વેપારશેર બજાર

ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવા આશાવાદે વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવામાં આવે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ભાવમાં બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં પણ વધારો થવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦૨થી ૩૦૪નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૬૨ની આગેકૂચ જોવા મળી હતી.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૬૨ વધીને રૂ. ૭૨,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૫૯,૦૧૬ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે સોનામાં વિશ્વ બજારનાં સુધારાતરફી અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરમાં વધારો થવાને કારણે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦૨ વધીને રૂ. ૫૯,૦૮૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૦૪ વધીને રૂ. ૫૯,૩૨૦ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી.


આગામી બુધવારે ફેડરલ રિઝર્વ નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા તેમ જ ગુરુવારની બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની અને શુક્રવારની બૅન્ક ઑફ જાપાનની નીતિવિષયક બેઠક પૂર્વે આજે યુરોપના શૅર બજારોમાં સત્રના આરંભે નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની લેવાલી લેવાલી નીકળતાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને ૧૯૨૮.૭૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૧૯૪૯.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૧૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારા અંગે કેવું વલણ અપનાવશે તેનાં પર બજાર વર્તુળોની નજર હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આ વર્ષના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ હજુ એક વખત વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નકારી ન શકાય.


સામાન્યપણે વ્યાજદર વધારાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની માગ નિરસ રહેતી હોય છે, પરંતુ, સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે પગલાંઓ લઈ રહ્યું હોવાથી થોડા ઘણાં અંશે સોનાને ટેકો મળતો રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button