અમેરિકન કરંટથી તેજીનો ચમકારો: નિફ્ટી ફરી ૨૨,૦૦૦ની ઉપર, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૫.૭૨ લાખ કરોડનો ઉમેરો
મિડકેપ અને સ્મોલ કૅપ શૅરોમાં ફરીથી જોરદાર તેજીનો સળવળાટ, તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની કેન્દ્રીય બેન્ક, ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતને લગતા વલણના અકંબધ રાખવાના સંકેત સાથે ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને મળેલા અમેરિકન કરંટને કારણે સ્થાનિક શેરબજારમાં ગુરુવારના સત્રમાં તેજીનો સારો ઉછાળો જોવા મળ્યો છે, અલબત્ત સત્રના અંત સુધીમાં ઘણોખરો સુધારો ધોવાઈ ગયો છે, પરંતુ બજારનો અંડર ટોન મજબૂત જણાઈ રહ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં સારો છાલો નોંધાયો હતો.
સત્રને અંતે સેન્સેક્સ ૫૩૯.૫૦ પોઈન્ટ અથવા ૦.૭૫ ટકા ઉછળીને ૭૨,૬૪૧.૧૯ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન બેન્ચમાર્ક ૭૮૦.૭૭ પોઈન્ટ અથવા ૧.૦૮ ટકા વધીને ૭૨,૮૮૨.૪૬ની ઊંચી સપાટીને અથડાયો હતો. આ સુધારા સાથે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૭૨ લાખ કરોડનો ઉમેરો થયો છે. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૧૭૨.૮૫ પોઈન્ટ અથવા ૦.૭૯ ટકા વધીને ૨૨,૦૧૧.૯૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.
એક તરફ સેબીની ચેતવણી અને ફંડોની સ્ટ્રેસ ટેસ્ટ બાદ રિડેમ્પશનના દબાણને કારણે નાના શેરોમાં વેચવાલી વધતી રહેવાની શક્યતા વચ્ચે મિડ અને સ્મોલકેપ શેરઆંકો પર દબાણ રહેવાની સંભાવનાની ચર્ચા વચ્ચે ગુરુવારના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઇ મિડકેપ બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૮૯૦.૨૯ પોઇન્ટ અથવા તો ૨.૩૬ ટકાના જોરદાર ઉછાળા સાથે ૩૮,૬૫૨.૪૨ પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે બીએસઇ સ્મોલ કેપ બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૮૩૪.૮૫ પોઇન્ટ અથવા તો ૨.૦૧ ટકાના જોરદાર ઉછાળા સાથે ૪૨,૩૨૧.૯૯ પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે
વિશ્ર્વબજારમાં સુધારાનો સંકેત મળવાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે ગુરૂવારના સત્રમાં આઇટી શેરોની આગેવાનીએ સ્થાનિક બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો ઉછાળો જોવા મળ્યોે હતો.
પ્રારંભિક સત્રમાં સેન્સેકસમાં ૭૦૦ પોઇન્ટથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફ્ટી પણ ૨૨,૦૦૦ની સપાટી વટાવી ગયો હતો. જોકે ઊંચે મથાળે વેચવાલી આવતા સુધારો પચાસેક ટકા ધોવાઈ ગયો હતો અને ફરી લેવાલીનો ટેકો મળતા બંને બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં ફરી આગળ વધ્યા હતા.
નોંધવા જેવી બાબત એ રહી હતી કે સાર્વત્રિક લેવાલીને કારણે એક્સચેન્જના તમામ સેકટરલ ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યા હતા, જે પાછલા સતત બે સત્રથી નેગેટિવ ઝોનમાં બંધ થયા છે. યુ.એસ. ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રણ તબક્કામાં વ્યાજ દરોમાં કાપ મૂકવાના તેના અંદાજને જાળવી રાખ્યા પછી વૈશ્ર્વિક શેરબજારોમાં મજબૂત તેજીનો પવન ફૂંકાવાથી પણ સ્થાનિક બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.
તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ તેજીમાં જોડાયા હતા, જેમાં નિફ્ટી મેટલમાં બે ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અસ્થિરતા સૂચક ભારત વીઆઇએક્સ ઇન્ડેક્સ તે દરમિયાન ત્રણ ટકાથી વધુ ઘટ્યો હતો.
બજારના નિષ્ણાત અનુસાર વોલ સ્ટ્રીટના નવી વિક્રમી સપાટીએ પહોંચવા સાથે અને ફેડરલના વ્યાજદરમાં ઘટાડો કરવા સંદર્ભના સકારાત્મક વલણથી પ્રોત્સાહિત વિશ્ર્વબજારને જોતા લાગે છે કે, નિફ્ટી નોંધપાત્ર આગેકૂચ કરી શકે છે.
સેન્સેક્સ બાસ્કેટમાંથી એનટીપીસી, પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટુબ્રાોના શેર સૌથી વધુ ઉછાળો નોંધાવનાર ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં રહ્યાં હતાં. જ્યારે ભારતી એરટેલ, મારુતિ, આઇસીઆઇસીઆઇ બેંક અને એશિયન પેઈન્ટ્સ સૌથી વધુ ઘટનારા મુખ્ય શેરોની યાદીમાં હતા.
વૈશ્ર્વિનક સ્તરે એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને હોંગકોંગ નોંધપાત્ર રીતે ઊંચી સપાટીએ સ્થિર થયા હતા જ્યારે શાંઘાઈ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં સરક્યો હતો. યુરોપિયન બજારો ખૂલતા સત્રમા સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે વોલ સ્ટ્રીટ બુધવારે નોંધપાત્ર ઉછાળા સાથે વિક્રમી સપાટીે પહોંચ્યું હતું. એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતોે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટ પણ રેકોર્ડ-ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.
અગ્રણી એએમસીના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રણ વ્યાજ દરમાં કાપ મૂકવાનો સંકેત આપ્યો હોવાથી સ્થાનિક બજાર વૈશ્ર્વિક બજારના આશાવાદને પ્રતિસાદ આપી રહ્યું છે.
દરમિયાન વૈશ્ર્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૮ ટકા ઘટીને ૮૫.૮૮ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યું છે. એક્સચેન્જ ડેટા અનુસાર બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૨,૫૯૯.૧૯ કરોડની ઇક્વિટીનું વેચાણ કર્યું હતું.
બજારના અગ્રણી ચાર્ટ નિષ્ણાતે કહ્યું હતું કે, અમેરિકામાં વ્યાજ દરો સ્થિર રહેવા સાથે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં જોવા મળેલા સુધારા સાથે સ્થાનિક અર્થતંત્રની મજબૂતી જોતાં નિફ્ટીના તાત્કાલિક લક્ષ્યાંકો ૨૨,૦૦૦ પોઇન્ટ અને ૨૨,૫૨૭ પોઇન્ટનું સ્તર છે, જ્યારે નકારાત્મક જોખમો મર્યાદિત છે.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, શેરબજારમાં વૈશ્ર્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે ઇલેક્શનની જાહેરાતને પગલે સાવચેતીના માહોલ વચ્ચે ઉથલપાથલ અને અફડાતફડીનો દોર જારી રહેવાની સંભાવના છે. હાલ ઉછાળે વેચવાલી અને ઘટાડે લેવાલીનો તાલ જોવા મળે છે, એટલે ચોક્કસ ટ્રેન્ડ પકડાતો નથી. બજારના સાધનો અનુસાર રોકાણકારોનું ધ્યાન આગામી લોકસભાની ચૂંટણીઓ તરફ પણ જઈ રહ્યું છે, જે ૧૯ એપ્રિલે શરૂ થશે અને ચોથી જૂને પૂર્ણ થશે.
માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા એસએમઇ આઇપીઓ, સ્મોલ કેપ અને મિડકેપના વેલ્યુએશન્સ સહિત બજારના એકથી વધુ સેગમેન્ટ અંગે જાહેર કરાયેલી આશંકા, મ્યુચ્યુઅલ ફંડ્સના તણાવ પરીક્ષણના પરિણામો, ફરજિયાત રિડેમ્પશન જેવા પરિબળો બજાર પર સંભવત: દબાણ લાવી શકે છે.
અગ્રણી ટેકનિકલ એનાલિસ્ટ કહે છે કે, નિફ્ટી માટે ૨૧,૫૩૦ પોઇન્ટના સ્તર પર મુખ્ય સપોર્ટ સાથે, ઇન્ટ્રાડે સપોર્ટ લેવલ ૨૧,૮૬૧ની સપાટી પર છે. જ્યારે તાત્કાલિક પ્રતિકાર સપાટી ૨૨,૨૫૦ પોઇન્ટના સ્તર પર છે. પ્રવર્તમાન અનિશ્ર્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેત રહેવું આવશ્યક છે.
બુધવારે ૩૦ શેરો ધરાવતો બીએસઇ બેન્ચમાર્ક ૮૯.૬૪ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકા વધીને ૭૨,૧૦૧.૬૯ પર સેટલ થયો હતો.
એનએસઇ નિફ્ટી ૨૧.૬૫ પોઈન્ટ અથવા ૦.૧૦ ટકા વધીને ૨૧,૮૩૯.૧૦ પર પહોંચ્યો હતો.