શૅરબજારમાં પાંચ દિવસની તેજીને બ્રેક, નિફ્ટી ૨૫,૦૦૦ની નીચે ગબડ્યો, સેન્સેક્સમાં ૮૫૦થી મોટું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના નબળા જોબ ડેટાને કારણે વૈશ્ર્વિક શેરબજારના ડહોળાઇ ગયેલા સેન્ટિમેન્ટ વચ્ચે ગ્લોબલ સેલ ઓફની સ્થિતિ સર્જાતા, સ્થાનિક બજારમાં ખાસ કરીને મેટલ, ઓટો અને આઈટી શેરોમાં જોરદાર વેચવાલીનું દબાણ આવતાં ભારતના ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીની પાંચ દિવસની તેજીને શુક્રવારે જોરદાર બ્રેક લાગી હતી.
સાર્વત્રિક વેચવાલીના વ્યાપક દબાણ વચ્ચે બીએસઇ સેન્સેક્સ ૮૮૫.૬૦ પોઈન્ટ અથવા ૧.૦૮ ટકા ઘટીને ૮૦,૯૮૧.૯૫ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. દિવસ દરમિયાન, તે ૯૯૮.૬૪ પોઈન્ટ્સ અથવા ૧.૨૧ ટકાના ઘટાડા સાથે ૮૦,૮૬૮.૯૧ના ઈન્ટ્રા-ડે નીચા સ્તરે અથડાયો હતો.
જ્યારે એનએસઇનો વ્યાપક પાયો ધરાવતો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૨૯૩.૨૦ પોઈન્ટ અથવા ૧.૧૭ ટકા ઘટીને ૨૪,૭૧૭.૭૦ પર બંધ થયો હતો. તે સત્ર દરમિયાન ૩૨૪.૦૫ પોઈન્ટ અથવા ૧.૨૯ ટકા ઘટીને ૨૪,૬૮૬.૮૫ની નીચી સપાટીને અથડાયો હતો. સેન્સેક્સ શેરોમાંથી મારુતિ સુઝુકી ઈન્ડિયા, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ અને ઈન્ફોસીસ ટોપ લુઝર્સ શેરોમાં સામે હતા. જ્યારે એચડીએફસી બેંક, સન ફાર્માસ્યુટિકલ્સ, કોટક મહિન્દ્રા બેંક, નેસ્લે ઈન્ડિયા અને એશિયન પેઈન્ટ્સ ટોપ ગેઇનર્સમાં હતા. વિશ્ર્વબજારમાં યુરોપિયન બજારો ગુરુવારે મધ્ય સત્રના સોદામાં નીચા ક્વોટ થઈ રહ્યા હતા. એશિયન બજારોમાં, ટોકિયો, શાંઘાઈ, હોંગકોંગ અને સિઓલ ગુરુવારે નીચા સ્તરે બંધ થયા હતા. અમેરિકન શેરબજાર પણ ગુરુવારે નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયું હતું.
સવારના સત્રમાં જ તમામ ૧૩ મુખ્ય સેક્ટરમાં ભારે વેચવાલી અને નુકસાન જોવા મળ્યા હતા. વ્યાપક બજારમાં પણ ધોવાણ જોવા મળ્યું હતું, વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ કેપ અને મિડ-કેપ્સ શેરોમાં વેચવાલીનું દબાણ વધતાં પ્રત્યેકના સંબંધિત ઇન્ડેક્સમાં એકાદ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે ઓલા ઈલેક્ટ્રિક આઈપીઓ ખુલ્યો હતો. સત્રમાં ટાટા મોટર્સ, ટાટા સ્ટીલમાં સવારે ચારેક ટકા સુધીનો કડાકો હતો. બજારના મૂડથી વિપરીત ઝોમેટો પરિણામને પગલે આઠેક ટકા ઊછળ્યો હતો.
કોર્પોરેટ હલચલમાં સમગ્ર ભારતમાં આઇટી સર્વિસ સાથે લેપટોપ, ડેસ્કટોપ, સર્વર અને નેટવર્ક સાધનોના વેચાણ અને આઇટી હાર્ડવેર સોલ્યુશન્સ પ્રોવાઇડર સ્લોન ઇન્ફોસિસ્ટમ્સ લિમિટેડે કુલ ૪,૦૦૦ લેનોવા વી૧૪ જી૩ લેપટોપના સપ્લાય માટે રૂ. ૧૧.૮૦ કરોડનો ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર ગોલ્ડન કોમ્યુનિકેશન અને કમ્પ્યુટર ડેપો દ્વારા આપવામાં આવ્યા છે. મૂડીબજારમાં તેજીનો માહોલ રહ્યો છે. શુક્રવારે ઓલા ઇલેક્ટ્રિકલ્સનો ઇશ્યુ ખૂલ્યો હતો. આ વર્ષના માત્ર છ મહિનામાં ૩૪ જેટલી કંપનીઓએ રૂ. ૩૧,૦૦૦ કરોડથી વધુ રકમ એકત્ર કરી છે. પહેલી જુલાઈ, ૨૦૨૪ સુધીના સમયગાળામાં, ૩૪ કંપનીઓ મૂડી બજારમાં પ્રવેશી હતી અને તેમણે પ્રથમ છ મહિનામાં પ્રાથમિક બજારમાં તેમના મેઇન બોર્ડ સેગમેન્ટમાં જાહેર ભરણા લોન્ચ કર્યા હતા.
જોકે, એક તરફ જ્યારે મૂડીબજારમાં તેજીનો પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ચાર કંપનીઓના આઈપીઓ ડ્રાફ્ટ દસ્તાવેજો પરત કર્યા છે, જેમાં સુપરમાર્ટ મેજર વિશાલ મેગા માર્ટ, શિક્ષણ-કેન્દ્રિત એનબીએફસી અવાન્સ ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ખાનગી ઈક્વિટી મેજર ટીપીજી કેપિટલ સમર્થિત સાઈ લાઈફ સાયન્સનો સમાવેશ થાય છે.
ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૭ ટકા વધીને ડોલર ૮૦.૧૩ પ્રતિ બેરલ બોલાયું હતું. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે મૂડીબજારમાં રૂ. ૨,૦૮૯.૨૮ કરોડની ઇક્વિટી ખરીદી હતી. પાછલા સત્રમાં સેન્સેક્સ ૧૨૬.૨૧ પોઈન્ટ વધીને ૮૧,૮૬૭.૫૫ની નવી લાઈફ ટાઈમ હાઈ પર બંધ થયો હતો, જ્યારે એનએસઇનો નિફ્ટી ૫૯.૭૫ પોઈન્ટ વધીને ૨૫,૦૧૦.૯૦ની ઓલ-ટાઇમ બંધ ટોચ પર સેટલ થયો હતો.