શેર બજાર

સેલેરી રૂ.12 લાખ છે, તો શેરબજારથી થતી વધારાની આવક પર ઇન્કમ ટેક્સ લાગશે? જાણો શું છે નિયમ

મુંબઈ: ગઈ કાલે બજેટ રજુ કરવા દરમિયાન કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે (Nirmala Sitharaman) મોટી જાહેરાત કરી હતી. નાણાં પ્રધાને 12 લાખ સુધીની આવકને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપતા માધ્યમ વર્ગ ખુશ છે. આ સાથે ઘણા લોકોને એવી પણ મુંજવણ છે કે શેરબજારમાંથી થતી કમાણી સાથે આવક 12 લાખથી વધુ થાય તો તેના પર ટેક્સ લાગશે કે નહીં?

આવકવેરાની જોગવાઈ હેઠળ કોઈપણ વ્યક્તિની કમાણીને 5 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેમાં, સેલેરીથી આવક, હાઉસ પ્રોપર્ટીથી આવક, બિઝનેસ કે પ્રોફેશનલ આવક, કેપિટલ ગેઇન ટેક્સ તથા અધર સોર્સથી આવકનો સમાવેશ થાય છે.

શેર બજારની કમાણી કઈ કેટેગરી હેઠળ આવે?
શેરબજારમાં નાણાં રોકીને થતી આવક કેપિટલ ગેઇન અથવા અધર સોર્સ હેઠળ આવે છે. જો તમે શેર ખરીદી અને વેચીને રૂપિયા કમાવો છો, તો તેને કેપિટલ ગેઇન માનવામાં આવે છે, જ્યારે ડિવિડન્ડમાંથી આવક અધર સોર્સ હેઠળ આવે છે.

આ પણ વાંચો : નવા ટેક્સ સ્લેબની જાહેરાતની ખુશી નવ દિવસ પણ નહીં ટકે? સરકાર લાવી રહી છે નવો કાયદો

કેટલો ટેક્સ લાગશે?
શેરબજારમાંથી કમાણી પર કેપિટલ ગેઇન ટેક્સ (Capital Gain Tax) લાગશે. કેપિટલ ગેઇન બે પ્રકારના હોય છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. જ્યારે એક વર્ષ કે તેથી વધુ સમય પછી શેર વેચવામાં આવે તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવે છે, જેમાં 1.25 લાખ રૂપિયા સુધીના કેપિટલ ગેઇન પર કોઈ ટેક્સ લાગતો નથી. તેનાથી વધુ કેપિટલ ગેઇન પર 12.5 ટકા ટેક્સ લાગે છે. બીજી તરફ, જ્યારે 1 વર્ષ પહેલાં શેર વેચવામાં આવે ત્યારે 20 ટકા ટેક્સ ચૂકવવો પડે છે.

માની લો કે તમે રૂ.50 હજારના શેર ખરીદ્યા અને રૂ.2 લાખની કિંમતમાં વેચો છો, તો રૂ.1.50 લાખનો નફો થયો. 1.25 લાખ સુધીનો નફો કર મુક્ત છે, તમારી કરપાત્ર રકમ 25 હજાર હશે. જો શેર એક વર્ષ કે તેનાથી વધુ સમય બાદ વેચ્યા હોય તો કરપાત્ર રકમ પર 12.5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો એક વર્ષ પહેલાં શેર વેચવામાં આવે 20 ટકા ટેક્સ ચુકવવો પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button