શેર બજાર

કડડડભૂસ: ચાર વર્ષનો સૌથી મોટો એક દિવસીય કડાકો, સેન્સેક્સમાં ૬,૧૦૦ પોઇન્ટ સુધી નીચે પટકાયો

મુંબઇ: લોકસભાની ચૂંટણીમાં ભાજપને અપેક્ષા અને ધારણાં કરતા ખૂબ જ ઓછી બેઠકો મળી હોવાથી શેરબજારમાં હતાશાની સુનામી ફરી વળી હતી અને એક તબક્કે ૬,૨૩૫ પોઇન્ટના ભયાનક કડાકા સાથે ૭૦,૨૩૪.૪૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૪૩૮૯.૭૩ પોઇન્ટ અથવા તો ૫.૭૪ ટકાના જોરદાર કડાકા સાથે ૭૨,૦૭૯.૦૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.

એ જ રીતે, એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી તેના ૨૩,૨૬૩.૯૦ પોઇન્ટના પાછલા બંધ સામે ૨૩,૧૭૯.૫૦ પોઇન્ટની સપાટીએ ખૂલીને ૨૩,૧૭૯.૫૦ સુધી ઊંચે અને ૨૧,૨૮૧.૪૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૧,૩૭૯.૪૦ પોઇન્ટ અથવા તો ૫.૯૩ ટકાના તોતિંગ કડાકા સાથે ૨૧,૮૮૪.૫૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સના શેરોમાં એનટીપીસી, સ્ટેટ બેન્ક, લાર્સન એન્ડ ટૂબ્રો, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતાંં. જ્યારે હિંદુસ્તાન યુનિલીવર, ટીસીેસ, એશિયન પેઇન્ટ અને સન ફાર્મા ટોપ ગેઇનરમાં હતાં.

બજારનો ટોન અત્યંત નબળો પડી ગયો હતો. કુલ ટ્રેડેડ શેરોમાંથી ૩૩૪૯ શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, ૪૮૮ શેરના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો અને ૯૭ શેરના ભાવ મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા. કુલ ૨૯૨ શેર તેની બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયા હતા. જ્યારે ૧૩૯ શેર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કુલ ટ્રેડેડ શેરોમાંથી ૨૪૩૮ શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, ૨૪૨ શેરના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો અને ૭૦ શેરના ભાવ મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા. કુલ ૨૭૧ શેર તેની બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયા હતા. જ્યારે ૮૩ શેર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

નોંધવુ રહ્યું કે સોમવારે વિક્રમી તેજી સાથે નવી ઐતિહાસિક ઊંચાઈ હાંસલ કરનાર શેરબજારમાં લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાતના દિવસે ખુલતા સત્રમાં જ જોરદાર કડાકો બોલી ગયો હતો. મંગળવારે સેન્સેકસ નીચા ગેપ સાથે ખુલ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તેમાં ૨૮૦૦ પોઈન્ટનો તોતિંગ કડાકો બોલાઈ ગયો હતો. આને પરિણામે ૧૫ જ મિનિટમાં બીએસઈ પર લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં નવ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું. સેન્સેકસમાં ૭૦૦ પોઇન્ટથી વધુનો કડાકો માત્ર રિલાયન્સ અને એચડીએફસીના ધોવાણથી થયો હતોે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ચાલી રહેલી મતગણતરીમાં આવી રહેલા પરિણામો સાથે વેચવાલીની તીવ્રતા વધવાથી શેરબજારમાં કત્લેઆમ શરૂ થઈ ગઇ હતી. બીજેપીને અમુક મુખ્ય રાજ્યોમાં જબરદસ્ત પછડાટ મળી હોવાના અહેવાલો વચ્ચે એક તબક્કે સેન્સેકસમાં ૬,૧૦૦ પોઇન્ટથી મોટો ભયાનક કડાકો જોવા મળ્યો હતો અને એક તબક્કે રોકાણકારોની સંપત્તિમાંથી અંદાજે ૨૫ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું.

વોલેટિલિટી દર્શાવતા વિક્સ ઈન્ડેક્સમાં ૪૦ ટકાનો વધારો થયો હતો. નિફ્ટીમાં દસ વર્ષનાં ઈતિહાસમાં આ સૌથી મોટો એક દિવસીય કડાકો છે. મંગળવારે શેરબજારમાં જંગી કડાકાના વિક્રમ નોંધાયા છે.

પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ ૬૭૨ પોઈન્ટ અથવા ૦.૮૮ ટકાના વધારા સાથે ૭૭,૧૨૨ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય નિફ્ટી ૪૫૦.૧૦ પોઈન્ટ અથવા ૧.૯૪ ટકાના વધારા સાથે ૨૩,૭૧૪ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. પ્રી-ઓપનિંગ પહેલાં, ગિફ્ટ નિફ્ટી, જે બજારની શરૂઆત સૂચવે છે, તે ૩૮.૬૦ પોઈન્ટ અથવા ૦.૧૬ ટકાના વધારા સાથે ૨૩૪૪૭ પર હતો.

નોંધવુ રહ્યું કે, સોમવારે શેરબજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ ૨૫૦૦ પોઈન્ટના ઉછાળા સાથે૭૬,૪૬૯ પોઈન્ટ અને નિફ્ટી ૭૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩,૨૬૩ પોઈન્ટ પર બંધ થયો હતો. ૨૦૦૯ પછી એક જ સત્રમાં બજારમાં આ સૌથી મોટો ઉછાળો હતોે. ત્રીજી જૂને સેન્સેક્સે ૭૬,૭૩૮ની નવી રેકોર્ડ હાઈ બનાવી અને નિફ્ટીએ ૨૩,૩૩ની નવી રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.

હવે બજારની નજર નવી સરકારની રચના કેવી થાય છે અને સરકારના આગામી પાંચ વર્ષ માટેના રોડમેપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશે. સરકારની સ્થિરતાનો વિશ્ર્વાસ ઊભો ના થાય ત્યાં સુધી અફડાતફડી અને ઊથલપાથલને નકારી ના શકાય. આ ઉપરાંત સાતમી જૂને થનારી રિઝર્વ બેન્કની ત્રણ-દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકનું પરિણામ પણ બજાર માટે મહત્ત્વનું છે.

ફુગાવાનું સ્તર જોતાં વ્યાજ દરમાં વહેલી રાહતની સંભાવના ઓછી જણાઇ રહી છે. પીએમઆઈ ડેટામાંથી સંકેતો પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિ પણ આગળ જતા મુખ્ય પરિબળ બની રહેશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મે મહિનામાં રોકડ સેગમેન્ટમાં રૂ. ૪૨,૨૧૪ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું છે, જે જૂન ૨૦૨૨ પછીનું સૌથી વધુ માસિક વેચાણ છે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ માત્ર પાંચ સ્ક્રિપ્સ વધી હતી. હિંદુસ્તાન લિવર ૬ ટકા, નેસ્લે ઈન્ડિયા ૩.૦૯ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૦.૨૩ ટકા, એશિયલ પેઈન્ટ્સ ૦.૧૮ ટકા અને સન ફાર્મા ૦.૧૨ ટકા વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે એનટીપીસી ૧૫.૪૫ ટકા, સ્ટેટ બેન્ક ૧૪.૪૨ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૧૨.૬૯ ટકા, પાવરગ્રીડ ૧૨.૩૮ ટકા, તાતા સ્ટીલ ૮.૮૭ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૭.૯૧ ટકા એક્સિસ બેન્ક ૭.૫૪ ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૭.૫૩ ટકા ઘટ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button