
નિલેશ વાઘેલા
મુંબઇ: સતત બીજા દિવસે ઘટાડા સાથે, ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૪૬૬.૨૬ પોઈન્ટ અથવા ૦.૫૬ ટકા ઘટીને ૮૨,૧૫૯.૯૭ પર સ્થિર થયો હતો. જ્યારે ૫૦ શેરો ધરાવતો એનએસઇનો નિફ્ટી ૧૨૪.૭૦ પોઈન્ટ અથવા ૦.૪૯ ટકા ઘટીને ૨૫,૨૦૨.૩૫ પર બંધ થયો હતો.
યુએસ એચ-૧બી વિઝા ફી વધારાની ચિંતાઓ વચ્ચે આઇટી શેરોમાં સોમવારે ઘટાડો થયો હતો, જેમાં ઇન્ફોબીન્સ ટેક્નોલોજીસના શેરમાં આઠ ટકા અને હેક્સાવેરના શેરમાં સાત ટકા જેટલો કડાકો બોલાયો હતો.
બીએસઇ પર ઇન્ફોબીન્સ ટેક્નોલોજીસના શેર ૮.૦૮ ટકા, હેક્સાવેર ટેક્નોલોજીસ ૭.૦૮ ટકા, એલટીઆઈ માઇન્ડટ્રી ૪.૫૪ ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૪.૧૯ ટકા અને ટેક મહિન્દ્રા ૩.૨૦ ટકા ઘટ્યા હતા. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસના શેર ૩.૦૨ ટકા, ઇન્ફોસિસ ૨.૬૧ ટકા, વિપ્રો ૨.૨૫ ટકા અને એચસીએલ ટેક ૧.૮૪ ટકા ઘટ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્સ ૨.૭૩ ટકા ઘટીને ૩૪,૯૮૮.૨૦ થયો હતો.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી એચ-વન બી વિઝા અરજીઓ પર ૧૦૦,૦૦૦ ડોલરની ફી લાદવામાં આવ્યા બાદ રોકાણકારોના સેન્ટિમેન્ટ સાવધ બન્યા હોવાથી આઇટી શેરોમાં આ કડાકો જોવા મળ્યો હતો. આ ફેરફારને કારણે ભારતનું ૨૮૩ બિલિયન ડોલરના આઇટી આઉટસોર્સિંગ મોડેલ વિક્ષેપિત થવાની ધારણા હોવાનું સાધનોએ જણાવ્યું હતું.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કંપનીઓ દ્વારા અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે, કામદારોને નોકરી પર રાખવા માટે ઉપયોગમાં લેવાતા વિઝા પર ફી વધારવાની જાહેરાત પર હસ્તાક્ષર કર્યા.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ શનિવારે સ્પષ્ટતા કરી હતી કે ૧૦૦,૦૦૦ ડોલરની એચ-વન બી વિઝા ફી ફક્ત નવા અરજદારોને જ લાગુ પડશે. નોંધનીય છે કે, ભારતીય ટેક પ્રોફેશનલ્સ એચ-વન બી વિઝામાં ૭૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
આ સપ્તાહે પચ્ચીસ કંપની રૂ. ૬,૩૦૦ કરોડ એકત્ર કરશે, જેમાં બ્રોકિંગ અને રિસાઇક્લિગંથી લઈને ઇલેક્ટ્રિકલ્સ અને ડિજિટલ સેવાઓ સુધીના ક્ષેત્રોમાં મોટા નામોનો સમાવેશ થશે. પ્રાઇમરી માર્કેટમાં સાત્વિક ગ્રીન એનર્જી અને જીકે એનર્જીએ ગુરુવારે ૧૯મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કર્યો છે.
એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ અને ગણેશ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સનો આઇપીઓે ૨૨ સપ્ટેમ્બરના રોજ અને આનંદ રાઠી, જારો ઇન્સ્ટિટ્યૂટ અને શેષાસાઇ ટેક્નોલોજીસનો આઇપીઓ ૨૩ સપ્ટેમ્બરના રોજ ખુલશે. જૈન રિસોર્સ રિસાયક્લિંગ લિમિટેડ અને ઇપેક પ્રીફેબ ટેક્નોલોજીસ લિમિટેડના આઇપીઓ ૨૪ સપ્ટેમ્બરે ખૂલશે. જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ ૨૫ સપ્ટેમ્બરે ખૂલશે. શિવાયલયા ક્ધસ્ટ્રકશને ડીઆરએચપી જમા કરાવ્યું છે.
ગ્લાસ વોલ સિસ્ટમ્સે ડીઆરએચપી જમા કરાવ્યું છે.
મૂડીબજારમાં હાલમાં ખુલ્લા આઇપીઓમાં આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડ, જીકે એનર્જી, સાત્વીક ગ્રીન એનર્જી, જેડી કેબલ્સ અને સિદ્ધી કોટસ્પીનનો સમાવેશ છે. જ્યારે હાલમાં જ બંધ થયેલા આઇપીઓમાં યુરો પ્રતિક, સંપટ એલ્યુમિનિયમ, ટેકડી સાઇબર સિક્યુરિટીઝ અને વીએમએસ ટીએમટીનો સમાવેશ છે.
આ પણ વાંચો…યુએસના H-1B વિઝા સામે ચીને રજુ કર્યા K-વીઝા! જાણો શું છે ખાસિયત