ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા વચ્ચે નર્વસ નિફ્ટી માટે ૨૫,૩૦૦ ટેકાની નિર્ણાયક, બજારના મૂડનો આધાર કંપની પરિણામ અને જીઓ-પોલિટિકલ ઘટનાઓ પર…

નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાએ ગ્રીનલેન્ડ અને કોલંબિયા પર હુમલાની ચેતવણી ઉપરાંત ઇઝરાયલ સાથે મળીને ઇરાન પર હુમલો કરવાની તૈયારી કરી લીધી હોય એવા સંકેત છે. વેનેઝુએલા પર કબજો જમાવ્યા બાદ અમેરિકો રશિયાના પાંચેક ઓઇલ ટેન્કર જહાત કબજે કરી લીધા હોવાના અને પુતીન તેનો આક્રમક જવાબ આપવાની તૈયારીમાં હોવાના અહેવાલો બાદ જીઓ-પોલિટિકલ જોખમ વધ્યું છે.
આ તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ મળીને ભારત વિરૂદ્ધ કોઇ ષડયંત્ર કરી રહ્યા હોવાની માહિતીને આધાર ભારતે પણે બાંગલાદેશ સાથેની સરહદ પર પોતાની લશ્કરી તૈયારી કરી લીધી છે. મિડલઇસ્ટમાં પણ લશ્કરી હુમલા ચાલુ છે. આ સંજોગોમાં ત્રીજા વિશ્ર્વયુદ્ધની તૈયારીના સંકેત મળતા શેરબજાર માટે જોખમ સર્જાયું છે.
અમેરિકાની તોતિંગ ટેરિફની આશંકાને કારણે સર્જાયેલા સાવચેતીના માનસ વચ્ચે ભારતીય શેરબજારોમાં વેચવાલીનું દબાણ ચાલુ રહેતા સતત પાંચમા દિવસે ઘટાડો જારી રહ્યો હતો અને બેન્ચમાર્ક સેન્સેક્સ તથા નિફ્ટીમાં લગભગ એક ટકા જેવો કડાકો જોવા મળ્યો હતો. ભારતીય બજારોમાંથી વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલીને કારણે પણ બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી રહી છે.
આ પણ વાંચો…સેન્સેક્સમાં કેમ પડ્યો ૨,૨૦૦ પોઇન્ટનો કડાકો? જાણો શેરબજારમાં મંદીના પંચક પાછળના કારણો
સેન્સેક્સ ૮૪,૦૦૦ની સપાટી તોડીને ૮૩,૫૭૬.૨૪ પર, જ્યારે નિફ્ટી ટકા ઘટીને ૨૫,૬૮૩.૩૦ પર બંધ રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે બંને બેન્ચમાર્કે અઢી ટકા ગુમાવ્યા છે. સાપ્તાહિક ધોરણે બંને બેન્ચમાર્કે અંદાજે અઢી ટકાનો કડાકો નોંધાવ્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા નવી ટેરિફ-સંબંધિત ટિપ્પણીઓને પગલે વૈશ્ર્વિક વેપાર અનિશ્ર્ચિતતામાં વધારો થવાને કારણે ભારતીય ઇક્વિટી બજારો સમીક્ષા હેઠળના પાછલા આખા અઠવાડિયા દરમિયાન સતત દબાણ હેઠળ રહ્યા હતા. એકંદરે અમેરિકાએ ટેરિફ વધારવા આપેલી ધમકી, ભૂ-રાજકીય તંગદીલી અને એફઆઇઆઇની સતત વેચવાલીને કારણે શેરબજારમાં સતત પીછેહઠ જોવા મળી હતી.
બજારના નિષ્ણાતો અનુસાર સેન્સેક્સ અને નિફ્ટી આ સપ્તાહમાં અનેક ચિંતાજનક બાબતો છે અને આ સપ્તાહે ત્રીજા ક્વાર્ટરના પરિણામો તથા વૈશ્ર્વિક ચિંતાઓ બજારના મૂડને સેટ કરશે. આ સપ્તાહથી ત્રીજા ક્વાર્ટરના કમાણીની મોસમ શરૂ થાય છે. ભારતની કેટલીક ટોચની આઇટી કંપનીઓ જેમ કે ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજી, વિપ્રો અને ટેક મહિન્દ્રા તેમના પરિણામો જાહેરા કરશે. આ પરિણામો સ્પષ્ટ ચિત્ર આપશે કે આઇટી ક્ષેત્ર મુશ્કેલ વૈશ્ર્વિક વાતાવરણમાં કેવું પ્રદર્શન કરી રહ્યું છે. બજારમાં આઇટી શેરોનું વેઇટેજ મોટું હોવાથી, તેમના આંકડા સેન્સેક્સ અને નિફ્ટી પર મજબૂત અસર બતાવશે.
રોકાણકારોની નજર ઇન્ફ્લેશન અને આર્થિક ડેટા પર પણ રહેશે. આવતા અઠવાડિયે ઘણા મહત્વપૂર્ણ આર્થિક અહેવાલો પણ બહાર આવશે. આમાં ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો, જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો, વ્યાપાર સંતુલન અને વિદેશી વિનિમય અનામતનો સમાવેશ થાય છે. આ આંકડા પરથી જાણવા મળશે કે ભારતનું અર્થતંત્ર કેટલું મજબૂત છે અને ભાવ દબાણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. ફુગાવાના આંકડા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરના નિર્ણયોને અસર કરે છે.
અગાઉ જણાવ્યાં અનુસાર વૈશ્ર્વિક પરિબળો ભારતીય બજારોને પણ પ્રભાવિત કરશે. યુએસ સુપ્રીમ કોર્ટ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની વૈશ્ર્વિક ટેરિફ યોજનાઓ સંબંધિત કેસોની સુનાવણી કરશે. કોઈપણ મોટો નિર્ણય અથવા આઘાતજનક આંચકા ઇક્વિટી બજારોને હડસેલી શકે છે અને ભારતીય અર્થતંત્રને પણ અસર કરી શકે છે. રોકાણકારો ચિંતિત છે કારણ કે ઊંચા ટેરિફ દરો વૈશ્ર્વિક વેપારને નુકસાન પહોંચાડી શકે છે અને આર્થિક વિકાસને ધીમો પાડી શકે છે.
આ પણ વાંચો…stock market: શેરબજારમાં મંદીનું પંચક: બેન્કમાર્ક ૮૪,૦૦૦ની નીચે ખાબક્યો
અગ્રણી ટેકનિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ૨૫,૮૦૦ નિફ્ટી માટે એક મુખ્ય પ્રતિકાર સ્તર છે. જો તે આ સ્તરથી ઊંચો જાય છે, તો આગામી લક્ષ્યો ૨૫,૯૪૦ અને ૨૬,૦૦૦ પોઇન્ટની સપાટી છે. ઘટાડા તરફ જોઇએ તો, નિફ્ટી માટે ૨૫,૬૦૦ અને ૨૫,૪૫૦ પર સપોર્ટ જોવા મળે છે. જો નિફ્ટી ૨૫,૩૦૦ની સપાટી તોડી એનાથી પણ નીચે ખાબકે, તો વેચવાલીનું દબાણ વધુ વધી શકે છે. નિષ્ણાતો એ પણ નોંધે છે કે નિફ્ટી એક મુખ્ય સ્તરથી નીચે બંધ થયો છે, જે બજારમાં ટૂંકા ગાળાની નબળાઈ દર્શાવે છે.



