શેર બજાર

નાણાં વર્ષના અંતિમ સત્રમાં જોરદાર તેજી: સેન્સેક્સ ૬૫૫ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૨,૩૦૦ની ઉપર પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે પાવર, ઓટો અને બેન્કિંગ શેરોમાં ભારે લાવલાવ વચ્ચે બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટીએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના કામકાજના અંતિમ દિવસે જબરો તેજીનો ટોન નોંધાવ્યો હતો.

આગલા દિવસની તેજીને લંબાવીને બીએસઇનો ત્રીસ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૬૫૫.૦૪ પોઇન્ટ અથવા ૦.૯૦ ટકાના ઉછાળા સાથે ૭૩,૬૫૧.૩૫ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન આ બેન્ચમાર્ક ૧,૧૯૪ પોઈન્ટ અથવા ૧.૬૩ ટકા વધીને ૭૪,૧૯૦.૩૧ સુધી પહોંચ્યો પહોંચ્યો હતો. એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૨૦૩.૨૫ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા વધીને ૨૨,૩૨૬.૯૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. એ બાબત નોંધવી રહી કે, ૨૦૨૩-૨૪ નાણાકીય વર્ષમાં, બીએસઇ બેન્ચમાર્ક ૧૪,૬૫૯.૮૩ પોઈન્ટ અથવા ૨૪.૮૫ ટકા ઉછળ્યો હતો અને નિફ્ટી ૪,૯૬૭.૧૫ પોઈન્ટ અથવા ૨૮.૬૧ ટકા ઉછળ્યો હતો.

સેન્સેક્સ બાસ્કેટમાંથી, બજાજ ફિનસર્વ લગભગ ચારેક ટકા અને બજાજ ફાઇનાન્સ લગભગ ત્રણેક ટકા સુધી ઊછળ્યા હતા. સબસિડિયરી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જાહેર ભરણું લાવવાની યોજના બનાવી રહી હોવાના મીડિયા અહેવાલો વચ્ચે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો.

સૌથી વધુ વધનારા ટોચના શેરોમાં નેસ્લે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ હતો. તેનાથી વિપરીત, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ લુઝરમાં સામેલ હતા. બજારનો અંડરટોન મજબૂત હતો, સેન્સેક્સના ૩૦માંથી માત્ર ચાર શેર નેગેટીવ ઝોનમાં બંધ થયા હતા.

નાણાકીય વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળાનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીએ સત્રની શરૂઆત ઉછાળા સાથે કરી હતી. સવારે સેન્સેક્સ ૧૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩,૧૪૯ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨,૧૬૩ના સ્તર પર ટ્રેડિંગની શરૂઆત કરી હતી.

આ પછી સવારના જ સત્રમાં સેન્સેકસ ૮૦૦ પોઇન્ટ ઉછળીને ૭૪૦૦૦ની સપાટી તરફ ધસમસતો આગળ વધી ને બપોરના સત્રમાં ૧૦૦૦ પોઇન્ટની છલાંગ સાથે ૭૪૦૦૦ની સપાટી પાર કરી ગયો હતો. એ જ રીતે નિફ્ટી પણ સવારના સત્રમાં ૨૪૦ના ઉછાળા સાથે ૨૨,૩૭૦ને વટાવી બપોરના સત્રમાં ૩૪૦ પોઇન્ટના તોતિંગ ઉછાળા સાથે ૨૨,૫૦૦ની સપાટી તરફ આગળ વધી રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ અગાઉના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ લગભગ ૧૨૦૦ પોઈન્ટ ઉછળીને ૭૪,૧૯૦ પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ ૪૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને ટ્રેડિંગ સમયે ૨૨,૫૧૬ પોઈન્ટ્સ પર પહોંચી ગયો હતો. આ ઉછાળા વચ્ચે બીએસઇ પર તમામ લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. ૪.૭૮ લાખ કરોડ વધીને રૂ ૩૮૮.૪ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું.

મિડકેપ શેરમાં પણ તેજી જોવા મળી હતી. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. મિડકેપ શેરમાં ખરીદી જોવા મળી છે. પીએસસી અને ફાર્મા, ઓટો શેરોમાં પણ ખરીદી જોવા મળી છે. મેટલ, ઈન્ફ્રા, એફએમસીજી ઈન્ડેક્સ પણ વધીને બંધ થયા છે. ઉલ્લેખનીય છે કે હવે શેરબજારમાં ટ્રેડિંગ નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે એટલે કે પહેલી એપ્રિલે થશે. ૨૯ માર્ચે ગુડ ફ્રાઈડે અને ૩૦ અને ૩૧ માર્ચે સાપ્તાહિક રજાઓને કારણે બજારો બંધ રહેશે.

એશિયન બજારોમાં, શાંઘાઈ અને હોંગકોંગ પોઝિટીવ ક્ષેત્રમાં સ્થિર થયા હતા, જ્યારે ટોક્યો અને સિઓલ નેગેટીવ ઝોનમાં લપસ્યા હતા. યુરોપિયન બજારો મોટાભાગે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વોલ સ્ટ્રીટ બુધવારે ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૨૧ માર્ચે તેની છેલ્લી ઓલ-ટાઇમ હાઈ સપાટી સેટ કર્યા પછીના પહેલી વખત વધુ ૦.૯ ટકા વધીને ૫,૨૪૮.૪૯ના નવા વિક્રમી સ્તર પર સ્થિર થયો હતો.

એક્સચેન્જના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ બુધવારે રૂ. ૨,૧૭૦.૩૨ કરોડની ઇક્વિટી ખરીદી હતી. બજારના પીઢ અભ્યાસુએ જણાવ્યું હતું કે, ભારતીય ઇક્વિટીએ આ સત્ર અને નાણાકીય વર્ષ આશાવાદી નોંધ સાથે સમાપ્ત કર્યું છે, સત્રના અંત સુધીમાં અસ્થિરતા વચ્ચે રિટેલ, ડીઆઇઆઇ અને એફઆઇઆઇ દ્વારા તમામ શ્રેણીઓમાં ખરીદી વધતી જોવા મળી હતી. દરમિયાન, વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૨ ટકા વધીને ૮૬.૪૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો