આમચી મુંબઈમહારાષ્ટ્રવેપારશેર બજાર

સોનામાં ઊંચા મથાળેથી રૂ. ૧૭૮નો અને ચાંદીમાં રૂ. બાવનનો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ફેડરલ દ્વારા રેટ કટના આશાવાદ અને મધ્યપૂર્વના દેશોના તણાવ વચ્ચે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ઊંચા મથાળેથી સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. બાવનનો ઘસરકો આવ્યો હતો.

આ પણ વાંચો : Stock Update: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર વધારા સાથે ખૂલ્યું , સેન્સેક્સ -નિફ્ટી ફ્લેટ

આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. બાવનના ઘટાડા સાથે રૂ. ૮૬,૧૩૯ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૮ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૫૭૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૮૬૪ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને આગામી સપ્ટેમ્બરથી રેટ કટના આશાવાદ અને મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં સોનામાં મક્કમ અન્ડરટોન જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ઔંસદીઠ ૨૫૧૩.૭૪ ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫૪૮.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં હાજર સોનાના ભાવમાં ૨૧ ટકા જેટલો વધારો થયો છે. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ પણ ઘટ્યા મથાળેથી ૦.૨ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૯.૯૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકશે એવી નિશ્ર્ચિતતા જણાઈ રહી છે, પરંતુ હવે વ્યાજદરમાં કેટલો ઘટાડો કરવામાં આવશે તે અંગે બજારમાં ચર્ચા થઈ રહી છે અને તેને માટે બજાર વર્તુળોની નજર અમેરિકાના જાહેર થનારા આર્થિક ડેટાઓ પર સ્થિર થઈ હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું. સામાન્યપણે ઓછા અથવા તો નીચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ફેડરલ દ્વારા હળવી નાણાનીતિની શક્યતા, રાજકીય-ભૌગોલિક ચિંતા અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન ગઈકાલે સાન ફ્રાન્સિસ્કો ફેડરલ રિઝર્વનાં પ્રમુખ મેરી ડેલીએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વની આગામી નીતિવિષયક બેઠકમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, એએનઝેડ કૉમૉડિટીના સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવ્યું હતું કે આગામી મધ્યમ સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૫૦ ડૉલરની સપાટી સુધી પહોંચી શકે છે,પરંતુ, તે પૂર્વે એકાદ નફારૂપી વેચવાલીનો આંચકાથી રોકાણકારોને પ્રવેશવાની તક પણ મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button