બુલિશ ફ્લેગ ફોર્મેશન: બે મહિનાના શ્રેષ્ઠ સપ્તાહ પછી નિફટીનો ટાર્ગેટ ૨૦,૦૦૦
બજારની ગતિનો આધાર ઇન્ફલેશન ડેટા, એફઆઇઆઇના વલણ અને ક્રૂડ તેલની ધાર પર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઇ: ભારતીય શેર બજાર માટે સમીક્ષા હેઠળનું વિતેલું સપ્તાહ બે મહિનામાં તેનું શ્રેષ્ઠ સપ્તાહ રહ્યું હતું, જેમાં નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે ૧.૯૮ ટકા અને ૨.૬૪ ટકા ઊંચી સપાટીએ પહોંચ્યા છે. આગામી સપ્તાહની ચાલનો આધાર ભારત અને અમેરિકાના ફુગાવાના ડેટા, ક્રૂડ ઓઇલના ભાવ અને એફઆઇઆઇ ફંડના વલણ પર રહેશે.
નિફ્ટી બેન્ચમાર્ક ૧૯,૮૦૦ પોઇન્ટના નિર્ણાયક સ્તરને પાર કરીને ૧૯,૮૧૯.૯૫ પર પહોંચવામાં સફળ રહ્યો, જ્યારે સેન્સેક્સ ૬૬,૦૦૦ને પાર કરતો ૬૬,૫૯૮.૯૧ના સ્તરે બંધ થયો. હવે આગળ જતાં ઓગસ્ટના ફુગાવાના ડેટા કેવા આવે છે અને તે બજારની ગતિ પર કેવી અસર કરે છે તે જોવું રહ્યું! સેક્ટોરલ ઈન્ડાયસિસમાં મેટલ, રિયલ્ટી અને મીડિયા ઇન્ડેક્સમાં સપ્તાહ દરમિયાન સુધારો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપમાં લાર્જ કેપ કરતા વધુ સારી લેવાલી અને સુધારો નોંધાયો હતો. આથી જ નિફટી કરતા નિફ્ટી મિડકેપ-૧૦૦ ઈન્ડેક્સમાં વધુ સુધારો જોવા મળ્યો હતો.
નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં સતત ત્રીજા સપ્તાહમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. યુએસ બોન્ડ યીલ્ડ ૪.૩ ટકાને વટાવી ગયા હોવા સાથે ડોલર ઇન્ડેક્સ ૧૦૫ માર્ક સુધી વધ્યા અને બ્રેન્ટ ક્રૂડ ૯૦ ડોલરને સ્પર્શ્યું હોવા છતાં ભારતીય બજારે નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. ટોચના માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, તેજીનું સેન્ટિમેન્ટ મજબૂત છે, આ સપ્તાહે નિફ્ટી ૨૦,૦૦૦ પોઇન્ટની સપાટી બતાવે એવી આશા રાખી શકાય.
આ સપ્તાહે ઇન્ફ્લેશનના ડેટા મુખ્ય પરિબળ બની રહેશે. આંકડાકીય બાબતો અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ૧૨ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫.૩૦ વાગે ઓગસ્ટ માટે રીટેલ ફુગાવાના આંકડા જાહેર કરશે. આ ડેટાને આધારે આરબીઆઇના આગામી પગલાં અંગે અટકળો બજારને ડોલાવી શકે છે. વૈશ્ર્વિક ધોરણે ૧૩ સપ્ટેમ્બરે તમામની નજર યુએસ સીપીઆઈ ફુગાવા પર રહેશે. ગ્રાહક ભાવ સૂચકાંક જુલાઈમાં એક વર્ષમાં પ્રથમ વખત વાર્ષિક ધોરણે ૩.૨ ટકા વધ્યો હતો. વિશ્ર્લેષકો હવે ઓગસ્ટમાં ૩.૬ ટકાના વધારાની અપેક્ષા રાખે છે.
સ્થાનિક ધોરણે રોકાણકારો ૧૨ સપ્ટેમ્બરના રોજ ઔદ્યોગિક ઉત્પાદન ડેટા (આઇઆઇપી)ની પણ રાહ જોશે. અર્થશાીઓ અપેક્ષા રાખે છે કે ભારતનો ઔદ્યોગિક વિકાસ વધીને ૫ાંચ ટકા થઈ જશે. જૂનમાં ઔદ્યોગિક વૃદ્ધિ ૩.૭ ટકાના ત્રણ મહિનાની નીચી સપાટીએ આવી ગઈ છે. ૧૪ સપ્ટેમ્બરના રોજ, સરકાર જથ્થાબંધ ભાવ ફુગાવાના ડેટા પણ જાહેર કરશે, ત્યારબાદ બીજા દિવસે બેલેન્સ ઓફ ટ્રેડ તેમજ આયાત અને નિકાસના આંકડાઓ પણ જાહેર કરશે.
બીજું મહત્તવનું પરિબળ ક્રૂડ ઓઇલ છે. બ્રેન્ટ ક્રૂડ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ બંનેમાં લગભગ બે ટકાનો વધારો થયો છે. બ્રેન્ટ ફ્યુચર્સ ૯૦.૬૫ પ્રતિ બેરલ પર સેટલ થયા હતા, જ્યારે યુએસ ડબલ્યુટીઆઇ ક્રૂડ ૮૭.૫૧ પર સેટલ થયું હતું. ઉત્પાદકો અને નિકાસકારોએ દ્વારા ડિસેમ્બર ૨૦૨૩ સુધી દૈનિક ધોરણે ૧.૩ મિલિયન બેરલના ઉત્પાદન કાપને લંબાવવાનું નક્કી કર્યું હોવાથી ક્રૂડના ભાવ સપ્તાહ દરમિયાન દસ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. આગળ જતાં, ઉત્પાદન કાપની સામે ચીનની ધીમી માગને આધારે એકંદર અસરનો તાગ મળશે. એફઆઇઆઇનો આંતર પ્રવાહ પણ અત્યંત મહત્ત્વનો છે. યુએસ ડોલર ઇન્ડેક્સની પુન- આગેકૂચ અને તેને કારણે યુએસ ટ્રેઝરી યીલ્ડ્સમાં આવેલા ઉછાળાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૯,૩૦૦ કરોડની ભારતીય ઇક્વિટી વેચી હતી.
અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપનીના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, ચીન અને જાપાનમાં ડોલર સામે ચલણની તીવ્ર નબળાઈને કારણે પણ સ્થાનિક ચલણ પર દબાણ આવ્યું હતું. જો યુએસ ટ્રેઝરીની ઉપજ સતત વધતી રહે અને અન્ય ચલણો યુએસ ડોલર સામે વધુ ઘટે તો, વિદેશી ભંડોળનો પ્રવાહ અવ્યવસ્થિત રહી શકે છે અને એફઆઇઆઇ ભારત સહિતના ઇમર્જિંગ માર્કેટમાંથી એક્ઝિટ કરી શકે છે. ટેકનિકલ પરિપ્રેક્ષ્યમાં, વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે નિફ્ટી બુલિશ ફ્લેગ ફોર્મેશનમાંથી બહાર નીકળી ગયો છે, જે નોંધપાત્ર ઉર્ધ્વગતિની સંભાવના સૂચવે છે. જો કે, બેન્ચમાર્કે ૨૦,૦૦૦ પોઇન્ટની સપાટીએ નિફટીએ ગંભીર મનોવૈજ્ઞાનિક અવરોધનો સામનો કરવો પડશે. જો નિફ્ટી આ સ્તરને તોડવામાં નિષ્ફળ નિવડે તો નકારાત્મક બાજુએ ૧૯,૬૦૦-૧૯,૫૦૦ની રેન્જ એક મજબૂત સપોર્ટ લેવલ બની શકે છે.