શેર બજાર

પાંચ સત્રની આગેકૂચને બ્રેક: સેન્સેક્સ ૭૩,૫૦૦ની નિકટ જઇ પાછો ફર્યો, ટાઇટન, ટાટા સ્ટીલમાં ઉછાળો

મુંબઇ: ફેડરલ દ્વારા વ્યાજદરમાં ઘટાડા અંગેની આશાઓ સામે ફરી પ્રશ્ર્નાર્થ ઊભા થતાં વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં જોવા મળેલી નરમાઇ સાથે સ્થાનિક બજારમાં પણ પાંચ સત્રની તેજીને બ્રેક લાગી હતી. સેન્સેક્સ અને નિફ્ટીએ આગેકૂચ જાળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતે નેગેટીવ ઝોનમાં સરક્યા હતા.

સેન્સેક્સ સત્ર દરમિયાન ૭૩,૪૨૭.૫૯ સુધી ઊંચે જઇને અંતે ૧૯૯.૧૭ પોઈન્ટ ઘટીને ૭૩,૧૨૮.૭૭ પોઇન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી સત્ર દરમિયાન ૨૨,૧૨૪ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતે ૬૫.૧૫ પોઈન્ટ ઘટીને ૨૨,૦૩૨.૩૦ પોઇન્ટના સ્તર પર બંધ થયા હતોે. મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત નેગેટીવ ઝોનમાં થઈ હતી અને અંત પણ રેડ ઝોનમાં થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, ટાટા સ્ટીલના શેર ૧.૬૬ ટકાના વધારા સાથે બંધ થયા હતા જ્યારે ટાઇટનના શેર ૧.૫૩ ટકાના વધારા સાથે બંધ થયા હતા. એચસીએલ ટેક અને વિપ્રોના શેરમાં લગભગ બે ટકાની નબળાઈ નોંધાઈ છે.

એનએસઇના તમામ ઇન્ડેક્સ નેગેટિવ ઝોનમાં બંધ થયા હતા. નિફ્ટી મિડકેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં પીછેહઠ નોંધાઈ હતી. ટોચના વધનારા શેરોમાં ટાઇટન, આઇટીસી, ટાટા સ્ટીલ, એલએન્ડટી, જેએસડબલ્યુ સ્ટીલ અને મારૂતિ સુઝુકીના શેરનો સમાવેશ થાય છે, જ્યારે જે સૌથી વધુ ઘટનાર શેરોમાં એચસીએલ ટેકનોલોજી, વિપ્રો, એનટીપીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા અને ટીસીએસના શેરનો સમાવેશ થાય છે.

પ્રાઇમરી માર્કેટમાં ચાલુ રહેલી હલચલમાં ઇપેક ડ્યુરેબલ રૂ. ૪૦૦ કરોડના જાહેર ભરણાં સાથે ૧૯મીએ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ રૂમ એર કન્ડિશનર બનાવતી કંપનીએ શરેદીઠ રૂ. ૨૧૮થી રૂ. ૨૩૦ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. એફર ફોર સેલ સાથે ભરણાનું કુલ કદ રૂ. ૬૪૦ કરોડનું છે, જે ૨૩મી જાન્યુઆરીએ બંધ થશે.

એસબીઆઈ મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા એસબીઆઈ નિફટી ૫૦ ઈક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડની એનએફઓ ૧૬ જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી સુધી જાહેર કરવામાં આવી છે. નિફ્ટી૫૦ મુજબ તેમાં ભારતની સૌથી મોટી લાર્જ કેપ ૫૦ કંપનીઓની સમાન ફાળવણી કરવામાં આવી છે અને વિવિધ ક્ષેત્રોના વિવિધ શેર્સનો આ ફંડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એચડીએફસી બેન્કનો ત્રીજા ક્વાર્ટરનો ચોખ્ખો નફો સ્ટેન્ડઅલોન ધોરણે ૩૪ ટકાના વધારા સાથે રૂ. ૧૬,૩૭૩ કરોડની સપાટીએ પહોચ્યો હતો, જ્યારે કુલ આવક પાછલા વર્ષના સમાનગાળાના રૂ. ૫૧,૨૦૮ કરોડના આંકડા સામે રૂ. ૮૧,૭૨૦ કરોડ નોંધાઇ હતી. જ્યોતિ સીએનસી ઓટોમેશનનો શેર તેના ઇશ્યુ ભાવ સામે ૧૨.૩૮ ટકાના પ્રીમિયમે રૂ. ૩૭૨ના ભાવે લિસ્ટેડ થયો હતો અને સત્ર દરમિયાન ૩૪ ટકાના ઉછાળા સાથે રૂ. ૪૪૪.૮૦ સુધી જઇને અંતે ૩૦.૮૬ ટકાના વધારા સાથે રૂ. ૪૩૧.૭૦ના ભાવે સ્થિર થયો હતો.

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે નાણાવર્ષ ૨૪ના ત્રીજા ત્રિમાસિક અનઓડિટેડ સ્ટેન્ડઅલોન પરિણામોમાં ૫૨.૨૭ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૦૬.૩૨ કરોડની કુલ આવક, ૭૭.૨૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૧.૫૦ કરોડનું એબિટા, ૬૬.૧૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૫.૭૦ કરોડનો કરવેરા બાદનો નફો નોંધાવ્યો છે. એબિટા માર્જિન ૧૫૨.૩૨ બીપીએસના વૃદ્ધિ સાથે ૧૦.૮૨ ટકા અને નેટ પ્રોફિટ માર્જિન ૪૪.૭૩ બીપીએસની વૃદ્ધિ સાથે ૫.૩૬ ટકા રહ્યું હતું. વાઇન્ડિંગ વાયર અને સ્ટ્રીપ્સની ઉત્પાદક શેરા એનર્જી લિમિટેડે નવી પેટાકંપની શેરા ઝામ્બિયા લિમિટેડની સ્થાપના સાથે ઝામ્બિયામાં પ્રવેશ કર્યો છે. કંપનીએ પહેલેથી જ ઝામ્બિયામાં રૂપિયા પાંચ કરોડના સપ્લાય ઑર્ડર મેળવ્યા છે. કંપની સ્થાનિક સ્તરે મૂલ્ય ઉમેરશે અને ભારતમાં નિકાસ કરશે. કંપની માત્ર સ્થાનિક બજારને જ નહીં, પરંતુ તાંઝાનિયા, કોંગો, અંગોલા, ઝિમ્બાબ્વે, નામિબિયા, રવાન્ડા જેવા પડોશી દેશોમાં પણ સેવા આપે છે.

પાછલા સપ્તાહ દરમિયાન, નિફ્ટી ૫૦ ૧૮૪ પોઈન્ટ વધીને ૨૧,૮૯૫ પર અને સેન્સેક્સ ૫૪૨ પોઈન્ટ વધીને ૭૨,૫૬૮ પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સે અનુક્રમે ૦.૭૫ ટકા અને ૦.૭૫ ટકા વધીને બેન્ચમાર્ક સામે અંડરપરફોર્મ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker