
નવી દિલ્હીઃ બજેટ 2026માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શેરબજારના રોકાણકારોને ઝટકો આપ્યો હતો. STT (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ)માં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. STT 0.02થી વધારીને 0.05 ટકા કરવામાં આવ્યો હતો. જેથી શેરબજારમાં ટ્રાન્ઝેક્શન વખતે ચુકવવો પડતો ખર્ચ વધી જશે.
STT શું છે?
STT એ ભારતમાં સ્ટોક એક્સચેન્જ પર કરવામાં આવતા સિક્યોરિટીઝના સોદાના મૂલ્ય પર લેવામાં આવતો ટેક્સ છે. તે ઇક્વિટી, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં કરવામાં આવતા ટ્રેડ પર લાગુ થાય છે. રોકાણકારને નફો થાય કે નુકસાન, આ ટેક્સ લેણદેણના સમયે જ વસૂલવામાં આવે છે.
STT ને ફાયનાન્સ એક્ટ, 2004 હેઠળ 1 ઓક્ટોબર, 2004 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (LTCG) ને બદલવાનો, ટેક્સ વસૂલાતને સરળ બનાવવાનો અને ઇક્વિટી તથા ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ટેક્સ ચોરી રોકવાનો હતો. જોકે, લિસ્ટેડ શેરો પર LTCG ને કેન્દ્રીય બજેટ 2018 માં ફરીથી અમલમાં મૂકવામાં આવ્યો, જ્યારે STT યથાવત રહ્યો હતો. શરૂઆતના તબક્કે આ વધારાની ટ્રેડિંગ વોલ્યુમ પર બહુ ઓછી અસર પડી હતી. કારણ કે બજારમાં તેજી હતી અને રોકાણકારોની સંખ્યા સતત વધતી રહી હતી. પરંતુ હાલ બજારની ચાલ અનિશ્ચિત છે. છેલ્લા એક વર્ષમાં ટેક્સની વાસ્તવિક અસર દેખાવા લાગી છે.
STT કલેક્શન કેટલું?
નાણાકીય વર્ષ 2026 માટે અંદાજિત STT કલેક્શન 78,000 કરોડ રૂપિયા હતું. જોકે, અત્યાર સુધીનું કલેક્શન લગભગ 45,000 કરોડ રૂપિયા જ રહ્યું છે. જો માર્ચના અંત સુધીમાં વધુ 12,000 કરોડ રૂપિયા એકત્રિત થાય, તો કુલ કલેક્શન લગભગ 57,000 કરોડ રૂપિયા સુધી પહોંચશે – જે અંદાજ કરતા લગભગ 25% ઓછું છે.
આ પણ વાંચો…Budget 2026: સીતારમણે 20 નવા નેશનલ વોટરવેઝ અને સીપ્લેન સર્વિસની જાહેરાત કરી…



