
નિલેશ વાઘેલા
મુંબઇ: ભારત બીજી એપ્રિલથી લાગુ થયેલી ટેરિફને કારણે નોંધાયેલા નુકસાનને ભૂંસી નાખનાર પ્રથમ શેરબજાર બન્યું છે. આંબેડકર જયંતિ નિમિત્તની રહ્યાં બાદ મંગળવારે શરૂ થયેલા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી અને બેન્ચમાર્ક ઇન્ડેક્સોએ, આ મહિનાની શરૂઆતમાં યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફના પ્રહારથી થયેલા તમામ નુકસાનને સરભર કરી લીધું હતું. મંગળવારના સત્રમાં એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ લગભગ અઢી ટકા ઊછળીને તેના બીજી એપ્રિલના બંધ સ્તરની નજીક પહોંચ્યો હતો.
દરમિયાન, અમેરિકન ટેરિફના કમઠાણમાં ભારતીય રોકાણકારોના રૂ. ૧૧.૩૦ લાખ કરોડનું ધોવાણ અને સેન્સેક્સમાં ૧,૪૬૦.૧૮ પોઈન્ટ અથવા તો બે ટકાનો કડાકો નોંધાયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે લાદેલી રેસિપ્રોકલ ટેરિફ અમલી બનવાની તારીખ બીજી એપ્રિલથી, બીએસઈ બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૧,૪૬૦.૧૮ પોઈન્ટ અથવા ૧.૯૦ ટકા તૂટ્યો હતો અને આ સમયગાળા દરમિયાન બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ ૧૧,૩૦,૬૨૭.૦૯ કરોડ રૂપિયા ઘટીને ૪,૦૧,૬૭,૪૬૮.૫૧ કરોડ (૪.૬૬ ટ્રિલિયન ડોલર)ની સપાટીએ પહોંચ્યું હતું.
આ પણ વાંચો: ભારતીય શેરબજારમા તોફાની તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમા બમ્પર ઉછાળો
અમેરિકા દ્વારા વધારાની આયાત જકાત ૯૦ દિવસના સ્થગિત રાખવાની જાહેરાતને કારણે સુધરેલા માહોલમાં શુક્રવારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ લગભગ બે ટકા ઊછળ્યા હતા. દસમી એપ્રિલે શ્રી મહાવીર જયંતિ અને ૧૪ એપ્રિલે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિને કારણે બજારો બે વાર બંધ રહ્યા હતા. આ પછી મંગળવારના સત્રમાં સેન્સેક્સમાં સત્ર દરમિયાન ૧૭૫૦ પોઇન્ટનો જબરો ઉછાળો જોવા મળ્યો હતો.
નોંધવું રહ્યું કે, ટ્રમ્પ દ્વારા વૈશ્ર્વિક સ્તરે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત પછી, બજારોમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત ખરાબ રહી હતી. વૈશ્ર્વિક બજારોમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું અને ભારત પણ મુક્ત નહોતું. અમેરિકાએ બીજી એપ્રિલે, યુએસમાં પ્રવેશતા ભારતીય માલ પર ૨૬ ટકા વધારાના ટેરિફની જાહેરાત કરી. પરંતુ નવમી એપ્રિલના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રે આ વર્ષે નવમી જુલાઈ સુધી ૯૦ દિવસ માટે આ અતિરિક્ત ટેરિફ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. જોકે,અગાઉ લાદવામાં આવેલી ૧૦ ટકા બેઝલાઇન ટેરિફ યથાવત રાખવામાં આવી છે.