ફવિક્રમી આગેકૂચને બ્રેક: નિફ્ટીએ ૨૩,૫૦૦ની સપાટી માંડ ટકાવી; સેન્સેક્સ ૨૬૯ પોઈન્ટ્સ નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ સંકેત સાથે સ્થાનિક સ્તરે ખાસ કરીને વરસાદની ચિંતા વચ્ચે એફએમસીજી અને પીએસયુ શેરોમાં ધોવાણ થવા સાથે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવવાથી સેન્સેક્સ ૨૬૯ પોઇન્ટ નીચી સપાટીએ સરક્યો હતો, જ્યારે નિફટીએ ૨૩,૫૦૦ની સપાટી માંડ ટકાવી હતી. વૈશ્ર્વિક બજારોમાં મંદીના વલણ વચ્ચે રોકાણકારોએ ઓઇલ અને ગેસ, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી શેરોમાં એક્સપોઝર ઓછું કર્યું હોવાથી પોતાની વિક્રમજનક તેજીની આગેકૂચને બ્રેક મારીને, ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી વેચવાલીના દબાણ હેઠળ દબાઈ ગયા હતા.
એકધારી છ દિવસની તેજી બાદ ત્રીસશેર ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૨૬૯.૦૩ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા ઘટીને ૭૭,૨૦૯.૯૦ પોઇન્ટ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૬૭૬.૯૩ પોઈન્ટ અથવા ૦.૮૭ ટકા ઘટીને ૭૬,૮૦૨ની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી દિવસની શરૂઆતમાં ૧૦૦.૧ પોઈન્ટ વધીને ૨૩,૬૬૭.૧૦ પોઇન્ટની રેકોર્ડ ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો. જો કે, તે વેગ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યોે અને અંતે ૬૫.૯૦ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા ઘટીને ૨૩,૫૦૧.૧૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ, નેસ્લે, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સૌથી ઘટનારા શેરોની યાદીમાં હતાં. તેનાથી વિપરીત, ભારતી એરટેલ, ઇન્ફોસીસ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો અને એનટીપીસી સૌથી વધુ વધનારા શેરોમાં હતાં.
મૂડીબજારમાં હલચલ ચાલુ રહી છે. ઇલેક્ટ્રિક પેનલ્સમાં સ્પેશિયાલિટી ધરાવતી શિવાલિક પાવર કંટ્રોલ લિમિટેડ, ૨૧ જૂને રૂ. ૬૪.૩૨ કરોડના પ્રારંભિક પબ્લિક ઑફરિંગ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ રૂ. ૬૪.૩૨ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. લોટ સાઈઝ ૧,૨૦૦ ઈક્વિટી શેર, પ્રાઇસ બેન્ડ રૂ. ૯૫થી ૧૦૦ પ્રતિ શેર છે.
ક્રેડિટ કાર્ડ્સ, લોન અને સીએસએસએ જેવી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સના વિતરણમાં સ્પેશિયાલિસ્ટ અકીકો ગ્લોબલ સર્વિસિસ લિમિટેડ ૨૫ જૂને પ્રારંભિક પબ્લિક ઑફરિંગ સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૩થી રૂ. ૭૭ પ્રતિ શેર અને લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરની છે. કંપની આ આઇપીઓ દ્વારા રૂ. ૨૩.૧૧ કરોડ એકત્ર કરશે, શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
સ્ટેન્લી લાઇફ સ્ટાઇલનો આઇપીઓ પહેલા દિવસે ૧.૪૩ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. વોરબર્ગ પિનકસનું સમર્તન ધરાવતી અવાન્સે ફાઇનાન્શિયલ સર્વિસિસે રૂ. ૩૫૦૦ કરોડના આઇપીઓ માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે પ્રારંભિક દસ્તાવેજ જમા કરાવ્યા છે.
આ કંપની ખાનગી ઇક્વિટી માંધાતા વોરબર્ગ પિનકસની સહયોગી ઓલિવ વાઇન ઇન્વેસ્ટમેન્ટ દ્વારા પ્રમોટ થઇ છે. આ એજ્યુકેશન ફોક્સ્ડ બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ભાવિ જરૂરિયાતો માટે મૂડી પાયો વિસ્તારવા ભરણું લાવી રહી છે.
નિફ્ટીમાં ભારતી એરટેલ, એલટીઆઇમાઇન્ડટ્રી, હિન્દાલ્કો, અદાણી પોર્ટ્સ અને એસબીઆઇ લાઈફ ઈન્સ્યોરન્સ ટોપ ગેઇનર્સ શેરોમાં સામેલ હતા, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એલએન્ડટી, ટાટા સ્ટીલ અને અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ લુઝર્સ શેરોમાં સામેલ થયા હતા. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ફ્લેટ વલણ જોવા મળ્યું હતું.
બજારના સાધનો અનુસાર ચોમાસાની ધીમી પ્રગતિ અંગેની ચિંતાઓ વચ્ચે સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જેના પરિણામે ખાસ કરીને એફએમસીજી સેક્ટરમાં અંડરપરફોર્મન્સ જોવા મળ્યું હતું. જ્યારે ઉત્તર ભારતમાં હીટવેવ સતત ચાલુ રહેવાને કારણે ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ સ્ટોકસમાં લેવાલી અને સુધારો જોવા મળ્યો હતો.
જીઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયર અનુસાર એક્સેન્ચરના નબળા ગાઇડન્સને કારણે યુએસ ટેક શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હોવાથી વૈશ્ર્વિક બજારોમાં પીછેહઠ જોવા મળી હતી. આનાથી વિપરિત, સ્થાનિક આઇટી શેરોમાં ખરીદીમાં રસ જોવા મળ્યો હતો, કારણ કે બજારના સહભાગીઓએ નબળી કમાણીનું કારણ ડીસ્કાઇઉન્ટ કરી નાંખ્યું હતું. રોકાણકારોનું ધ્યાન હવે આગામી જીએસટી મીટિંગ પર કેન્દ્રિત થયુુંં છે, જ્યાં અમુક ક્ષેત્રોમાં જીએસટી દરોમાં સહેજ ઘટાડો કરવાની સંભાવના ચર્ચાઇ રહી છે.
એશિયન બજારોમાં સિઓલ, ટોકિઓે, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાંં સ્થિર થયા હતા. યુરોપિયન બજારો મધ્ય સત્ર સુધી નેગેટીવ ઝોનમાં અથડાઇ રહ્યં હોવાના અહેવાલ હતા. ગુરુવારે અમેરિકન બજારોનો અંત મિશ્રિત રહ્યો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) શેરબજારમાં પાછલા કેટલાક સત્રથી અચાનક નેટ બાયર્સ બની ગયા હોવાથી બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. એક્સચેન્જના ડેટા અનુસાર પાછલા સત્રમાં રૂ. ૪૧૫.૩૦ કરોડના મૂલ્યની ઇક્વિટી ખરીદી હતી.
જ્યારે બુધવારે એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં રૂ. ૭,૯૦૮.૩૬ કરોડની લેવાલી નોંધાવી હતી. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૬ ટકા ઘટીને ડોલર ૮૫.૫૭ પ્રતિ બેરલ બોલાયું હતું.