શેર બજાર

સોના-ચાંદીના ભાવમાં ફરી ચમકારોઃ સોનાએ 96,000 સપાટી કુદાવી…

ફેડરલની નિર્ણાયક બેઠક પૂર્વે વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ટ્રમ્પની ટૅરિફ નીતિને કારણે વૈશ્વિક ટ્રેડ વૉરની પુનઃ ચિંતા સપાટી પર આવવાની સાથે આવતીકાલે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વ્યાજદરમાં કપાત અંગેના અણસાર આપે છે કે નહીં તેની અવઢવ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે સોનાના ભાવ નવી ઊંચી સપાટી નોંધાવીને પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે પણ સત્રના આરંભે સોના-ચાંદીમાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1474થી 1479ની તેજી આવી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1745ના ઉછાળા સાથે ફરી રૂ. 95,000ની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1745ના ચમકારા સાથે રૂ. 95,645ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં તેજીનું વલણ જળવાઈ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1474 વધીને રૂ. 96,374 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1479 વધીને રૂ. 96,761ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી માત્ર રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરવાની સાથે બે સપ્તાહની અંદર ફર્માસ્યુટિકલ પરની ટૅરિફ અંગેની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હોવાથી પુનઃ વૈશ્વિક ટ્રેડ વૉરની ભીતિ સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને નવી ઊંચી સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. વધુમાં આજે પણ લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.9 ટકા વધીને આૈંસદીઠ 3362.69 ડૉલર અને વાયદામાં ભાવ 1.5 ટકા વધીને 3370.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.5 ટકા વધીને આૈંસદીઠ 32.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે રોકાણકારોનાં પોર્ટફોલિયોમાં ચંચળતા વધવાની શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું આઈજી માર્કેટનાં વિશ્લેષક યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું. વધુમાં આજથી અમેરિકી ફેડરલ રિઝર્વની શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વ્યાજદર અંગે શું નિર્ણય લે છે અને બેઠક પશ્ચાત્‌‍ કેવી ટિપ્પણી કરે છે તેનાં પર રોકાણકારોની નજર મંડાયેલી હોવાનું તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વે ગત ડિસેમ્બર મહિનાથી વ્યાજદર 4.25થી 4.50 ટકાની રેન્જમાં જાળવી રાખ્યા છે. જો પૉવૅલ હળવી નાણાનીતિના સંકેતો આપશે તો સોનામાં ઝજપી તેજી જોવા મળી શકે છે, એમ રૉન્ગે ઉમેર્યું હતું.

એકંદરે આ બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્‌‍ રાખશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ ટ્રમ્પની ટૅરિફ નીતિની અનિશ્ચિતતાનો ઓછાયો અર્થતંત્ર પર કેવો પડશે તેનાં સંકેતો પર બજારની મીટ હોવાનું રૉઈટર્સે એક અહેવાલમાં જણાવ્યું હતું.

આપણ વાંચો : ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button