બીએસઇ દ્વારા રોકાણકારોને નકલી ડીપફેક વીડિયો અંગે એલર્ટ કરાયા, કહ્યું ખોટો અને ગેરમાર્ગે દોરનારો વીડિયો

મુંબઈ : શેરબજારના રોકાણકારો માટે બોમ્બે સ્ટોક એકસચેન્જ દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્ટોક એકસચેન્જ દ્વારા નકલી ડીપફેક વીડિયો અંગે ચેતવણી આપવામાં આવી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં સીઇઓ સુંદરરામન રામામૂર્તિ શેરબજારમાં રોકાણ માટે સલાહ આપી રહ્યા છે. આ વિડીયોને સ્ટોક એકસચેન્જ દ્વારા સંપૂર્ણપણે ખોટો, અનધિકૃત અને ગેરમાર્ગે દોરનારો ગણાવવામાં આવ્યો છે.
વિડીયોમાં વર્ષ 2026 માટે સ્ટોક ટિપ્સ આપવામાં આવે છે
આ અંગે એક્સચેન્જના જણાવ્યા અનુસાર આ વીડિયો રોકાણકારોને ગેરમાર્ગે દોરે છે. જેમાં વર્ષ 2026 માટે સ્ટોક ટિપ્સ આપવામાં આવે છે. તેમજ અસામાન્ય નફાનું વચન આપે છે અને લોકોને વોટસએપ ચેનલમાં જોડાવા માટે આમંત્રણ આપે છે. આ વીડિયોમાં સંપૂર્ણપણે બનાવટી દાવાઓ પણ શામેલ છે. જેમ કે વર્ષ 2027 સુધીમાં તમારી પાસે રૂપિયા 80 લાખ હશે. બીએસઇએ સ્પષ્ટતા કરી કે આ વીડિયો ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે અને તે સંપૂર્ણપણે નકલી અને ગેરકાયદે છે.
BSE Cautions Investors Against Fake Deepfake Video Misusing MD & CEO’s Identity: https://t.co/kBS9HRega3#BSEIndia #InvestorAwareness pic.twitter.com/LNk1u6JthX
— BSE India (@BSEIndia) January 11, 2026
બીએસઇ કોઇ સોશિયલ મીડિયા ગ્રુપ ચલાવતું નથી
આ ઉપરાંત એક્સચેન્જે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સુંદરરામન રામામૂર્તિ કે બીએસઇના અન્ય કોઈ અધિકારી, ભલે તે સત્તાવાર હોય કે વ્યક્તિગત, કોઈ સ્ટોક ટિપ્સ કે રોકાણ સલાહ આપતા નથી. તેમજ વોટસએપ, ટેલિગ્રામ કે અન્ય કોઈ ડિજિટલ ગ્રુપ ચલાવતા નથી. એક્સચેન્જે એમ પણ જણાવ્યું હતું કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ નકલી સામગ્રીને દૂર કરવા માટે પગલાં લઈ રહ્યું છે અને તેની પાછળ રહેલા લોકો સામે યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
બીએસઇના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આધાર રાખો
બીએસઇએ રોકાણકારો અને સામાન્ય જનતાને વિનંતી કરે છે કે તેઓ આવા કોઈપણ વિડીયો, સંદેશા અથવા લિંક્સ પર આધાર ન રાખે અને તેના આધારે કોઈપણ રોકાણ માટે નિર્ણય ના કરે. શેરબજાર સંબંધિત માહિતી માટે, ફક્ત બીએસઇના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ, અધિકૃત કોમ્યુનિકેશન ચેનલો અને સેબી-રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ દ્વારા પ્રકાશિત માહિતી પર આધાર રાખે છે.
આપણ વાંચો: શેરબજારમાં કડાકો! અઠવાડિયાના પહેલા જ દિવસે Sensex-Nifty આટલા તૂટ્યા, રોકાણકારો ચિંતામાં



