બંને બેન્ચમાર્ક નવા સર્વોચ્ચ શિખરે: માર્કેટ કેપ ₹ ૩.૨૧ લાખ કરોડ વધીને નવા વિક્રમી સ્તરે પહોંચ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારમા એકંદરે મિશ્ર વલમ રહ્યું હોવા છતાં સ્થાનિક સ્તરે પ્રોત્સાહક નિકાસ ડેટા અને એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતના ઇન્ડેક્સક હેવીવેઇટ બ્લુચીપ શેરોમાં લેવાલીનો ટેકો મળી રહેતા બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહના અંતિમ સત્રમાં શુક્રવારે તેમની જીવનકાળની નવી ઊંચી સપાટીએ બંધ આપ્યો હતો. સેન્સેક્સ સતત ત્રીજા દિવસે વધ્યો હતો એ સાથે માર્કેટ કેપ રૂ. ૩.૨૧ લાખ કરોડ વધીને રૂ. ૪૩૪.૮૮ લાખ કરોડ રહ્યું હતું.
સતત ત્રીજા દિવસની આગેકૂચમાં, ૩૦ શેરો ધરાવતો બીએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૧૮૧.૮૭ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકા વધીને ૭૬,૯૯૨.૭૭ પોઇન્ટની નવી બંધ ટોચ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૨૭૦.૪ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા વધીને ૭૭,૦૮૧.૩૦ પર પહોંચ્યો હતો.
એ જ રીતે, એનએસઇનો ૫૦ શેર ધરાવતો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૬૬.૭૦ પોઈન્ટ્સ અથવા ૦.૨૯ ટકા વધીને ૨૩,૪૬૫.૬૦ પોઇન્ટની રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. ઈન્ટ્રા-ડે, તે ૯૧.૫ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૨૩,૪૯૦.૪૦ પોઇન્ટની તાજી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યો હતો.
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ અને એશિયન પેઇન્ટ્સ સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં સમાવિષ્ટ હતા. જ્યારે બીજી તરફ, ટેક મહિન્દ્રા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, લાર્સન એન્ડ ટુબ્રો અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઇન્ડેક્સના સોથી વધુ ઘટનાર શેરોની યાદીમાં સામેલ હતાં.
અંદાજપત્રની જાહેરાત માટે અમુક કંપનીઓ રાહ જોઇ રહી હોવા છતાં મૂડીબજારમાં હલતલ ચાલુ રહી છે. સ્ટેન્લી લાઇફસ્ટાઇલ ૨૧મી જૂને રૂ. ૫૩૭ કરોડનું ભરણું લાવી રહી છે. આ લકઝરી ફર્નિચર બ્રાન્ડની કંપનીએ રૂ. ૩૫૧થી રૂ. ૩૬૯ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ભરણું ૨૫મી જૂને બંધ થશે. ભરણામાંથી એકત્ર ભંડોળનો ઉપયોગ નવા સ્ટોર્સ, એન્કર સ્ટોર્સ અને સ્ટોર્સ રિનોવેશન માટે કરવામાં આવશે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે.
મે ૨૦૨૪માં ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસ નવ ટકા વધીને ૩૮.૧૩ બિલિયન ડોલરના સ્તરે પહોંચી છે, જે એક વર્ષ અગાઉના મહિનામાં ૩૪.૯૫ બિલિયન ડોલરના સ્તરે હતી, એમ શુક્રવારે જાહેર કરાયેલા સરકારી સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવાયું છે. એ જ રીતે, આયાત પણ ૭.૭ ટકા વધીને ૬૧.૯૧ અબજ ડોલર નોંધાઇ છે, જે મે ૨૦૨૩માં ૫૭.૪૮ બિલિયન ડોલરના સ્તરે હતી.
એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યિો અને શાંઘાઈ એક્સેચેન્જ પોઝિટિવ ઝોનમાં સ્થિર થયા હતા, જ્યારે હોંગકોંગ શેરબજાર નેગેટીવ ઝોનમાં ગબડ્યું હતું. મધ્ય-સત્રના સોદામાં યુરોપિયન બજારો નીચા ક્વોટ સ્તરે થઈ રહ્યા હતા. ગુરુવારે યુએસ બજારોનો અંત મિશ્રિત નોંધ પર રહ્યો હતો.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) નેટ સેલર્સ જ રહ્યાં છે અને ગુરૂવારે આ વર્ગે રૂ. ૩,૦૩૩ કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી. ગ્લોબલ તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૨ ટકા ઘટીને ડોલર ૮૨.૬૫ પ્રતિ બેરલ થઈ ગયું છે.
બીએસઇ બેન્ચમાર્ક ગુરુવારે ૫૩૮.૮૯ પોઈન્ટ અથવા ૦.૭૦ ઉછળીને ૭૭,૧૪૫.૪૬ની જીવનકાળની ટોચે પહોંચ્યો હતો. બાદમાં તે ૨૦૪.૩૩ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકા વધીને ૭૬,૮૧૦.૯૦ પોઇન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી ૭૫.૯૫ પોઈન્ટ અથવા ૦.૩૩ ટકા વધીને ૨૩,૩૯૮.૯૦ પોઇન્ટની સપાટી પર સેટલ
થયો હતો.
સારા માઇકો ડેટાને કારણે બજારના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો છે. ઇન્ફ્લેશન રેટમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશા વચ્ચે લેવાલીનો ટેકો મળ્યો હોવાથી ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ ગુરુવારે નવી વિક્રમી સપાટી હાંસલ કરી હતી. સરકારે જાહેર કરેલા સત્તાવાર ડેટા અનુસાર ફૂડ બાસ્કેટમાં કિંમતોમાં નજીવા ઘટાડાને કારણે રિટેલ ઇન્ફલેશન મે મહિનામાં ૪.૭૫ ટકાની એક વર્ષની નીચી સપાટીએ અને રિઝર્વ બેન્કના છ ટકાથી નીચેના કમ્ફર્ટ ઝોનમાં પહોંચી ગયું હતું.
જાણીતા ટેક્નિકલ એનાલિસ્ટે કહ્યું હતું કે, ઇન્ડેક્સે રેકોર્ડ સ્તરે બેરીશકેન્ડલની રચના બતાવી છે, જે તેની હકારાત્મક ગતિ ગુમાવવાનું સૂચવે છે. નિફ્ટી માટે ૨૩,૪૮૦ અને ૨૩,૩૦૦ના સ્તરોને અનુક્રમે પ્રતિકાર અને સમર્થન સ્તર તરીકે ગણવામાં આવશે. પાછલા પાંચ દિવસમાં ઇન્ડિયા વીઆઇએક્સ ઇન્ડેક્સમાં નોંધાયેલા ૩૨ ટકાના ઘટાડાનો અર્થ એ થાય છે કે ઊંંચી અને ભયાનક અફડાતફડીના દિવસો હવે પૂરા થયા અને બજાર કોન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશ્યું છે. બજાર હવે ફંડામેન્ટલ્સ અને સમાચારોના પ્રવાહ પર ધ્યાન
કેન્દ્રિત કરશે.
અમેરિકા અને ભારતમાં ફુગાવાના મોરચે સારા સમાચાર છે. ફુગાવાના ડેટા દર્શાવે છે કે, ડિસઇન્ફ્લેશનની પ્રક્રિયા સારી રીતે ચાલી રહી છે. બજારના પરિપ્રેક્ષ્યમાં, ખાસ કરીને બેંકિંગ શેરો માટે આ સકારાત્મક સમાચાર છે, એમ માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું.
ફેડરલ રિઝર્વના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં ફુગાવો તેમના લક્ષ્ય સ્તર તરફ વધુ ઘટ્યો છે પરંતુ સંકેત આપ્યો છે કે તેઓ આ વર્ષે માત્ર એક જ વાર તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ઘટાડો કરવાની અપેક્ષા રાખે છે. ગ્લોબલ ઓઇન બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૧ ટકા ઘટીને ૮૨.૦૧ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે..
દરમિયાન, અમેરિકાના ટોચના ઇકોનોમિસ્ટ હેરી ડેન્ટે ચેતવણી આપી છે કે ૧૯૨૫થી ૧૯૨૯ વચ્ચે આવી હતી એના જેવી ભયંકર મંદી વિશ્ર્વના શેરબજારોમાં જોવા મળી શકે એમ છે. તેમણે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે તેજીના પરપોટા ગમે ત્યારે ફૂટી શકે એમ છે. હેરી ડેન્ટે કહ્યું હતું કે મોટાભાગના બબલ પાંચથી છ વર્ષમાં ફૂટી જાય છે, પણ હાલમાં જે બબલ છે એ છેલ્લાં ૧૪ વર્ષથી ચાલી રહ્યા છે. આમ ૨૦૦૮-’૦૯માં આવેલા ક્રેશ કરતાં પણ મોટા ક્રેશનો ખતરો તોળાઇ રહ્યો છે. આ પરપોટો ફૂટશે ત્યારે શેરબજારો તળિયે જશે.