અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ શુદ્ધ સોનું ₹ ૩૩૪ ઘટીને ₹ ૫૯,૦૦૦ની અંદર, ચાંદીએ ₹ ૭૧,૦૦૦ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલે અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી, સાર્વત્રિક સ્તરેથી નિરસ માગ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૩થી ૩૩૪નો ઘટાડો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯,૦૦૦ની અને ચાંદીએ કિલોદીઠ રૂ. ૪૪૩ના ઘટાડા સાથે રૂ. ૭૧,૦૦૦ની સપાટી ગુમાવી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૪૩ ઘટીને રૂ. ૭૦,૯૦૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો છૂટીછવાઈ વેચવાલી સામે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ મર્યાદિત રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૩ ઘટીને રૂ. ૫૮,૬૨૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૩૪ ઘટીને રૂ. ૫૮,૮૬૫ના મથાળે રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૯-૨૦ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાનો કે પછી યથાવત્ રાખવાનો નિર્ણય આવતીકાલે જાહેર થનારા ઑગસ્ટ મહિનાના ફુગાવા પર નિર્ભર હોવાથી આજે લંડન ખાતે રોકાણકારોએ સોના-ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૧૧.૯૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકાના ઘટાડા સાથે ૧૯૩૪.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૨.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા ખાતે ફુગાવામાં છેલ્લાં થોડાં સમયથી ઘટાડાતરફી વલણ જોવા મળી રહ્યું છે, પરંતુ આ વખતે શક્યત: ઝડપી વૃદ્ધિ જોવા ન મળતાં ફેડરલ રિઝર્વ પાસે લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાનો વિકલ્પ હોવાનું મેટલ ફોકસનાં વરિષ્ઠ ક્ધસલ્ટન્ટ હર્ષલ બારોટે જણાવ્યું હતું. જોકે, ન્યૂ યોર્ક ફેડે ગઈકાલે ફુગાવામાં સાધારણ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી હતી. હાલમાં સીએમઈ વૉચ ટૂલ અનુસાર આગામી ૧૯-૨૦ સપ્ટેમ્બરની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી ૯૩ ટકા અને આગામી નવેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી ૪૨ ટકા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.