
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર ઘણાં વિરોધાભાસી કહી શકાય એવા આંચકામાંથી પસાર થઇ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન દેશની મધ્યસ્થ બેન્ક અને બજાર નિયામક તેના નીતિગત નિર્ણયો જાહેર કરે એત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે, તાજેતરની તેજી પછી બજાર થોડું કોન્સોલિડેશન મોડમાં જઇ શકે છે, પરંતુ મોટાભાગના નિષ્ણાતો માને છે કે, એક તો આરબીઆઇ વ્યાજર સ્થિર રાખે એવી સંભાવના છે અને બીજું વેશ્ર્વિક સ્તરે એકંદરે હકારાત્મક સંકેતોને જોતાં સેન્ટિમેન્ટ તેજીની તરફેણમાં રહે એવી શ્કયતા વધુ છે.
આ સપ્તાહે બજારમાં ઘણી વોલેટિલિટી જોવા મળશે. શેરબજારના સેન્ટિમેન્ટ પર આ સપ્તાહે વિભિન્ન કંપનીઓના ત્રિમાસિક પરિણામોની અસર સાથે શેરલક્ષી અસર જોવા મળશે. આ ઉપરાંત, વૈશ્ર્વિક વલણો અને વ્યાજદર અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્ણય પર બજારની ખાસ નજર રહેશે, અલબત્ત આરબીઆઇ વ્યાજદર યથાવત્ રાખે એવી શક્યતા બજારમાં ચર્ચાઇ રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વચગાળાના બજેટ અને અમેરિકાની સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણય બાદ હવે બજારના સહભાગીઓનું ધ્યાન દેશની કેન્દ્રીય બેંકની નાણાકીય નીતિ સમીક્ષા પર છે. જાણીતા ટેકનિકલ વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે, મોનેટરી પોલિસી કમિટીની બેઠક ૬ થી ૮ ફેબ્રુઆરીના રોજ યોજાશે, તે દરમિયાન બજારમાં અફડાતફડી અને ઉથલપાથલ રહેશે. એ જ સાથે, કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પર પણ નજર રહેશે. આ સપ્તાહે ભારતી એરટેલ, પાવર ગ્રીડ, નેસ્લે, લ્યુપિન અને ટાટા પાવરના ત્રિમાસિક પરિણામો જાહેર થશે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાની મૂવમેન્ટ અને ક્રૂડ ઓઈલના ભાવ પર પણ નજર રહેશે. સાથે જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)ની પ્રવૃત્તિઓ પણ મહત્વપૂર્ણ રહેશે. એફઆઇઆઇની વેચવાલીના પ્રમાણ પર ઘણો આધાર રહેશે.
આ સપ્તાહે બજાર સૌથી પહેલા સ્ટેટ બેન્ક અને ટાટા મોટર્સના પરિણામો પર રિએકશન આપશે. સ્ટેટ બેન્કના નફામાં ૩૫ ટકાનો જોરદાર ઘટાડો નોંધાયો છે, જ્યારે ટાટા મોટર્સના ચોખ્ખા નફામાં ૧૩૮ પોઇન્ટનો જંગી વધારો નોંધાયો છે. દરમિયાન મિત્સુ કેમ પ્લાસ્ટ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિકમાં ૨.૯૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૭૩.૭૪ કરોડની કુલ આવક અને ૭૫.૯૫ ટકાના વધારા સાથે રૂ. ૩.૧૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ઉક્ત ગાળામાં ૪૬.૬૦ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૭.૭૦ કરોડનો એબિટા, ૩૧૫ બીપીએસ વૃદ્ધિ સાથે ૧૦.૪૮ ટકાનું એબિટા માર્જિન અને ૧૮૧ બીપીએસ વૃદ્ધિ સાથે ૪.૩૩ ટકાનું એનપીએમ નોંધાવ્યું છે.
મોરપેન લેબોરેટરીઝ લિમિટેડનો નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિકનો એબિટા ૧૫૧ ટકા વધ્યો છેે, ચોખ્ખા નફામાં નોંધપાત્ર ૨૫૬ ટકા વૃદ્ધિ નોંધાઇ છે. ઉપરોક્ત ગાળામાં કંપનીએ વાર્ષિક તુલનાત્મક ધોરણે ૨૮ ટકાના વધારા સાથે રૂ. ૪૪૮.૬૨ કરોડની આવક, રૂ. ૫૪.૬૪ કરોડનો એબિટા, ૫૯૬ બેસિસ પોઇન્ટના વધારા સાથે ૧૨.૪૮ ટકાનું એબિટા માર્જિન અને ૭.૧૩ ટકાના નેટ પ્રોફિટ માર્જિન સાથે રૂ. ૩૧.૯૯ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
શેરબજારમાં તેજીમંદીનો પ્રવાહ ચાલી રહ્યો છે પરંતુ મૂડીબજારમાં એકધારી તેજી ચાલી રહી છે. બુધવારે એકસાથે ત્રણ ભરણાં આવી રહ્યાં છે. કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક રૂ. ૫૨૩.૦૭ કરોડના બુક બિલ્ટ ઇશ્યુ સાથે, જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક રૂ. ૫૭૦ કરોડનો બુક બિલ્ટ ઇશ્યુ સાથે અને રાશી પેરિફેરલ્સ રૂ. ૬૦૦ કરોડના આઇપીઓ સાથે સાતમી ફેબ્રુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશ કરશેે. એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સ્થાન મેળવવા વાઈસ ટ્રાવેલ ઈન્ડિયા લિમિટેડ મૂડીબજારમાં ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ પ્રારંભિક જાહેર ઓફર સાથે પ્રવેશ કરી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૪૦થી રૂ. ૧૪૭ નક્કી થઇ છે અને મિનિમમ લોટ ૧૦૦૦ શેરનો છે. કંપની અપર બેન્ડ પર રૂ. ૯૪.૬૮ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. ફ્રેશ ઇક્વિટી ઇશ્યૂનું કદ ૬૪,૪૧,૦૦૦ ઇક્વિટી શેર્સ સુધીનું છે. આઇપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ ખર્ચના ભંડોળ માટે કરવામાં આવશે. એન્કર ભાગ માટે બિડિંગ નવમી ફેબ્રુઆરીએ ખુલશે અને ભરણું ૧૪ ફેબ્રુઆરીના રોજ બંધ થશે. ટોચની સ્ટોક બ્રેકિંગ કંપનીના રિટેલ રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, હવે અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામો અને વચગાળાના બજેટ બાદ તમામની નજર આ સપ્તાહે આરબીઆઇની નાણાકીય સમીક્ષા બેઠક પર રહેશે. સમીક્ષા હેઠળના સપ્તાહે સેન્સેક્સમાં ૧,૩૮૪.૯૬ પોઈન્ટનો વધારો થયો હતો. જો નિફ્ટીની વાત કરીએ તો ૫૦૧.૨ પોઈન્ટ વધ્યો હતો. શુક્રવારે બીજી ફેબ્રુઆરીના રોજ નિફ્ટી ૨૨,૧૨૬.૮૦ પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. સરકારે રજૂ કરેલા ઇન્ટ્રીમ બજેટમાં કશો કશ ના હોવાને કારણે બજારે બજેટના દિવસે ગુરુવારે કોઇ રિએક્શન આપ્યું નહોતું. જોકે સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારનો ઉછાળો માત્ર વૈશ્ર્વિક પરિબળોને કારણે જોવા મળ્યો હતો. આમ છતાં બજેટ સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધાયેલા લગભગ બે ટકા જેવા ઉછાળાને કારણે શેરબજારે પાછલા બે મહિનામાં બજારે સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાવ્યો છે. અગાઉના સત્રમાં વચગાળાના નિરસ અને શુષ્ક બજેટને કારણે સાવ ઠંડા રહેલા બજારે તે પછીના સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ નક્કર વધારો નોંધાવ્યો હતો, જેમાં નિફ્ટીએ સત્ર દરમિયાન ૨૨,૧૨૬.૮૦ની નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયો હતો અને સેન્સેક્સે સત્ર દરમિયાન ૧,૪૦૦ પોઈન્ટથી વધુની તેજી બતાવી હતી. જોકે, બપોરના સત્ર દરમિયાન ઊંચી સપાટીએ જોરદાર વેચવાલી આવવાથી મોટાભાગનો સુધારો ધોવાઇ ગયો હતો અને અંતે સેન્સેક્સ ૪૪૦.૩૩ પોઈન્ટ્સ અથવા ૦.૬૧ ટકા વધીને ૭૨,૦૮૫.૬૩ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૧૫૬.૩૦ પોઈન્ટ્સ અથવા ૦.૭૨ ટકા વધીને ૨૧,૮૫૩.૮૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.