ભારતીય શેરબજાર શરૂઆતી ઘટાડા બાદ રિકવર થયું, સેન્સેક્સ નિફ્ટીમાં વધારો

મુંબઈ : ઈઝરાયેલ ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઇ હતી. જોકે, થોડી વાર બજાર રિકવર થયું હતું અને સેન્સેક્સમાં 245 પોઈન્ટ વધીને 81363 ના સ્તરે પહોંચ્યો. જ્યારે નિફ્ટી 72 પોઈન્ટ વધીને 24790 ના સ્તરે પહોંચ્યો. જ્યારે ગત સપ્તાહે વોલ સ્ટ્રીટ સૂચકાંકોમાં તીવ્ર ઘટાડા પછી એશિયન બજારોમાં ઊંચો વેપાર થયો હતો જ્યારે યુએસ સ્ટોક ફ્યુચર્સ પણ વધ્યા હતા.
આ ઉપરાંત આજે નિફ્ટીમાં સિપ્લા, એલ એન્ડ ટી, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબ્સ, કોટક મહિન્દ્રા બેંક, જિયો ફાઇનાન્સિયલ અને એક્સિસ બેંક ઘટ્યા હતા. સત્રની શરૂઆતમાં જાહેર ક્ષેત્રની બેંકો સિવાયના તમામ સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સ્થિર ટ્રેડ થઈ રહ્યા છે.
એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો
ઇઝરાયલ-ઈરાન તણાવ વધવા છતાં આજે એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરનો MSCIનો સૌથી વ્યાપક સૂચકાંક 0.1 ટકા વધ્યો. જાપાનનો નિક્કી 225 0.87 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.92 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.55 ટકા વધ્યો, જ્યારે કોસ્ડેક 0.31 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ નબળી શરૂઆતનો સંકેત આપે છે.
આપણ વાંચો: શેરબજાર: સેકન્ડરી માર્કેટની અફડાતફડી વચ્ચે પ્રાઇમરી માર્કેટ એકશન મોડમાં
યુએસ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા
જ્યારે શુક્રવારે યુએસ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.79 ટકા ઘટીને 42,197.79 પર બંધ થયો, જ્યારે S&P 500 1.13 ટકા ઘટીને 5,976.97 પર બંધ થયો. નાસ્ડેક 1.30 ટકા ઘટીને 19,406.83 પર બંધ થયો.