બાઉન્સ બેક: સેન્સેક્સે ૬૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં બુધવારના સત્રમાં ભારે અફડાતફડી વચ્ચે અંતે બાઉન્સબેક જોવા મળ્યું હતું. પાછલા બે સત્રમાં જોરદાર પછડાટ ખાધા બાદ બુધવારે મેટલ, કોમોડિટી અને ટેલિકોમ શેરોમાં બાર્ગેન હંટિંગને કારણે નવેસરની લેવાલીનો ટેકો મળતા ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સે સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાદ ટકાનો ટકાનો ઝડપી ઉછાળો આવ્યો હતો. ચાઇના દ્વારા પ્રવાહિતા વધારવના પગલાં લેવાયા હોવાથી વૈશ્ર્વિક સેન્ટિમેન્ટમાં સુધારો હતો, પરંતુ સ્થાનિક સ્તરે એફઆઇઆઇની લેવાલી અને અપેક્ષાથી ઊંણા કોર્પોરેટ પરિણામોને કારણે સાવચેતીનું માનસ જોવા મળ્યું હતું.
પ્રારંભિક સત્રમાં અસ્પષ્ટ અને નિરસ માહોલ રચ્યા બાદ ૩૦ શેર ધરાવતો બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ધીમેધીમે મજબૂત થયો અને અંતે ૬૮૯.૭૬ પોઈન્ટ અથવા ૦.૯૮ ટકા ઉછળીને ૭૧,૦૬૦.૩૧ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો હતો. બેન્ચમાર્ક ઈન્ટ્રા-ડે ૭૧,૧૪૯.૬૧ પોઇન્ટની ઊંચી અને ૭૦,૦૦૧.૬૦ પોઇન્ટની નીચી સપાટી વચ્ચે અથડાયો હતો. એનએસઇનો પચાસ શેરવાળો બૃહદ બેન્ચમાર્ક નિફ્ટી પણ ૨૧૫.૧૫ પોઈન્ટ અથવા ૧.૦૧ ટકા વધીને ૨૧,૪૫૩.૯૫ સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સ કંપનીઓમા૩.૭૭ ટકાના વધારા સાથે ટાટા સ્ટીલનો શેર ટોપ ગેઇનર બન્યો હતોે, ત્યારબાદ એચસીએલ ટેકનાલોજીનો ક્રમ હતો, જે ૩.૬૨ ટકા વધ્યો હતો. ઇન્ડસઇન્ડ બેન્ક અને પાવરગ્રીડ અનુક્રમે ૩,૬૦ અને ૩.૩૪ ટકાના વધારા સાથે બંધ થયા હતા. ટેક મહિન્દ્રા, હિંદુસ્તાન યુનિલિવર, બજાજ ફિનસર્વ અને ભારતી એરટેલ સહિતના અન્ય શેર પણ ટોપ ગેઇનર્સમાં સામેલ હતા. બીજી તરફ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ અને ટીસીએસના નામ ટોપ લુઝર્સની યાદીમાં હતા, જે ૨.૯૪ ટકા સુધી નીચી સપાટીએ ગબડ્યા હતા. ગ્રેવિટા ઈન્ડિયાએ ૩૧મી ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ચાર ટકાના ઘટાડા સાથે રૂ. ૭૫૮ કરોડની આવક નોંધાવી છે. જોકે, રૂ. ૬૦.૨૭ કરોડનો કરવેરા પછીનો નફો નોંધાવ્યો છે, જે ૨૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. એબિટા ઉક્ત સમયગાળામાં ૨૬ ટકાના વધારા સાથે રૂ. ૮૯.૬૮ કરોડ અને એબિટા માર્જિન ૨૯૩ બેસિસ પોઇન્ટના વધારા સાથે ૧૧.૮૨ ટકાની સપાટીએ પહોંચ્યું છે. નેટ પ્રોફિટ માર્જિન ૧૪૩ બેસિસ પોઇન્ટ વધીને ૭.૫૯ ટકા રહ્યું છે.
ઝી એન્ટરટેન્મેન્ટ એન્ટરપ્રાઇસ(ઝીલ)ના શેરમાં બાઉન્સબે ન્ક જોવા મળ્યું હતું. સોની સાથેનો ૧૦ અબજ ડોલરનો સોદો ફોક થયાને કારણે આ શેરમાં મંગળવારે જોરદાર વેચવાલી થઇ હતી અને ૩૩ ટકાનો તોતિંગ કડાકો નોંધાયો હતો. આને પરિણામે કંપનીના માર્કેટ કેપિટલમાં અંદાજે રૂ. ૭,૩૦૦ કરોડનું ધોવાણ થયું હતું. જોકે, આ સત્રમાં તેમાં લેવાલીનો ટેકો મળતા તે ૬.૭૦ ટકા સુધી ઊંચે ગયો હતો અને ૧૬૬.૩૫ની સપાટીએ સ્થિર થયો હતો.
આ સત્રમાં અંડરટોન મક્કમ રહ્યો હતો. સેન્સેક્સના કુલ ત્રીસ શેરમાંથી ૨૫ શેરો ગ્રીન ઝોનમાં સ્થિર થયા હતા, જ્યારે પચાસ શેર ધરાવતા એનએસઇના નિફ્ટીના ૪૩ શેરોમાં વધારો જોવા મળ્યો હતો. એશિયામાં અન્યત્ર જાપાનનો નિક્કી-૨૨૫ ઇન્ડેક્સમાં ૦.૮૦ ટકાનો અને હોંગકોંગના હેંગસેંગમાં ૩.૫૬ ટકાનો તીવ્ર વધારો થયો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ ૧.૮૦ ટકા વધીને બંધ રહ્યો હતો. ચીને આરઆરઆરમાં કાપ મૂકવાની જાહેરાત કરી હોવાથી હોંગકોંગ અને ચીનના શેરબજારોમં સુધારો હતો. બુધવારે યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં ઊંચી સપાટીએ હતા, જેમાં જર્મનીના ડેક્સ અને ફ્રાન્સના સીએસ-૪૦ ઇન્ડેક્સમાં અનુક્રમે ૧.૦૦ ટકા અને ૦.૫૮ ટકાનો વધારો નોંધાયો હતો. લંડનનો ફુટસી-૧૦૦ ઇન્ડેક્સ ૦.૨૯ ટકા વધ્યો હતો. અમેરિકન બજારોમાં, ડાઉ જોન્સ મંગળવારે ૦.૨૫ ટકા નીચી સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૦.૨૯ ટકા ઊંચી સપાટીએ સેટલ થયો હતો, જ્યારે ટેક-હેવી એક્સચેન્જ નાસ્ડેકનો ડેક્સ ૦.૪૩ ટકા વધીને બંધ રહ્યો હતો. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ બુધવારે ૦.૫૮ ટકા વધીને ૮૦.૦૧ ડોલર પ્રતિ બેરલની સપાટી પર બંધ રહ્યો હતો. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) મંગળવારે પણ મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા બન્યા હતા, કારણ કે તેઓએ રૂ. ૩,૧૧૫.૩૯ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. મંગળવારે સેન્સેક્સ ૧,૦૫૩.૧૦ પોઈન્ટ અથવા ૧.૪૭ ટકા ઘટીને ૭૦,૩૭૦.૫૫ પર સ્થિર થયો હતો. નિફ્ટી પણ ૩૩૦.૧૫ પોઈન્ટ અથવા ૧.૫૩ ટકા ઘટીને ૨૧,૨૪૧.૬૫ પર બંધ રહ્યો હતો.
એનએસઇ ઇમર્જ પર વધુ એક એસએમઇ ભરણું આવશે
મુંબઈ: ઇન્ડક્શન હીટિંગ અને મેલ્ટિંગ પ્રોડક્ટ્સના ઉત્પાદક, મેગાથર્મ ઇન્ડક્શનનો એસએમઇ આઇપીઓ ૨૯ જાન્યુઆરીએ ખુલશે અને ૩૧ જાન્યુઆરીએ બંધ થશે. કંપની રૂ. ૧૦૦-૧૦૮ના ભાવે રૂ. ૫૩.૯૧ કરોડ એકત્ર કરશે. બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ છે. કંપનીના શેર એનએસઇ ઇમર્જ પર લિસ્ટ થશે. એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ફેક્ટરીની છત, કાર્યકારી મૂડી અને વધારાના પ્લાન્ટ અને મશીનરીની સ્થાપના માટે કરવામાં આવશે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા રૂ. ૧.૨૯ લાખનું રોકાણ કરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં કંપનીની આવક ૪૧.૩૭ ટકા વધીને રૂ. ૨૬૬ કરોડ થઈ છે. જ્યારે ચોખ્ખો નફો વધીને રૂ. ૧૪ કરોડ થયો છે. કંપની સ્ટીલવર્ક માટે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ સાધનો અને મશીનરી પણ બનાવે છે. તે એલોય અને ખાસ સ્ટીલ ઉદ્યોગ માટે ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ સાથે ટ્રાન્સફોર્મર્સ, લેડલ રિફાઇનિંગ ફર્નેસ, કાસ્ટિંગ મશીનનું પણ ઉત્પાદન કરે છે. કંપની રેલ્વે, પાઇપ અને ટ્યુબ, સ્ટીલ, ઓટો આનુષંગિક અને એન્જિનિયરિંગ ઉદ્યોગોને સેવા આપે છે. સ્થાનિક ગ્રાહકોમાં ઓર્ડનન્સ ફેક્ટરી, ભેલ, રેલવે, ટાટા મોટર્સ, મહિન્દ્રા અને હિન્દાલ્કો વગેરેનો સમાવેશ થાય છે. કંપની કંપની દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ગલ્ફ પ્રદેશ, યુરોપ, સાર્ક અને દક્ષિણ પૂર્વ એશિયામાં ઉત્પાદનોની નિકાસ કરે છે.