
આજે જન્માષ્ટમીના શુભ દિવસે શેરબજારે પણ સકારાત્મક શરૂઆત કરી છે. બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી આજે ગ્રીનમાં ખુલ્યા છે. સવારે 9.16 વાગ્યે નિફ્ટી 50 57.50 પોઈન્ટ્સ અથવા 0.23% વધીને 24,880.65 પર ટ્રેડ થઇ રહ્યો હતો, અને BSE સેન્સેક્સ 214.52 પોઈન્ટ્સ અથવા 0.26% વધીને 81,300.73 પર ટ્રેડ થઇ રહ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા બાદ સકારાત્મક વૈશ્વિક સંકેતોથી ઉત્સાહિત શેરબજાર આજે સોમવારે ગ્રીનમાં ખુલ્યું હતું.
આ પણ વાંચો : 1300 કરોડમાં હિસ્સેદારી વેચવા જઇ રહી છે આ કંપની, જાણો સમગ્ર મામલો…
આજે સવારે ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં વૃદ્ધિ જોવા મળી હતી. સવારે 9.46 વાગ્યે, BSE સેન્સેક્સ 523 પોઈન્ટ વધીને 81,623 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 50 155 પોઇન્ટ વધીને 24,979 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઇન્ફોસીસ, એચસીએલ ટેક, એચડીએફસી બેંક અને એક્સિસ બેંકના શેરોમાં બે ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. ITC, સન ફાર્મા, મારુતિ, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને JSW સ્ટીલ નુકસાન સાથે ખુલ્યા હતા. એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેર સેક્ટરની શરૂઆત આજે રેડમાં થઈ હતી. KEC ઇન્ટરનેશનલ કંપનીને રૂ. 1,079 કરોડના ઓર્ડર મળતા તેના શેરમાં 9%થી વધુનો ઉછાળો આવ્યો છે.
ફેડરલ રિઝર્વ ચીફ જેરોમ પોવેલના નિવેદન પરથી એવા સંકેતો મળ્યા છે કે અમેરિકાની સેન્ટ્રલ બેંક તેની આગામી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેશે. જો આમ થશે તો છેલ્લા ચાર વર્ષમાં આ પ્રથમ ઘટાડો હશે. અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાથી ભારત જેવા ઉભરતા બજારોમાં રોકાણ વધી શકે છે. આ કારણે સ્થાનિક શેરબજારોમાં ચાલી રહેલી તેજીનું વલણ ચાલુ રહેવાની શક્યતા છે.
વૈશ્વિક બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી 0.7 ટકા ઘટ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.61 ટકા વધ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.89 ટકા વધીને 17,768ના સ્તરે હતો. શુક્રવારે જેરોમ પોવેલની ટિપ્પણી પછી યુએસ બજારો તીવ્ર ઉછાળા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 1.14 ટકા વધીને 41,175.08 પર, S&P 500 1.15 ટકા વધીને 5,634.61 પર અને Nasdaq Composite 1.47 ટકા વધીને 17,877.79 પર પહોંચ્યો હતો.