
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકામાં ફુગાવામાં વધારો થવાથી ફેડરલ રિઝર્વ શક્યત: આ વર્ષનાં અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૦.૫ ટકાનો અને વાયદામાં ૦.૪ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં એક ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્વ બજારથી વિપરીત સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૯નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે નીકળેલી છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૯ના સુધારા સાથે રૂ. ૭૧,૧૨૬ના મથાળે રહ્યા હતા.
જોકે, સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં રૂપિયામાં સુધારાતરફી વલણ રહેવાથી આયાત પડતરમાં ઘટાડો તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧ના સાધારણ ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૯૨૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૧૬૦ના મથાળે રહ્યા હતા.
આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વ આગામી ૧૯-૨૦ સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં વ્યાજદર અંગે નિર્ણય લેશે. જોકે, તાજેતરમાં ક્રૂડતેલનાં ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતાં સપ્ટેમ્બર મહિનાના ફુગાવામાં વધારો થવાથી ઑક્ટોબર-નવેમ્બરની બેઠકમાં ફેડરલ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૧૯૨૭.૦૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૧૯૫૦.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ એક ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૩.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.