાં ઘટાડો જાહેર કરશે એવી આશા વચ્ચે વિશ્વબજારમાં આવેલા સુધારા પાછલ સ્થાનિક શેરબજારમાં પણ સેન્સેક્સે આગેકૂચ કરી હતી. બેન્ચમાર્કે સતત ત્રીજા દિવસે છેલ્લા એક કલાકમાં પ્રોફિટ બુકિંગને કારણે પ્રારંભિક સત્રનો મોટાભાગનો સુધારો ગુમાવી દીધો હતો અને મામૂલી સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં ટકી રહ્યો હતો.
સેન્સેકસ ઊંચે મથાળે ખૂલ્યા બાદ દિવસ દરમિયાન ૪૬૦.૬૨ પોઇન્ટ અથવા તો ૦.૫૭ ટકા ઉછળીને ૮૧,૧૭૧.૩૮ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતે ૪૬.૫૪ પોઇન્ટ અથવા તો ૦.૦૯ ટકાના ઘટાડા સાથે ૮૦,૭૮૭.૩૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૩૫.૧૨ પોઇન્ટ અથવા તો ૦.૧૩ ટકાના સુધારા સાથે ૨૪,૭૭૩.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
ઓટો, ઓઇલ અને પ્રાઇવેટ બેન્કના શેરમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ આઇટી અને એફએમસીજી શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સના શેરોમાં ટાટા મોટર્સમાં ૩.૯૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૯૬ ટકા ઊછળ્યો હતો. અન્ય ટોપ ગેઇનર્સમાં મારુતિ, અદાણી પોર્ટસ બજાજ ફાઇનાન્સ અને અલ્ટ્રા ટેક સીમેન્ટનો સમાવેશ હતો. જોકે, ટ્રેન્ટમાં ૩.૮૧ ટકાનો કડાકો હતો. અન્ય ટોપ લુઝર્સ શેરોમાં ઓશિયન પેઇન્ટસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટૂબ્રો, ટીસીએસ, પાવર ગ્રઈડ અને સન ફાર્માનો સમાવેશ હતો.
આ પણ વાંચો: ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 237 પોઈન્ટ ઉછળ્યો…
બ્રોકરેજ કંપનીએ જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ પરનું રેટિંગ ઇક્વલ વેઇટથી સુધારીને ઓવરવેઇટ કર્યું અને સેઇલનું અંડર વેઇટથી સુધારીને ઇક્વલ વેઇટ કર્યું છે. ત્રણેય કંપનીઓના શેરમાં ૦.૭ ટકાથી ત્રણ ટકા જેવો વધારો જોવા મળ્યો હતો. ઓટો શેરોએ સારો દેખાવ કર્યો, સેક્ટર ઇન્ડેક્સ ૧.૮ ટકા વધ્યો, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા સંચાલિત, બંનેએ જીએસટીના ઘટાડાનો સંપૂર્ણ લાભ ખરીદદારોને આપવા માટે તેમની લાઇનઅપમાં કિંમતોમાં ઘટાડો કર્યા પછી ચાર ટકા જેવો ઉછાળો નોંધાવ્યો હતો.
સેકટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે ઓટો 3.12 ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી 1.13 ટકા, સર્વિસીસ 0.85 ટકા, ટેલિકોમ્યુનિકેશન 0.71 ટકા, રિયલ્ટી 0.44 ટકા, કેપિટલ ગુડ્સ 0.37 ટકા, મેટલ 0.36 ટકા અને ઓઈલ એન્ડ ગેસ 0.28 ટકા વધ્યા હતા, જ્યારે ફોકસ્ડ આઈટી 0.91 ટકા, આઈટી 0.8 ટકા, ટેક તેમ જ કંઝ્યુમર ડ્યુરેબલ્સ 0.71 ટકા, એફએમસીજી 0.34 ટકા અને હેલ્થકેર 0.29 ટકા ઘટ્યા હતા.
આ પણ વાંચો: અસ્થિર માહોલમાં માર્કેટમાં કોણે આપ્યું દમદાર રિટર્ન? જાણો 10 વર્ષમાં સ્મોલ, મિડ અને લાર્જ-કેપ ફંડનું પ્રદર્શન
સેન્સેક્સની 14 સ્ક્રિપ્સ વધી હતી, જ્યારે 16 સ્ક્રિપ્સ ઘટી હતી. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ 0.33 ટકા ઘટ્યો અને બીએસઈ સ્મોલકેપ 0.30 ટકા વધ્યો હતો. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 0.34 ટકા વધ્યો અને બીએસઈ એસએમઈ આઈપીઓ 0.55 ટકા ઘટ્યો હતો.
એક્સચેન્જમાં 4,407 સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં 2,288 સ્ટોક્સ વધ્યા હતા, 1,937 સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે 182 સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. 168 સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 69 સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. 298 સ્ટોક્સને ઉપલી જ્યારે 205 સ્ટોકને નીચલી સર્કીટ લાગી હતી.