એફપીઆઈના ત્રણ મહિનાના બાહ્ય પ્રવાહને બે્રક, ઑક્ટોબરમાં રૂ. 6480 કરોડનો આંતરપ્રવાહ

નવી દિલ્હીઃ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રણ મહિના સુધી વેચવાલી રહ્યા બાદ વર્તમાન ઑક્ટોબર મહિનામાં બૃહદ આર્થિક પરિબળોને ધ્યાનમાં લેતા અત્યાર સુધીમાં રૂ. 6480 કરોડનો આંતરપ્રવાહ જોવા મળ્યો છે.
ડિપોઝિટરીઝ તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો રૂ. 23,885 કરોડનો, ઑગસ્ટ મહિનામાં રૂ. 34,990 કરોડનો અને જુલાઈ મહિનામાં રૂ. 17,700 કરોડનો બાહ્યપ્રવાહ રહ્યો હતો.
એકંદરે ઊભરતી બજારો પૈકી ભારતનાં સ્થાનિક આર્થિક પરિબળો મજબૂત હોવા ઉપરાંત સ્થિર વૃદ્ધિ, ફુગાવાની વધઘટ મેનેજ થઈ શકે તેવી સ્થિતિ અને સ્થાનિક મજબૂત માગ દેશના અર્થતંત્રને મદદરૂપ થઈ રહી હોવાનું મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાના મુખ્ય રિસર્ચ મેનેજર હિમાંશુ શ્રીવાસ્તવાએ જણાવતાં ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરે પ્રવાહિતાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. તેમ જ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની હોવાથી રોકાણકારો વધુ વળતર માટે ઊભરતી બજારો તરફ નજર દોડાવી રહ્યા છે. વધુમાં હાલના તબક્કે ભારતીય બજારમાં વૅલ્યુએશન્સ દબાણ હતા તે હવે આકર્ષક રહેતાં નીચા મથાળેથી લેવાલી જણાય છે.
આ પણ વાંચો: શૅરોનાં ઊંચા વૅલ્યુએશન્સ ઑગસ્ટમાં એફપીઆઈનો ઈક્વિટીમાં આંતરપ્રવાહ ઘટીને ₹ ૭૩૨૦ કરોડ
વધુમાં તે જ પ્રમાણે જિઓજીત ઈન્વેસ્ટમેન્ટના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે એફપીઆઈનો આ વ્યૂહ ભારતીય અને અન્ય બજારો વચ્ચેનાં વૅલ્યુએશન્સના તફાવતમાં ઘટાડો કરવાનો છે. છેલ્લાં એક વર્ષથી ભારતીય બજારની કામગીરી પ્રમાણમાં નબળી હોવાથી હવે સારી કામગીરી માટેનો આશાવાદ સપાટી પર આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં ડિપોઝિટરીઝની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન વર્ષ 2025માં અત્યાર સુધીમાં એફપીઆઈની 1.5 લાખ કરોડની ચોખ્ખી વેચવાલી રહી છે. જોકે, તેની સામે ડેબ્ટ માર્કેટમાં સામાન્ય મર્યાદા હેઠળ રૂ. 5332 કરોડનું રોકાણ કર્યું છે અને રૂ. 214 કરોડનું રોકાણ વૉલન્ટરી રિટેન્શન રૂટ મારફતે કર્યું છે. જે ભારતીય ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાં વિદેશી રોકાણકારો રોકાણ કરવા માટે ઉત્સુક હોવાનો નિર્દેશ આપે છે.