ક્રૂડના ઉછાળાએ નિફ્ટીને ૧૯,૭૦૦ની નીચે ધકેલ્યો, સેન્સેક્સ ૫૫૧ પોઈન્ટ્સ ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા સાથે વિશ્ર્વબજારના નબળા સંકેત વચ્ચે સ્થાનિક બજારનું માનસ પણ ખોરવાયું હતું અને નિફટી ૧૯,૭૦૦ની નીચે ધસી ગયો હતો. સેન્સેકસમાં પણ ૫૫૧ પોઇન્ટનું મસમોટું ગાબડું નોંધાયું હતું. બેન્ક, ફાઇનાન્સ અને એનર્જી સેગમેન્ટના શેરમાં આવેલા વેચવાલીના દબાણને કારણે પણ બેન્ચમાર્ક નીચી સપાટીએ ધકેલાયો હતો. સત્ર દરમિયાન ૫૮૫.૯૯ પોઇન્ટ અથવા તો ૦.૮૮ ટકા તૂટીને ૬૫,૮૪૨ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૫૫૧.૦૭ પોઇન્ટ અથવા તો ૦.૮૩ ટકાના ઘટાડે ૬૫,૮૭૭.૦૨ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૪૦.૪૦ પોઇન્ટ અથવા તો ૦.૭૧ ટકાના ઘટાડા સાથે ૧૯,૬૭૧.૧૦ પોઇન્ટની સપાટીએ સેટલ થયો હતો.
બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, બીપીસીએલ અને એક્સિસ બેંક ટોપ લૂઝર શેરોની યાદીમાં સામેલ હતા, જ્યારે સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા મોટર્સ, સન ફાર્મા અને એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સનો સમાવેશ ટોપ ગેઇનર્સ સ્ટોક્સમાં થયો હતો. ઓટો અને ફાર્મા સિવાયના ક્ષેત્રોમાં, પાવર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી અને બેન્ક પ્રત્યેક ૦.૫-૧ ટકાના ઘટાડા સાથે અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયાં હતાં. આ સત્રમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ રહ્યો હતો અને નાના શેરોમાં પણ નરમાઇ જોવા મળી હોવાથી મિડકેપ ઈન્ડેક્સ ૦.૮ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨ ટકા ઘટ્યા છે.
કોર્ડિસ દ્વારા ૧.૧૩૫ અબજ ડોલર અથવા તો રૂ. ૧૦,૦૦૦ કરોડમાં મેડિકલ ડિવાઇસ સ્ટાર્ટઅપ મેડએલાયન્સને હસ્તગત કરવાની કામગીરી પાર પાડી છે. સ્વિસ સ્થિત મેડિકલ ટેક્નોલોજી કંપની મેડએલાયન્સ અમેરિકામાં ઉત્પાદન સવલત અને સ્વિત્ઝરલેન્ડ તથા સિંગાપોરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ધરાવે છે. ઈનોવેટીવ ટ્રેન્ડને સતત અનુસરનાર ફ્યુચર જનરાલી ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીએ તેના નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેનો વાર્ષિક અહેવાલ એક પુસ્તકના રૂપમાં રજૂ કર્યો છે જે ભારતના સૌથી વ્યાપક ક્રિકેટ સંસ્મરણો સાથેના વાર્ષિક અહેવાલમાંનો એક છે. તેમાં જાણીતા સ્પોર્ટસ રિપોર્ટર અયાઝ મેમણ દ્વારા આલેખિત ગેમ ચેન્જિંગ મોમેન્ટ્સ પરનો એક વિભાગ છે. બીઇસી ખાતે ઇન્ફોર્મા માર્કેટિંગ દ્વારા ૨૦મી સુધી આયોજિત વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા ૨૦૨૩માં ૨૦૦થી વધુ બ્રાન્ડ સહભાગી થઇ રહી છે અને આયોજકોને ૧૦,૦૦૦થી વધુ વ્યાવસાયિક મુલાકાતીઓની અપેક્ષા છે. આ લાસવેગાસ પછીની બાંધકામ ક્ષેત્રની સૌથી મોટી એડિશન છે. ટેકનોલજીને ખાસ કેન્દ્રમાં રાખીને વિવિધ મશીનરી અને આધુનિક ટેકનોલજીની રજૂઆત ઉપરાંત સીઇઓ કોનક્લેવ પણ યોજાશે, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા તૈયાર કરાયેલા દેશના માળખાકીય ક્ષેત્રના સુધારા સૂચવતું શ્ર્વેતપત્ર સરકારને સુપરત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ધોરણે મિશ્ર સંકેત મળી રહ્યાં છે. ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષનો વહેલો અંત આવવાના અણસાર ના જણાતાં હોવાથી ક્રૂડ ઓઇલની કિંમતો જોખમ પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. ગાઝા હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં સેંકડો લોકો માર્યા ગયા પછી મધ્ય પૂર્વમાં તણાવ ઓર વધ્યો હતો, આ ક્ષેત્રમાંથી ક્રૂડ ઓઇલના પુરવઠામાં સંભવિત વિક્ષેપ અંગે ચિંતાઓ ઊભી થઈ હતી. ક્રૂડ ઓઇલની ઇન્વેન્ટરીમાં પણ ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. ચીનના આર્થિક ડેટા સંદર્ભે કેટલાક નિરિક્ષકો એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યાં છે કે વિશ્ર્વના આ સૌથી વધુ ઉર્જા આયાત કરનાર રાષ્ટ્રમાં દેખીતી રીતે તમામ મોરચે સારો સુધારો દેખાઇ રહ્યું છે. ચીનના આર્થિક ડેટા તુલનાત્મક રીતે નબળા આવ્યા હોવા છતાં તેમાં અપેક્ષા કરતા ઝડપી સુધારો જોવા મળ્યો હોવાથી થોડાક સમય માટે બજારને ટેકો મળ્યો હતો. બીજી તરફ ગ્રાહક ખર્ચ અને શ્રમ બજાર મજબૂત ડેટા જોતાં એવી અપેક્ષા સેવાઇ રહી છે કે અમેરિકાનું અર્થતંત્ર નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસક સમયગાળામાં લગભગ ચાર ટકાના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છેે. નબળા સ્થાનિક બજારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા વચ્ચે બુધવારે ભારતીય રૂપિયો ઘટ્યો હતો. જો કે, યુએસ ડોલરમાં નરમાઈ આવવાને કારણે ભારતીય ચલણને સહેજ ટેકો મળ્યો હતો. અમેરિકન પ્રમુખ જૉ બાઇડેને ઇઝરાયલને ટેકો આપવાની જાહેરાત કરી હોવાથી હમાસ-ઇઝરાયલ સંઘર્ષને કાબૂમાં લેવાની અપેક્ષાઓ વધી હતી અને યુએસ ડોલર નરમ પડ્યો હતો. આનાથી યુએસ ડોલરની સેફ હેવનની માગ ઘટી ગઈ હતી. યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓના ડોવિશ સ્ટાન્સને કારણે પણ અમેરિકન ગ્રીનબેક પર દબાણ આવ્યું છે.