વેપારશેર બજાર

વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૧૬૫૧ ગબડી, શુદ્ધ સોનું રૂ. ૨૦૭ તૂટીને રૂ. ૫૯,૦૦૦ની અંદર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૬૫૧ ગબડીને રૂ. ૭૨,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૬થી ૨૦૭ ઘટી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાએ રૂ. ૫૯,૦૦૦ની સપાટી ગુમાવી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૬૫૧ના કડાકા સાથે રૂ. ૭૧,૩૬૪ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકો પણ નવી લેવાલીથી દૂર રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૬ના ઘટાડા સાથે રૂ. ૫૮,૬૮૬ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૭ના ઘટાડા સાથે રૂ. ૫૯,૧૨૯ના મથાળે રહ્યા હતા.


જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ પાંચ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

આદામી શુક્રવારે અમેરિકાનાં પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સની જાહેરાત પૂર્વે વિશ્વ
બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં આગેકૂચ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૧૧.૫૪ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ૧૯૩૦.૩૦ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯ ટક ઘટીને ઔંસદીઠ ૨૨.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


નોંધનીય બાબત એ છે કે ગઈકાલે મિનિયાપોલિસ ફેડના પ્રમુખ નીલ કશ્કરીએ જણાવ્યું હતું કે ફુગાવો બે ટકા કરતાં નીચી સપાટીએ લાવવા માટે હજુ વ્યાજદરમાં વધારાની આવશ્યકતા છે. જોકે, એએનઝેડના વિશ્લેષકે
એક નૉટ્સમાં જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરે તો જ સોનાને થોડાઘણાં અંશે ટેકો મળી શકે તેમ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button