શેરબજારમા હાહાકાર વચ્ચે પણ આ કંપનીઓના શેરના ભાવમા થયો 10 ટકા સુધીનો વધારો

મુંબઈ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતીનું દબાણ ભારતીય શેરબજાર પર જોવા મળ્યું છે. જેમાં આજે શેરબજારના સપ્તાહના પ્રથમ દિવસે બજાર ખુલતાની સાથે જ હાહાકાર મચી ગયો હતો. જેમાં પાંચ મિનિટમાં રોકાણકારોના 19 લાખ કરોડનું ધોવાણ થયું હતું. સેન્સેક્સ 3914.75 પોઈન્ટના ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો. નિફ્ટી પણ આજે 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. જેમા શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સના 30 માંથી 29 શેર અને નિફ્ટીના 50 શેર ઘટાડા સાથે ખુલ્યા હતા.
2678 કંપનીઓમાંથી 98 કંપનીઓના શેર વધારા સાથે ટ્રેડ
જયારે એનએસઇના ડેટા અનુસાર, સોમવારે સવારે 10.03 વાગ્યે કુલ 2678 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થઈ રહ્યું હતું, જેમાંથી 2543 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 37 કંપનીઓના શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. જોકે, આ મોટા ઘટાડામા પણ 98 કંપનીઓના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો: અમેરિકના ટેરિફ વોર સહિત આ કારણોથી વૈશ્વિક શેરબજારમા હાહાકાર, મંદીના સંકેત
વેસ્ટર્ન ઇન્ડિયા પ્લાયવુડ્સના શેરના ભાવમા 10 ટકાનો વધારો
આ શેર પર નજર કરીએ તો વેસ્ટર્ન ઇન્ડિયા પ્લાયવુડ્સના શેર 9.92 ટકાના જંગી વધારા સાથે રૂપિયા 187.54 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સિમેન્સ લિમિટેડના શેર 8.90 ટકા વધીને રૂ. 2668 પર ટ્રેડ થઈ રહ્યા હતા. અક્ષ ઓપ્ટીફાઇબર લિમિટેડના શેર 4.40 ટકા વધીને રૂ. 9.96 પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, ક્યુપિડના શેર 2.12 ટકાના વધારા સાથે રૂ. 60.12 પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય ઘણી અન્ય કંપનીઓના શેર એવા હતા જે હાહાકાર વચ્ચે વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે ઘણી મોટી કંપનીઓના શેર 10-10 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય બાદ અમેરિકન શેરબજાર પણ કકડભૂસ થયા છે. જેની અસર ભારતીય શેરબજારમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. કોવિડ પછી ભારતીય શેરબજારમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.