ત્રણ દિવસની આગેકૂચને બ્રેક: ઊંચા મથાળે વેચવાલી વચ્ચે સેન્સેક્સે ૧૧૦ પોઇન્ટ ગુમાવ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકન શેરબજારોના નબળા વલણ અને વિદેશી ફંડોની વેચવાલી વચ્ચે ઇન્ડેક્સમાં સારું વેઇટેજ ધરાવતી ખાનગી બેંકો અને ઓટો સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ થવાને કારણે બેન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૧૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૫૦૦ની નીચે સરી ગયો હતો.
બીએસઇનો ૩૦ શેરો વાળો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૧૦.૬૪ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકાના ઘટાડા સાથે ૭૩,૯૦૩.૯૧ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. દિવસ દરમિયાન, ઇન્ડેક્સ ૨૭૦.૭૮ પોઇન્ટ અથવા ૦.૩૬ ટકા ઘટીને ૭૩,૭૪૩.૭૭ પોઇન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૮.૭૦ પોઈન્ટ અથવા ૦.૦૪ ટકા ઘટીને ૨૨,૪૫૩.૩૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
નોંધવું રહ્યું કે, અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા ઇન્ફ્લેશન નિયંત્રણમાં હોવાના સંકેત આપ્યાં હોવાથી જૂન મહિનામાં ફેડરલ વ્યાજદરમાં કપાત શરૂ કરશે એવી આશા વચ્ચે શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી આગળ વધી હતી અને નાણાંકીય વર્ષના પ્રથમ સત્રમાં સેન્સેકસ અને નિફ્ટીએ ઇન્ટ્રા-ડે નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. સતત ત્રણ દિવસની તેજીમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૦.૫૮ લાખ કરોડનો વધારો
થયો છે.
પ્રોફીટ બુકિંગના દોર વચ્ચે પણ નાના શેરોમાં તેજીનો ટોન જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફ્ટી ગબડી રહ્યા હતા ત્યારે, વિવિધ વિશ્ર્લેષકો અને ખુદ બજાર નિયામક સેબીની ચેતવણી પછી પણ નાના શેરોમાં આકર્ષણ રહેતા સ્મોલ અને મીડકેપ ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં આગેકૂચ નોંધાવી હતી.
આ તરફ મિશ્ર વૈશ્ર્વિક સંકેતોને કારણે, તાજેતરમાં ઊંચી સપાટીએ પહોંચેલા ફાઇનાન્શિયલ્સ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગને કારણે દબાણ વધ્યું હતું. વિલંબિત રેટ કટની ચિંતામાં તાજા યુએસ ડેટા ઉમેરાયા બાદ આઇટી શેરોમાં પણ વેચવાલી અને પીછેહઠ જોવા મળી હતી.
એકંદરે ડોલરમાં વધારો, યુએસ બોન્ડની ઉપજમાં વધારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારા જેવા પરિબળોએ સામૂહિક રીતે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર સામૂહિક હુમલો કર્યો હતો.
વિશ્ર્લેષકોેના મતે અમેરિકાના ૧૦-વર્ષના ટ્રેઝરી બિલની યીલ્ડ ફરી વધીને ૪.૩૨૩ ટકાના સ્તર સુધી પહોંચી હોવાથી તે બજારના સેન્ટિમેન્ટ પર દબાણ આવી શકે છે. આ ઉપરાંત ટ્રેઝરી બિલની યિલ્ડ ઉપર જવાને કારણે વિદેશી રોકાણકારોને ભારત સહિત ઉભરતી ઇક્વિટીમાં શેરો ઑફલોડ કરવા માટે પ્રોત્સાહિત થશે તો એકંદર વૈશ્ર્વિક ઈકવિટી બજારમાં ફરી અફડાતફડી અને નરમાઇ જોવા મળી શકે છે.
સેન્સેક્સ બાસ્કેટમાંથી કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટેક્નોલોજીસ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ લુઝર્સ શેરોની યાદીમાં રહ્યાં હતા, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે, ટાટા મોટર્સ અને ઈન્ડસઈન્ડ બેંકના શેરનો ટોપ ગેઇનર્સમાં સમાવેશ હતો.
સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૯૫ ટકા, નેસલે ઈન્ડિયા ૧.૪૨ ટકા, ટાટા મોટર્સ ૧.૨૩ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૨૧ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૧૧ ટકા વધ્યા હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક ૧.૮૪ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૧.૮૨ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૨ ટકા, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૯૦ ટકા અને ઈન્ફોસિસ ૦.૮૪ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૨ કંપનીઓમાંથી ૬ કંપનીઓને ઉપલી અને ૬ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. એશિયન બજારોમાં શાંઘાઈ એક્સચેન્જનો બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં ગબડ્યો હતો, જ્યારે ટોક્યો, સિઓલ અને હોંગકોંગ પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં મોટાભાગે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકન શેરબજારો સોમવારે એકંદરે નેગેટીવ જોનમાં લપસ્યા હતા.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સોમવારે રૂ. ૫૨૨.૩૦ કરોડની ઇક્વિટી ઑફલોડ કરી હતી. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૬૧ ટકા વધીને ૮૮.૮૩ પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું હતું. મંગળવારના રોજ એક માસિક સર્વેક્ષણમાં જણાવાયું હતું કે, ઑક્ટોબર ૨૦૨૦ પછીના ઉત્પાદન અને નવા ઓર્ડરમાં સૌથી મજબૂત વધારાને કારણે માર્ચમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. સીઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) માર્ચમાં ૫૯.૧ની ૧૬-વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો, જે ફેબ્રુઆરીમાં ૫૬.૯ની સપાટીે હતો. આ ઇન્ડેક્સ નવા ઓર્ડર, આઉટપુટ અને ઇનપુટ સ્ટોક્સની મજબૂત વૃદ્ધિ તેમજ નવી રોજગાર સર્જનને દર્શાવે છે. પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ)ના ધોરણ અનુસાર, ૫ચાસથી ઉપરના આંકડાનો અર્થ વિસ્તરણ થાય છે, જ્યારે પચાસથી નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે.
એ જ સમયે, સ્થાનિક રોકાણકારો આ સપ્તાહના અંતમાં આરબીઆઈની નીતિની જાહેરાત આગળ સાવચેતીનું વલણ રાખી શકે છે. જો કે કમ્ફર્ટ લેવલથી ઉપરના ફુગાવાના કારણે દેશની કેન્દ્રીય બેન્ક વ્યાજદર સ્થિર રાખે એવી પૂરી શક્યતા છે.
દરમિયાન, ભારત સાનુકૂળ બૃહદઅર્થતાંત્રિક પરિબળોનો સાથ મેળવીને આઠ ટકાનો જીડીપી વિકાસદર હાંસલ કરી શકશે, એમ દેશની કેન્દ્રિય બેન્કના માર્ચ બુલેટીનમાં પ્રકાશિત નસ્ટેટ ઓફ ઇકોનોમીથ શીર્ષક હેઠળના લેખમાં ટાંકવામાં આવ્યું છે.
દરમિયાન આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાવાલાના વડપણ હેઠળની ટીમે તૈયાર કરેલા લેખમાં એવી માહિતી અપાઇ છે કે વૈશ્ર્વિક અર્થતંત્ર જોમ ગુમાવી રહ્યું છે ત્યારે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ના સમાયગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર (જીડીપી ગ્રોથ) સરેરાશ આઠ ટકાથી ઉપર
રહ્યો છે.