પ્રાઇમરી માર્કેટમાં ફરી ધમાલ: સપ્તાહમાં રૂ. ૧૫,૦૦૦ કરોડના ભરણાં…

નિલેશ વાઘેલા
મુંબઇ: ભારતના પ્રાઇમરી માર્કેટમાં ફરી હલચલ જામી છે. સેકન્ડરી માર્કેટને કળ વળી હોવાથી મૂડીબજારનો માહોલ બદલાયો છે. આવતા સપ્તાહમાં ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ, એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિસ, કલ્પતરુ સહિતની ચાર કંપની મૂડીબજારમાંથી કુલ રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. મેઇનબોર્ડ સાથે એસએમઇ સેગમેન્ટની પણ કેટલીક કંપની પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહી છે. આવતા સપ્તાહે પણ કેટલીક કંપનીઓ જાહેર ભરણઆં લાવી રહી છે. મેઇનબોર્ડ સેગમેન્ટમાં ઇનિશિઅલ પબ્લિક ઓફરિંગ સાથે પ્રવેશી રહેલી કંપનીઓમાં સૌથી મોટો ઇશ્યુ એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિસનો છે.
આ ઇશ્યૂ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (એનબીએફસી) સેકટરનો સૌથી મોટો ઇશ્યૂ છે અને પાછલા ત્રણ વર્ષનું બીજું સૌથી મોટું જાહેર ભરણું છે. કંપની રૂ. ૧૨,૫૦૦ કરોડના બુકબિલ્ડિંગ ઇશ્યૂ સાથે ૨૫ જૂના સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૭ જૂને બંધ થશે. શેરની ફાળવણી ૩૦ જૂને અને બીએસઇ, એનએસઇ પર લિસ્ટિંગ બીજી જુલાઈએ થવાની અપેક્ષા છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૦૦થી રૂ. ૭૪૦ અનેે લઘુત્તમ લોટ સાઈઝ ૨૦ છે.
જ્યારે સંભવ સ્ટીલ ટ્યુબ્સનો રૂ. ૫૪૦ કરોડના બુકબિલ્ડિંગ ઇશ્યૂ સાથે ૨૫ જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૭ જૂને બંધ થશે. શેરની ફાળવણી ૩૦ જૂને અને બીએસઇ, એનએસઇ પર લિસ્ટિંગ બીજી જુલાઈએ થવાની અપેક્ષા છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૭થી રૂ. ૮૨ પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ ૧૮૨ શેરની છે.કલ્પતરુ લિમિટેડ રૂ. ૧,૫૯૦ કરોડનું જાહેર ભરણું બુકબિલ્ડિંગ પદ્ધતિ સાથે લાવી રહી છે, જેનું સબ્સ્ક્રિપ્શન ૨૪ જૂનના રોજ ખુલશે અને ૨૬ જૂનના રોજ બંધ થશે. શેરની ફાળવણી ૨૭ જૂને અને લિસ્ટિંગ બીએસઇ તથા એનએસઇ પર પહેલી જુલાઇએ થવાની અપેક્ષા છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૮૭થી રૂ. ૪૧૪ પ્રતિ શેર અને અરજી માટે મિનિમમ લોટ સાઈઝ ૩૬ શેર છે.
એ જ રીતે, એલેનબેરી ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ ૨૪મીએ રૂ. ૮૫૨.૫૩ કરોડનો બુકબિલ્ડિંગ ઇશ્યૂ લાવી રહી છે. પ્રાઇમરી માર્કેટમાં હલચલ તો જામી છે પરંતુ, બજારના અભ્યાસુઓ જણાવે છે કે નવા શેર પ્રીમિયમ સાથે લિસ્ટીંગ મેળવશે કે પછી ડિસ્કાઉન્ટ લિસ્ટિંગ સાથે રોકાણકારોને નિરાશ કરશે તેનો આધાર, જે તે કંપનીના લિસ્ટિંગ વખતના માહોલનો ઘણો આધાર રહેશે.