વેપારશેર બજાર

રૂપિયો નબળો પડતાં સ્થાનિકમાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૩૪૮નો ચમકારો, ચાંદી રૂ. ૫૫૦ વધી

ઊંચા મથાળેથી ધનતેરસની માગમાં સાધારણ ૧૦ ટકા જેટલી વૃદ્ધિ થવાનો જ્વેલરોમાં આશાવાદ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે આક્રમક નાણાનીતિના સંકેતો આપતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ઘટીને ગત ૧૮ ઑક્ટોબર પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે પણ વિશ્વ
બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો.

એકંદરે આજે વૈશ્ર્વિક સોનામાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ગબડીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૭થી ૩૪૮નો ચમકારો આવ્યો હતો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૫૫૦ વધી આવ્યા હતા.

મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવને કારણે તાજેતરમાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનો અન્ડરટોન જોવા મળી રહ્યો હોવાથી ગત સાલના ધનતેરસના દિવસના ભાવની તુલનામાં અંદાજે ૨૦ ટકા જેટલો વધારો થયો હોવાથી જ્વેલરો આ વર્ષે સાવચેતીના અભિગમ સાથે ધનતેરસના દિવસની માગમાં સાધારણ ૧૦ ટકા જેટલી વૃદ્ધિનો આશાવાદ રાખી રહ્યા છે.


ગઈકાલે સ્થાનિકમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા, પરંતુ આજે ધનતેરસના દહાડે જ ડૉલર સામે રૂપિયો નબળો પડતાં મધ્યસત્ર દરમિયાન ભાવ ગઈકાલના બંધ સામે રૂ. ૩૪૭ વધીને ફરી રૂ. ૬૦,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૬૦,૨૦૩ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૪૮ વધીને રૂ. ૬૦,૪૪૫ના મથાળે રહ્યા હતા.

જોકે, મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ વધ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી શુકન પૂરતી જોવા મળી હતી. જ્યારે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૫૦ વધીને રૂ. ૭૦,૮૫૦ના મથાળે રહ્યા હતા.

ફુગાવા સામેની લડતનો અંત લાવવા માટે તાજેતરમાં વ્યાજદરમાં કરવામાં આવેલો વધારો પર્યાપ્ત છે, એવી કોઈ ખાતરી ન હોવાનું ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવતાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી ન્યૂ યોર્ક ખાતે સોનાચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો.


તેમ જ આજે પણ ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડમાં મક્કમ વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૫૬.૫૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૧૯૬૧.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જૅરૉમ પૉવૅલનાં આક્રમક નાણાનીતિના સંકેતો સાથે હવે ટ્રેડરો આગામી જૂન મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા છે. આમ એકંદરે ઊંચા વ્યાજદરને કારણે વ્યાજની ઊપજ ન આપતી સોના જેવા અસ્ક્યામતોમાં રોકાણકારો રોકાણથી દૂર રહેતા હોય છે, એમ વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા માટે વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૧૯૪૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થઈ શકે છે અને જો આ સપાટી તૂટે તો ભાવ ૧૯૦૦ ડૉલર સુધી ઘટી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button