
શેરબજાર: નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકન ટેરિફ અને વિઝા ફીની ચિંતાઓ વચ્ચે આઇટી અને ફાર્મા શેરોના ધોવાણ વચ્ચે ભારતીય બજારો સપ્તાહને અંતે ૨.૭૦ ટકા જેટલા કડાકા સાથે લગભગ ત્રણ સપ્તાહની નીચી સપાટીએ બંધ થયા હતા. આ સપ્તાહે બજારને અસરકર્તા મુખ્ય પરિબળોમાં આરબીઆઇ નીતિ પરિણામ, યુએસ બજારના સંકેતો, આઇપીઓનો ધસારો, રૂપિયામાં નબળાઈ અને ક્રૂડના ભાવ વલણનો સમાવેશ થાય છે.
૧૯ સપ્ટેમ્બરથી ઇન્ડેક્સમાં ઘટાડો થઈ રહ્યો છે, જે સતત છ સત્રમાં ત્રણેક ટકાથી વધુ ધોવાણ દર્શાવે છે. શુક્રવારથી છ સત્રોમાં સેન્સેક્સમાં ૨,૫૮૭.૫૦ પોઈન્ટ અથવા ૩.૧૬ ટકાનું ધોવાણ નોંધાયું છે. ટ્રમ્પે વીઝા ફીના વધારા બાદ ભારત પરના બીજા આક્રમણમાં ફાર્મા પર તોતિંગ ટેરિફ નાખીને ઇક્વિટી બજારનું મોરલ ખરડી નાંખ્યું છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી એચ-વન બી વિઝા અરજીઓ પર ૧૦૦,૦૦૦ ડોલરની ફી લાદવામાં આવ્યા બાદ રોકાણકારોમાં સાવચેતીનું સેન્ટિમેન્ટ સર્જાતા આઇટી શેરોમાં કડાકાનો દોર જોવા મળ્યો છે. વિઝાના નિયમોના ફેરફારને કારણે ભારતનું ૨૮૩ બિલિયન ડોલરના આઇટી આઉટસોર્સિંગ મોડેલ વિક્ષેપિત થવાની ધારણા હોવાનું સાધનોએ જણાવ્યું હતું.
વર્તમાન પરિસ્થિતિમાં વિશ્ર્લેષકો રોકાણકારોને મૂળભૂત રીતે મજબૂત શેરો પર ધ્યાન કેન્દ્રિત કરીને સાવધાની રાખવાનું સૂચન કરે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી મહિનાથી બ્રાન્ડેડ દવાઓ પર ૧૦૦ ટકા ડ્યુટીની જાહેરાત કર્યા પછી ફાર્મા અને આઇટી શેરમાં ભારે વેચવાલી બાદ શુક્રવારે બેન્ચમાર્ક સ્ટોક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનું ધોવાણ નોંધાયું હતું, જે સતત છઠ્ઠા દિવસે ઘટાડો દર્શાવે છે.
વર્ષ ૨૦૨૫નું આ સૌથી ખરાબ સપ્તાહ રહ્યું હતું. બજાર હજુ એચવન-બી વિઝામાં કરવામાં આવેલા તોતિંગ વધારાની અસર પચાવી રહ્યા છે, ત્યારે ફાર્મા ટેરિફનો નવો ફતવો આવ્યો છે. બજાર ગુરુવારે, બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ અને દશેરા નિમિત્તે સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે. સપ્તાહ દરમિયાન લાર્જ કેપ ધોવાયા હતા, પરંતુ સ્મોલ અને મિડકેપને સૌથી વધુ નુકસાન થયું હતું.
નિફ્ટી ફરીથી મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે સરકી ગયો હતો, જોકે તાજેતરના મહિનાઓમાં તે મોટાભાગે રેન્જબાઉન્ડ રહ્યો છે. આરબીઆઇની નાણાકીય નીતિ સમિતિ સોમવારથી ત્રણ દિવસીય બેઠક શરૂ કરશે, જેનો પરિણામ પહેલી ઓક્ટોબરના રોજ આવશે. સેન્ટ્રલ બેંક રેપો રેટને ૫.૫૦ ટકાના સ્તરે યથાવત રાખે એવી વ્યાપક અપેક્ષા છે.
અમેરિકાએ એચવન બી વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યા બાદ કેટલીક સ્પષ્ટતા અને છૂટ જાહેર કરી હોવા છતાં આઇટી સેકટરને મોટો ફટકો પડવાની ભીતિ હોવાથી આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ ચાલુ રહ્યું હતું. જીએસટીના અમલની બજાર પર હાલ તો કોઇ સેન્ટિમેન્ટલ અસર પણ જણાતી નહોતી અને એવામાં ફાર્માનો પતવો આવી પડતા સેન્ટિમેન્ટ સાવ ખખડી ગયું છે. રોકાણકારો હવે કોર્પોરેટ સેકટરના બીજા ક્વાર્ટરના પરિણામોની પ્રતીક્ષા કરી રહ્યા છે.
સેક્ધડરી માર્કેટમાં ભારે અફડાતફડી અને સાવચેતીનો માહોલ હોવા છતાં પ્રાઇમરી માર્કેટમાં અનેક નવા ભરણા આવી રહ્યા છે અને સેબી પાસે નવા ડીઆરએચપી જમા થતાં રહ્યા છે. આ અઠવાડિયું ફરી આઇપીઓથી વ્યસ્ત રહેશે, જેમાં ૨૦ મેઈનબોર્ડ અને એસએમઇ ઓફરો લાઇનમાં છે.
મેઈનબોર્ડ ઇશ્યૂમાં ગ્લોટિસ, ફેબટેક ટેક્નોલોજીસ, ઓમ ફ્રેઈટ ફોરવર્ડર્સ અને એડવાન્સ એગ્રોલાઈફનો સમાવેશ થાય છે. ગ્લોટીસ લિમિટેડનું સબસ્ક્રિપ્શન ૨૯ સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ટાટા કેપિટલ અને વી વર્ક ઇન્ડિયા કેપિટલ માર્કેટમાં પ્રવેશવા રોડ શો યોજી રહી છે.
એનટીપીસીએ યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે કરાર કર્યા બાદ વિદેશમાં યુરેનિયમ માઈન્સ શોધી કાઢવા કન્સલ્ટન્ટની નિમણુક કરી છે. શુક્રવારે સાત્વિક ગ્રીન એનર્જી તેના ઇશ્યુ ભાવ સામે એક ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો.
આ અગાઉના ગુરુવારે આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશનનો શેર તેના ઇશ્યુ ભાવ સામે પાંચ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો. જોકે, શુક્રવારે જીકે એનર્જીએ ૧૨ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ મેળવ્યું હતું. બુધવારે વીએમએસ ટીએમટીના શેર છ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા.
સપ્તાહ દરમિયાન એફઆઇઆઇએ રૂ. ૧૯,૫૭૦ કરોડનું નેટ સેલીંગ નોંધાવ્યું હતું, જ્યારે ડીઆઇઆઇએ રૂ. ૧૬,૨૦૦ કરોડના ઇક્વિટી શેરની લેવાલી નોંધાવી છે. યુ.એસ. ટેરિફ અને વિઝા ફીમાં ફેરફારની આડઅસરે રૂપિયો આ અઠવાડિયે રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો.
યુક્રેન દ્વારા રશિયન ઉર્જા માળખા પરના હુમલાને કારણે મોસ્કોએ ઇંધણ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી અઠવાડિયા દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ ચાર ટકાથી વધુ વધ્યા હતા. ક્રૂડના ઊંચા ભાવ પરિવહન અને ઇનપુટ ખર્ચમાં વધારો કરીને ફુગાવાનું જોખમ ઊભું કરે છે.
ટ્રમ્પ દ્વારા પહેલી ઓક્ટોબરથી બ્રાન્ડેડ અને પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ દવાઓ પર ૧૦૦ ટકા આયાત ટેરિફ લાદવાના નિર્ણય બાદ વોકાર્ડ, લૌરસ લેબ્સ, બાયોકોન, ઝાયડસ લાઇફ, ગ્લેનમાર્ક, સન ફાર્મા અને ડો. રેડ્ડીઝ સહિતના મોટાભાગના ફાર્મા શેર ઘટ્યા હતા.
દરમિયાન, એનએસઇ અને બીએસઇ દ્વારા ૨૨ સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા પરિપત્રો મુજબ, દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર આ વર્ષે ૨૧ ઓક્ટોબરે યોજાશે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર બપોરે ૧:૪૫ વાગ્યાથી ૨:૪૫ વાગ્યાની વચ્ચે યોજાશે અને ટ્રેડ મોડિફિકેશનનો અંતિમ સમય બપોરે ૨:૫૫ વાગ્યાનો રહેશે. આ ઉપરાંત ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઈંગ જેવા વિવિધ સેગમેન્ટમાં એક જ સમય સ્લોટમાં ટ્રેડિંગ થશે.