નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાતની કંપનીઓએ 3495 કરોડનું ભંડોળ એકત્ર કર્યું…

અમદાવાદ: ગુજરાત આઈપીઓની રેસમાં અગ્રેસર રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટર એપ્રિલ-જૂન 2025 સૌથી વધુ કંપનીઓ ગુજરાતમાંથી શેરબજારમાં લિસ્ટેડ થઈ હતી. રાજ્યની કુલ 14 કંપનીઓ એનએસઈ અને બીએસઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ હતી અને સંયુક્ત રીતે રૂ. 3495 કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું હતું. ગુજરાતની કંપનીઓએ મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા મોટા રાજ્યોને પાછળ રાખી દીધા હતા.
સૂત્રો મુજબ, એપ્રિલ-જૂન 2025 દરમિયાન મેઇન બોર્ડ અને એનએસઈ એક્સચેન્જ એમ બંને પર ગુજરાત સ્થિત નવ કંપનીઓએ લિસ્ટિંગ કર્યું અને રૂ. 3374 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. એનએસઈ લિસ્ટિંગની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ગુજરાતની બરોબરી પર હતું, પરંતુ ભંડોળ એકત્ર કરવામાં સહેજ પાછળ રહ્યું હતું. મહારાષ્ટ્રની કંપનીઓએ રૂ. ૩,૩૦૦ કરોડ એકત્ર કર્યા હતા.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર પણ, ગુજરાત કંપનીઓની સંખ્યાની દ્રષ્ટિએ અગ્રેસર રહ્યું હતું. પાંચ કંપનીઓએ રૂ. 121.6 કરોડ એકત્ર કર્યા હતા, જે ક્વાર્ટર દરમિયાનના કુલ એસએમઈ આઈપીઓના લગભગ ત્રીજા ભાગ જેટલા હતા. એનએસઈ એ નોંધ્યું કે, પ્રથમ ક્વાર્ટરમાં લિસ્ટેડ થયેલી કંપનીઓમાં ગુજરાત નવ લિસ્ટિંગ સાથે અગ્રેસર રહ્યું હતું. જે
બીએસઈ એસએમઈ ડેટા અનુસાર, પ્રથમ ક્વાર્ટરમાં એક્સચેન્જના એસએમઈ પ્લેટફોર્મ પર 12 કંપનીઓ લિસ્ટેડ થઈ હતી. તેમણે કુલ રૂ. 387.26 કરોડ એકત્ર કર્યા હતા. ગુજરાત પાંચ લિસ્ટિંગ સાથે અગ્રેસર રહ્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ આ વલણનો શ્રેય ગુજરાતના ઉદ્યોગસાહસિકોમાં મજબૂત ગવર્નન્સ અને વધતી ઇક્વિટી જાગૃતિને આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાત સ્થિત કંપનીઓએ તાજેતરના વર્ષોમાં ઝડપી વૃદ્ધિ જોઈ છે. ઘણી હવે આક્રમક વિસ્તરણ તરફ નજર કરી રહી છે અને આઈપીઓ તે માટેનો શ્રેષ્ઠ રસ્તો છે.
આ પણ વાંચો…શેરબજારમાં ૧૪ આઇપીઓ આવશે, ૧૨ નવા શેરનું લિસ્ટિંગ થશે