હાઉસિંગ પ્રોજેકટસમાં રૂ. ૧૦ લાખ કરોડની મૂડી સલવાઇ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : અટકી પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે દેશમાં અંદાજે રૂપિયા ૧૦ લાખ કરોડની મૂડી અટવાઈ પડી છે જેને કારણે જે લોકોએ આ પ્રોજેકટોમાં રહેઠાણ માટે નોંધણી કરાવી છે અને જે ધિરાણદારોએ સદર પ્રોજેકટસને લોન પૂરી પાડી છે, તેમના નાણાં હાલ પૂરતુ જોખમમાં મુકાઈ ગયા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે.
દેશના પંદર જેટલા શહેરોમાં ૪.૩૨ લાખ રહેઠાણોને આવરી લેતા ૧૬૨૫ રેસિડેન્સિઅલ પ્રોજેકટસ હાલમાં અટકી પડયા છે. આ રહેઠાણોની સરેરાશ કિંમત રૂપિયા ૨.૫૦ કરોડ ગણીએ તો ૪.૩૨ લાખ રહેઠાણો પાછળ રૂપિયા ૧૦.૮૦ લાખ કરોડની મૂડી અટવાઈ ગઈ હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.
આપણ વાંચો: સેબીએ SME કંપનીઓ સામેનાં ધોરણ કેમ વધુ સધન બનાવવાં પડ્યાં?
જો આ સંપૂર્ણ પ્રોજેકટસ લોન લઈને ઊભા કરાયા હશે તો વાર્ષિક નવ ટકાના દરે રૂપિયા ૧૦.૮૦ લાખ કરોડ પર અંદાજે રૂપિયા ૯૭૦૦૦ કરોડનો વ્યાજબોજ આવી શકે છે. જે લોકોએ આ અટકી પડેલા પ્રોજેકટસમાં લોન લઈને રહેઠાણ નોંધાવ્યા છે તેમને મહિને વ્યાજ સહિતના હપ્તાનો મોટો માર પડી રહ્યો છે. અસંખ્ય લોકો તો ભાડાંના ઘરમાં રહે છે, માટે તેમની ચિંતા બમણી રહે છે.
પ્રોજેકટસ અટકી પડતા વિકાસકોને કેશ ફલો પણ અવરોધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન હાલમાં પ્રોપર્ટી માર્કેટની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને અસંખ્ય રહેઠાણોના ત્યાં કોઈ લેવાલ નહીં હોવાનું તાજેતરના એક અહેવાલમાં જણાવાયું હતું.