ઘટ્યા મથાળેથી સોનામાં રૂ. ૧૦૬નો અને ચાંદીમાં રૂ. ૧૮૨નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે અમેરિકી ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાચાંદીના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૦.૭ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને કારણે સ્થાનિકમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી રૂ. ૧૦૬નો અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી રૂ. ૧૮૨નો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૨૨ પૈસા વધીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી લેવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૮૨ ઘટીને રૂ. ૭૧,૩૫૨ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હોવા છતાં વિશ્વ બજાર પાછળ મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૬ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૦૫૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૨૯૫ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ૧૯૨૫.૧૪ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૯૪૯.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૬ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૩.૦૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનાના સર્વિસીસ આંકમાં અનપેક્ષિતપણે જોવા મળેલી વૃદ્ધિ તેમ જ બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજીમાં ઘટાડો થવાથી ડૉલર તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા, પરંતુ આજે તેમાં વધ્યા મથાળેથી નરમાઈનું વલણ રહેતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એક વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વ્યાજદરમાં વધારાની અર્થતંત્ર પર માઠી અસર ન પડે એવું ફેડરલ રિઝર્વ ઈચ્છી રહી છે અને તેવું જ થઈ રહ્યું છે. આથી ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો નહીં કરે, પરંતુ આગામી વર્ષ ૨૦૨૪ માટે કેવું વલણ અપનાવશે તેનાં સંકેતોની બજાર રાહ જોઈ રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.