
નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારમાં મંદી આગળ વધી રહી છે અને બે દિવસની પછડાટમાં શેરધારકોની સંપત્તિમાં રૂ. ૮.૬૭ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે. બજારના નિષ્ણાતો માને છે કે બજારનું મોરલ નબળુ પડી જવા સાથે હવે નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ લેવલ ૨૪,૭૦૦નું છે. જો કોઈ નકારાત્મક કારણ મળશે તો નિફ્ટી વધુ ૨૦૦ પોઇન્ટ ગુમાવી શકે છે. શેરબજારમાં સતત બીજા દિવસે પણ પીછેહઠ ચાલુ રહી હતી અને બેન્ચમાર્ક સેન્સેક્સના ૭૨૧.૦૮ પોઈન્ટના ગાબડા સાથે એક્સચેન્જના માર્કેટ કેપિટલમાં રૂ. ૬.૪૩ લાખ કરોડનું જોરદાર ધોવાણ જોવા મળ્યું હતું.
આ સાથે બે સત્રમાં સેન્સેક્સમાં ૧.૫૨ ટકાનો કડાકો નોંધાયો છે, જ્યારે લિસ્ટેડ કંપનીના શેરધારકોને બે દિવસમાં કુલ રૂ. ૮.૬૭ લાખ કરોડની નુકસાની થઇ છે. સેન્સેક્સે પાછલા બે દિવસમાં ૧૨૬૩.૫૫ પોઇન્ટ ગુમાવ્યા છે, જેને પરિણામે બીએસઇ પર લિસ્ટેડ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૮,૬૭,૪૦૬.૭૫ કરોડ ઘટીને રૂ. ૪,૫૧,૬૭,૮૫૮.૧૬ કરોડ (૫.૨૨ ટ્રિલિયન ડોલર)ની સપાટીએ પહોંચ્યું છે.
બીએસઇ પર, બજાજ ફાઇનાન્સ પરિણામની જાહેરાત બાદ સત્ર દરમિયાન છ ટકા તૂટ્યા બાદ અંતે ૪.૭૩ ટકાના ઘટાડા સાથે સ્થિર થયો હતો. બજાજ ટવીન્સ, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, એનટીપીસી, અદાણી પોર્ટસ અને ટ્રેન્ટ ટોચના ઘટનારા શેરોમાં હતા. તેનાથી વિપરીત ભારતી એરટેલ અને સન ફાર્મા સેન્સેક્સમાં માત્ર બે જ વધનાર શેર હતો.
વ્યાપક બજારોમાં પણ ધોવાણ જોવા મળ્યું હતું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ ૧.૬૧ ટકા ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ ૨.૧ ટકા ઘટ્યો હતો.
સેકટરલ ધોરણે નિફ્ટી ફાર્મા સિવાય તમામ કાઉન્ટરો પર વેચવાલી જોવા મળી હતી. બીજી બાજુ, નિફ્ટી ઓટો ૧.૨૭ ટકા, નિફ્ટી આઈટી ૧.૪૨ ટકા, નિફ્ટી મેટલ ૧.૬૪ ટકા, નિફ્ટી રિયલ્ટી ૦.૯૯ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ૦.૯૧ ટકા અને નિફ્ટી એફએમસીજી ૦.૯ ટકા ઘટીને બંધ થયા. સ્થાનિક બજારમાં બજારની અસ્થિરતાનોે બેન્ચમાર્ક ઇન્ડિયા વીઆઈએક્સ, ૫.૧૫ ટકા વધીને ૧૧.૨૮ પર બંધ થયો છે.