
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકાના જોબ ડેટા મજબૂત આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઉછાળો આવતા લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવ સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા અને ચાંદીના ભાવ વધુ ૦.૬ ટકા ઘટી આવ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૭થી ૧૪૮ ઘટી આવ્યા હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલી છતાં ઔદ્યોગિક વપરાશકારોની માગનો ટેકો મળતાં ભાવમાં ઘટ્યા મથાળેથી સાધારણ કિલોદીઠ રૂ. ૫૪નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે સોનામાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૭ ઘટીને રૂ. ૫૬,૩૦૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૪૮ ઘટીને રૂ. ૫૬,૫૨૭ના મથાળે રહ્યા હતા.
જોકે, .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહ્યું હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ સાધારણ કિલોદીઠ રૂ. ૫૪ના સુધારા સાથે રૂ. ૬૭,૦૯૧ના મથાળે રહ્યા હતા.
ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકામાં રોજગારીમાં આશ્ર્ચર્યજનક રીતે વૃદ્ધિ થઈ હોવાના અહેવાલો સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં આગેકૂચ જોવા મળતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને ગત માર્ચ મહિના પછીની નીચી ઔંસદીઠ ૧૮૧૩.૯૦ ડૉલર આસપાસની સપાટીએ પહોંચ્યા હતા.
વધુમાં આજે પણ ડૉલર તથા ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ૧૮૩૫.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૩૧ ઑક્ટોબર અને પહેલી નવેમ્બર મહિનાની નીતિ વિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે, જ્યારે વર્ષ ૨૦૨૩ના અંતની ડિસેમ્બર મહિનાની બેઠકમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેમ છતાં ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવા અણસારોને પગલે ડૉલર તથા ટ્રેઝરીની યિલ્ડમાં થઈ રહેલા વધારાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું વિશ્લેષકો જણાવે છે.