શેર બજાર

ઇક્વિટી માર્કેટ ઇઝરાયલ યુદ્ધ પરથી ફોકસ હટાવ્યું: સેન્સેક્સ ૩૯૩ પોઈન્ટ્સ વધ્યો, નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: હમાસ યુદ્ધની નુકસાની સિમીત રહેવાની આશા વચ્ચે વૈશ્ર્વિક બજારમાં પ્રોત્સાહક વલણોએ તેજીમય સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું, જેની અસરે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપી ઉછાળાની ચાલ જોવા મળી હતી. ઇઝરાયલ અને હમાસના યુદ્ધની અસર સીમિત રહેશે તેમ જ તેને કારણે ક્રૂડમાં ઉછાળાની સંભાવના પણ મર્યાદિત હોવાની શક્યતાઓ સાથે ખાસ કરીને અમેરિકાની ફેડરલ રિઝર્વના ડોવીશ સ્ટાન્સ તથા યુએસ ટ્રેઝરીની યિલ્ડના ઘટાડાને કારણે તેજીનો માહોલ જામ્યો હતો.

સ્થાનિક બજારમાં મજબૂત અંડરટોન વચ્ચે સેન્સેક્સ એક તબક્કે સેન્સેકસ ૫૦૦ પોઇન્ટથી ઊંચી સપાટીને અથડાયા બાદ અંતે ૩૯૩.૬૯ પોઇન્ટ અથવા તો ૦.૬ ટકાના વધારા સાથે ૬૬.૪૭૩.૦૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૨૧.૫૦ પોઇન્ટ અથવા તો ૦.૬૨ ટકાના વધારા સાથે ૧૯,૮૧૧.૩૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

એફએમસીજી, એનર્જી, મેટલ, ફાર્મા અને બેંક શેર્સમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે ત્રિમાસિક નાણાકીય પરિણામોની જાહેરાત પહેલા મોટાભાગના આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ શેરોમાં વિપ્રોમાં સૌથી વધુ ૩.૨૯ ટકાનો વધારો થયો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, કોટક બેન્ક અને એક્સિસ બેન્ક વિજેતાઓમાં સામેલ હતા. બીજી તરફ, એચસીએલ ટેક સૌથી વધુ ૧.૨૪ ટકા ઘટ્યો હતો. સ્ટેટ બેન્ક, ટીસીએસ, ઇન્ફોસિસ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટાટા સ્ટીલ પણ ઘટ્યા હતા.

મૂડીબજારમાં નવા ભરણા ાવવાનું ચાલુ રહ્યું છે. ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની આઇઆરએમ એનર્જી મૂડી બજારમાં ૧૮મી ઓકટોબરે પ્રવેશી રહી છે અને ભરણું ૨૦મીએ બંધ થશે. કંપનીએ રૂ. ૪૮૦થી રૂ. ૫૦૫ કરોડની પ્રાઇસબેન્ડ જાહેર કરી છે, તે જોતા અપર એન્ડને આધારે કંપની રૂ. ૫૪૫.૪૦ કરોડ એકત્ર કરી શકશે. મિનિમમ બિડ લોટ ૨૯ શેરનો છે, જે બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે.

માર્કેટબ્રેથ મજબૂત રહી હતી. રોકાણકારો માને છે કે મધ્ય પૂર્વની અથડામણ આ પ્રદેશમાં મર્યાદિત રહેશે અને તેની ક્રૂડના ભાવને ઝાઝી અસર ના થવી જોઈએ. યુએસ ફેડરલ રિઝર્વની ડોવિશ ટિપ્પણીઓ વચ્ચે યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક ધોરણે અનાજ અને ઈંધણના ફુગાવામાં સરળતાને કારણે સપ્ટેમ્બરનો સીપીઆઈ ફુગાીવો નીચો રહેવાની ધારણા છે. અને બીજા ક્વાર્ટરની કમાણીની સિઝન આઈટી સેક્ટર સાથે શરૂ થશે, જેની મધ્યમ અપેક્ષા છે. જો કે, વ્યાપક કોર્પોરેટ બમ્પર પરિણામ જાહેર કરે તેવી અપેક્ષા છે. બ્રોડર માર્કેટમાં મિડકેપ ૦.૫૫ ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ૦.૭૭ ટકા વધ્યો હતો. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હતી કારણ કે ૨,૩૫૩ શેરો ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે બીએસઇ પર ૧,૩૩૪ સ્ક્રીપ્સ ગટાડા સાથે બંધ થઈ હતી અને ૧૩૫ યથાવત સ્તરે સ્થિર થઈ હતી.

બોન્ડ માર્કેટમાંથી દબાણ હળવું થવાને પગલે વોલ સ્ટ્રીટમાં વધારો થતાં વૈશ્ર્વિક ઇક્વિટી બજારો મિશ્ર હતા. હોંગકોંગમાં હેંગસેંગ ૧.૪ ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૨ ટકા અને ટોક્યોનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૦.૬ ટકા વધ્યો હતો. શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ ૦.૧ ટકા જેવો નીચે સરક્યો હતો. યુરોપિયન શેરબજારો મોટાભાગે ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા હતા.

બીએસઇ પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે રૂ. ૧,૦૦૫.૪૯ કરોડના શેરનું વેચાણ કર્યું હોવાથી તેઓ ચોખ્ખા વેચાણકર્તા તરીકે ચાલુ રહ્યા હતા. જોકે, બુધવારે એફઆઇઆઇએ રૂ. ૪૨૧.૭૭ કરોડની વેચવાલી કરી હતી અને સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧૦૩૨.૦૨ કરોડના શેર ખરીદ્યા હતા.

શેરબજાર માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે. રોકાણકારોની નજર આજે ૧૨મી ઓકટોબરે જાહેર થનાર દેશના સીપીઆઇ ઇન્ફ્લેશન અને યુએસ એફઓએમસી મિનિટ્સ તથા યુએસ ઇન્ફ્લેશન ડેટા પર રહેશે. ચીન પણ તેના સપ્ટેમ્બરના ઇન્ફ્લેશન ડેટા જાહેર કરશે. એ જ સાથે દેશના ઓદ્યોગિક ઉત્પાદનના ડેટા પણ આજે ૧૨મી ઓક્ટોબરે જાહેર થશે. જ્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, બેલેન્સ ઓફ ટ્રેડના સપ્ટેમ્બરના ડેટા, છ ઓકટોબરે પૂરા થયેલા સપ્તાહના ફોરેક્સ રિઝર્વના ડેટા ૧૩મી ઓક્ટોબરે જાહેર થશે. વૈશ્ર્વિક સ્તરે રોકાણકારો ૧૨મી ઓક્ટોબરે જાહેર થનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મિનિટ્સમાંથી ફેડરલની આગામી ચાલનો તાગ મેળવવા પ્રયાસ કરશે. જોકે, સૌથી વધુ અને સીધી અસર ૧૨મી ઓકટોબરે જાહેર થનારા યુએસ ઇન્ફ્લેશન અને તે પછી સપ્તાહ દરમિયાન ફેડરલ રિઝર્વના વિવિધિ અધિકારીઓ દ્વારા અપાનારી સ્પીચની થશે.

વિશ્ર્લેષકો એવો મત વ્યક્ત કરી રહ્યાં છે કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ, મધ્યપૂર્વના દેશો માટે મોટા સંકટમાં નહીં ફેરવાશે અને ક્રૂડ ઓઇલના ભાવને ઝાઝી અસર નહીં કરશે એવા આશાવાદને કારણે પણ સેન્ટિમેન્ટને બળ મળ્યું હતું. બજારના સાધનોએ જણાવ્યું હતું કે અમેરિકાના અર્થતંત્ર તરફથી મળેલા સાનુકૂળ સંકેત સાથે યુએસ બોન્ડ યિલ્ડના ઘટાડા અને ક્રૂડના ભાવના ઘટાડાને કારણે ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને જોમ મળ્યું છે. આ ઉપરાંત ઇઝરાયલ-હમાસ સંઘર્ષ એક સ્થાનિક કટોકટી રહેશે અને તેની અસર ક્રૂડના ભાવ પર પડવાની સંભાવના ઓછી રહેવાના આશાવાદને કારણે પણ બજારને આગળ વધવામાં મદદ મળી હતી. નિફ્ટી તેની સર્વકાલીન ઊંચી સપાટીથી માત્ર ૨.૫ ટકા દૂર છે તે હકીકત બજારની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. એફઆઈઆઈ બજારમાં સતત વેચવાલી કરી રહ્યાં હોવા છતાં, ડીઆઈઆઈ, એચએનઆઈ અને રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા થઇ રહેલા લેવાલીને કારણે બજારને સંતુલન જાળવવામાં મદદ મળી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા