શેરબજારમાં ગુજરાતી મહિલાઓનો દબદબો, જાણો કેટલા ટકા કરે છે રોકાણ

અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ પણ શેરબજારમાં મોટા પાયે રોકાણ રી રહી છે. એનએસઈના આંકડા પ્રમાણે, શેરબજારમાં રોકાણ કરતી ગુજરાતી મહિલાઓની સંખ્યા ઓલ ટાઈમ હાઈ 28 ટકા પર પહોંચી છે. ગુજરાતમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા 1.03 કરોડ છે. જે પૈકી 28 ટકા મહિલાઓએ ન માત્ર રાષ્ટ્રીય સરેરાશ 24 ટકાને પાછળ રાખી છે પરંતુ મહારાષ્ટ્ર (28.6 ટકા)ની સમકક્ષ પહોંચી છે. ઉત્તર પ્રદેશમાં પણ એક કરોડથી વધુ રોકાણકારો ધરાવતાં રાજ્યોમાં સામેલ છે, અહીં માત્ર 18 ટકા મહિલા રોકાણકારો છે.
રાજ્યમાં મહિલા રોકાણકારોની ભાગીદારીમાં વૃદ્ધિ સ્થિર રહી છે. માર્ચ 2023 માં 26.6 ટકા હતી, જે સપ્ટેમ્બર 2025 સુધીમાં વધીને 28 ટકા થઈ છે. જે ગુજરાતી ઘરોમાં મહિલાઓ નાણાકીય નિર્ણય લેવાની જવાબદારી કેવી રીતે વધુને વધુ સંભાળી રહી છે તે દર્શાવે છે.
એનએસઈ રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2025 સુધીમાં એનએસઈના વ્યક્તિગત રોકાણકારમાં મહિલાઓનો હિસ્સો 24.6 ટકા પર સ્થિર રહ્યો છે. નોંધાયેલા રોકાણકારો દ્વારા ટોચના પાંચ રાજ્યોમાં, મહારાષ્ટ્ર 28.6 ટકા સાથે આગળ છે, ત્યારબાદ તમિલનાડુ 28.2 ટકા સાથે આવે છે. ભારતના લગભગ 53 ટકા રાજ્યોમાં હવે મહિલા રોકાણકારોનો હિસ્સો રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે.



