શેર બજાર

વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી બાર્ગેઈન હંન્ટિગ છતાં સ્થાનિકમાં રૂ. 383નો ઘટાડો, ચાંદી રૂ. 461 વધી…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને બ્રિટન વચ્ચેની ટ્રેડ ડીલ અંગેના પ્રોત્સાહક અહેવાલે આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3274.38 ડૉલર સુધી ઘટ્યા બાદ રોકાણકારોનું નીચા મથાળેથી બાર્ગેઈન હંન્ટિગ નીકળતા સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 381થી 383નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 461નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 461ના સુધારા સાથે વેરા રહિત ધોરણે રૂ. 95,686ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા હાજરમાં વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 381 ઘટીને રૂ. 96,260 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 383 ઘટીને રૂ. 96,647ના મથાળે રહ્યા હતા. તેમ છતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ એકંદરે પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે મુખ્યત્વે અમેરિકા અને બ્રિટનની ટ્રેડ ડીલના પ્રોત્સાહક નિર્દેશો સાથે સોનામાં સલામતી માટેની માગ પાંખી રહેતા એક તબક્કે હાજરમાં ભાવ ઘટીને આૈંસદીઠ 3274.38 ડૉલર સુધી પહોંચ્યા બાદ નીચા મથાળેથી રોકાણકારોની લેવાલીને ટેકે ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 3317.39 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.5 ટકા વધીને આૈંસદીઠ 3321.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાં હતાં, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 32.50 ડૉલરના મથાળે ટકેલા રહ્યાં હતાં.

ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને બ્રિટનના પ્રમુખ કેઈર સ્ટાર્મરે બન્ને દેશો વચ્ચેનાં મર્યાદિત દ્વીપક્ષીય વેપાર કરારની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ટ્રમ્પે બ્રિટીશથી થતી નિકાસ સામેની 10 ટકા ટૅરિફ જાળવી રાખવાની સાથે બન્ને દેશો વચ્ચેના કૃષિ એક્સેસનું વિસ્તરણ કર્યું હતું અને અમેરિકા બ્રિટીશ કારની નિકાસ પરની ડ્યૂટી ઘટાડવા સહમત થયું હતું. તેમ જ બ્રિટન અમેરિકન માલ સામાન પરની ડ્યૂટી જે 5.1 ટકા હતી તે ઘટાડીને 1.8 ટકા કરવા સહમત થયું હતું. આમ ટ્રેડ ડીલને પગલે સોનામાં ભાવઘટાડો જોવા મળ્યા બાદ નીચા મથાળેથી લેવાલી નીકળતા સુધારો જોવા મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે હવે ચીન સાથેની ટ્રેડ ડીલ કેવી રહે છે તેનાં પર સોનાના ભાવની વધઘટ અવલંબિત રહેશે.

વધુમાં સપ્તાહના અંતે ચીન સાથે થનારી વાટાઘાટોમાં ચીન 145 ટકા જેટલાં ઊંચા ટૅરિફમાં ઘટાડો કરે તેવો આશાવાદ ટ્રમ્પે વ્યક્ત કર્યો હતો. સામાન્યપણે આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે. જોકે, આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વનાં ઘણાં અધિકારીઓની ટિપ્પણીઓ આવશે તેના પર રોકાણકારોની નજર રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button