મુંબઈ: દેશમાં જીડીપીના પ્રોત્સાહક ડેટા, જીએસટીના કલેક્શનમાં ઉછાળો અને ગત ફેબ્રુઆરી મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના પીએમઆઈ ડેટા પ્રોત્સાહક આવવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ૧૨૮.૯૪ કરોડની ચોખ્ખી લેવાલીને ટેકે ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા નોંધપાત્ર ઉછાળા બાદ આજે સપ્તાહના અંતે યોજાયેલા વિશેષ સત્રના અંતે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૬૦.૮૦ પૉઈન્ટની અને નિફ્ટી ૩૯.૬૫ પૉઈન્ટની આગેકૂચ સાથે નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે રાબેતા મુજબના સત્રમાં પ્રાઈમરી સાઈટ બંધ પડી જવાના સંજોગોમાં ડીઝાસ્ટર રિકવરી સાઈટ અથવા તો સેક્ધડરી માર્કેટમાં પરાવર્તીત થવાની સજ્જતાની ચકાસણી માટે ઈક્વિટી અને ડેરિવેટીવ્ઝ માર્કેટમાં આજે સવારે ૯.૧૫થી ૧૦ વાગ્યા સુધી પ્રાઈમરી માર્કેટમાં પહેલા સત્રનું અને ત્યાર બાદ ૧૧.૩૦થી ૧૨.૩૦ દરમિયાન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર બીજા સત્રનું આયોજન બૉમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવ્યું હતું.
એક્સચેન્જ તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૮ ટકા અથવા તો ૬૦.૮૦ પૉઈન્ટ વધીને સૌથી ઊંચી ૭૩,૮૦૬.૧૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સત્ર દરમિયાન ૨૪૯.૩૫ પૉઈન્ટ અથવા તો ૦.૩૩ ટકાના વધારા સાથે ૭૩,૯૯૪.૭૦ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના બંધ સામે ૩૯.૬૫ પૉઈન્ટ અથવા તો ૦.૧૮ ટકા વધીને નવી ૨૨,૩૭૮.૪૦ પૉઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ સત્ર દરમિયાન નિફ્ટીએ ૮૦.૮૦ પૉઈન્ટ અથવા તો ૦.૩૬ ટકાની તેજી સાથે ૨૨,૪૧૯.૫૫ની નવી ટોચ દર્શાવી હતી. વધુમાં આજે બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન ૩૯૪.૦૬ લાખ કરોડની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
આજે બીએસઈ ખાતે ૩૫૫૭ શૅરોમાં કામકાજો થયા હતા, જેમાંથી ૨૪૬૬ શૅરના ભાવ વધીને, ૯૬૫ શૅરના ભાવ ઘટીને અને ૧૨૬ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૩.૪૩ ટકાનો ઉછાળો ટાટા સ્ટીલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટાટા મોટર્સમાં ૧.૧૫ ટકાનો, જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૧.૦૩ ટકાનો, વિપ્રોમાં ૦.૬૭ ટકાનો, આઈટીસીમાં ૦.૬૬ ટકાનો અને એશિયન પેઈન્ટ્સમાં ૦.૬૨ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૦.૫૯ ટકાનો ઘટાડો મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. આ સિવાય એનટીપીસીમાં ૦.૪૭ ટકાનો, મારુતિ સુઝુકી લિ.માં ૦.૪૧ ટકાનો, સન ફાર્મામાં ૦.૩૭ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૩૫ ટકાનો અને પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૩૦ ટકાનો ઘટાડો આવ્યો હતો.
ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સના એકમે પેટીએમ પેમેન્ટ્સ બૅન્કને રૂ. ૫.૪૯ કરોડનો દંડ ફટકાર્યો હોવાના અહેવાલ સાથે આજે પેટીએમની માલિકીની કંપની વન૯૭ કોમ્યુનિકેશન્સ લિ.ના શૅરના બીએસઈ ખાતે ભાવ ૨.૫૬ ટકા ઘટીને ૪૧૪.૫૫ના મથાળે અને એનએસઈ ખાતે ભાવ ૨.૧૩ ટકાના ઘટાડા સાથે ૪૧૪.૪૦ની સપાટીએ બંધ રહ્યા હતા. આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં મેટલ ઈન્ડેક્સમાં ૧.૪૪ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૯૫ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૯૦ ટકાનો અને હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૭૫ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે તેની સામે એકમાત્ર બૅન્કેક્સમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.