
નિલેશ વાઘેલા
મુંબઇ: ભારતીય શેરબજારમાં વેલ્યુએશન અત્યંત ઊંચા હોવાની ચેતવણીઓ વચ્ચે પણ સેન્સેકસ અને નિફ્ટી લગભગ રોજ નવી ઊંચી સપાટી હાંસલ કરી રહ્યા છે. સેન્સેકસ પહેલી વાર ૮૦,૦૦૦ ક્રોસ કરી ગયો અને નિફ્ટી નવી ઊંચી સપાટીએ પહોંચ્યો તે સાથે બેંક નિફ્ટી પણ ૫૩૦૦૦ની સપાટી વટાવી નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
આનું કારણ એ કે બેન્કિંગ શેર્સમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ શેરોની આગેવાની એચડીએફસી બેંક શેર દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ અન્ય બેંકિંગ શેરોમાં પણ વધારો થવા લાગ્યો હતો. ખાસ કરીને આઇસીઆઇસીઆઇ
બેન્ક અને એક્સિસ બેન્કના શેર પણ બજારને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.
શેરબજારમાં તેજી વચ્ચે શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો શરૂઆતની સાથે જ રોકેટ ગતિએ દોડવા લાગ્યા હતા. એ જ સાથે બજારને સંપૂર્ણ ટેકો આપતા, બેંક નિફ્ટીએ 53,000 પોઈન્ટની રેકોર્ડ સપાટી વટાવી દીધી હતી.
એચડીએફસી બેન્કનો શેર સવારે 9.15 વાગ્યે બજાર ખૂલતાંની સાથે રૂ. 1791 પર ખૂલ્યો હતો અને થોડી જ વારમાં તે રૂ. 1794ની નવી ટોચે પહોંચ્યો હતો. એચડીએફસી બેંકનો શેર સવારે 10.40 વાગ્યે 3.40 ટકા વધીને રૂ. 1789.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેરોમાં આ ઉછાળાને કારણે બેંકનું માર્કેટ કેપ પણ વધીને 13.44 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું એચડીએફસી બેન્કની સાથે, આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર લગભગ 2 ટકાના ઉછાળા સાથે રૂ. 1215.85ના સ્તરે પહોંચ્યો હતો.
એક્સિસ બેન્કનો શેર પણ 2.21 ટકા ઉછળીને રૂ. 1281 પર ટ્રેડ કરી રહ્યો હતો. અન્ય બેન્કિંગ શેરોની વાત કરીએ તો, ખાનગી ક્ષેત્રની કોટક બેન્કનો શેર 1.50 ટકા વધીને રૂ. 1799.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈનો શેર લગભગ 1 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.
જો આપણે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકના શેરમાં આ જબરદસ્ત ઉછાળા પાછળના કારણોનો ઉલ્લેખ કરીએ, તો એચડીએફસી બેંકના શેરમાં આ વધારો ઓગસ્ટમાં એમએસસીઆઈ દ્વારા વધુ રોકાણની અપેક્ષા વચ્ચે આવ્યો હતો.