જાન્યુઆરીથી જૂન દરમિયાન સ્ટીલના ઉત્પાદનમાં પાંચ ટકાનો વધારો: સ્ટીલમિન્ટ
નવી દિલ્હી: વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૩નાં પહેલા છમાસિકગાળામાં અર્થાત્ જાન્યુઆરીથી જૂન દરમિયાન દેશમાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના ૬.૩ કરોડ ટન સામે પાંચ ટકાના વધારા સાથે ૬.૬૧૪ કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું સ્ટીલમિન્ટે એક અહેવાલમાં જણાવ્યું છે.
અહેવાલમાં જણાવ્યાનુસાર ઉત્પાદન ક્ષમતાના વપરાશમાં વધારા ઉપરાંત અમુક ભારતીય સ્ટીલ ખેલાડીઓએ ઉત્પાદનક્ષમતામાં પણ વધારો કર્યો હોવાથી ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. વધુમાં આ સમયગાળામાં સ્થાનિક સ્તરે સ્ટીલનો વપરાશ પણ ગત સાલના સમાનગાળાના ૫.૨૭ કરોડ ટન સામે ૧૧ ટકા વધીને ૫.૮૪ કરોડ ટનની સપાટીએ રહ્યો છે.
જોકે, સમીક્ષા હેઠળના સમયગાળામાં ચીનનાં સ્ટીલના શિપમેન્ટમાં વધારો થયો હોવાથી સ્થાનિકમાં નિકાસ ૩૦ ટકા ઘટી હતી. આ સમયગાળામાં ક્રૂડ સ્ટીલની નિકાસ ગત સાલના સમાનગાળાના ૬૭ લાખ ટન સામે ઘટીને ૪૭.૪ લાખ ટનની સપાટીએ રહી હતી. અહેવાલમાં જણાવ્યાનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની સરખામણીમાં ચીનનાં ભાવ સસ્તા હોવાથી દેશની આયાતમાં ઘટાડો થયો છે.