કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
શેરબજાર પાછું હિલોળે ચડયું છે અને સાથે સ્મોલ કેપ શેરોમાં ફરી તેજીનો ઉન્માદ જાગ્યો છે. મધ્યપૂર્વનો અજંપો શાંત થયો છે અને ક્રૂડ ઓઇલના ઉભરા શમી ગયા છે. અલબત્ત અમેરિકા હજુ પણ પડકાર છે અને વિદેશી ફંડોની વેચવાલી ચાલુ છે, પરંતુ એકંદરે બજારનો અંડરટોન મજબૂત જણાય છે.
આપણે શેરબજારની નહીં પરંતુ નાના શેરોની વાત કરવી છે. નાના શેરો એ પેની સ્ટોક્સ નથી, પરંતુ આ વર્ગના શેરોમાં વેલ્યુએશન્સ એટલા ઊંચે ગયા છે કે ખુદ બજાર નિયામકે આ સંદર્ભે મ્યુચ્યુઅલ ફંડોને અગ્નિ પરીક્ષા આપવાની એટલે કે સ્ટ્રેસ ટેસ્ટનો આદેશ આપ્યો હતો.
કેટલાક સત્રથી મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી રોકાણકારોનું આકર્ષણ જાગ્યું છે અને મ્યુચ્યુઅલ ફંડો પણ સ્ટ્રેસ ટેસ્ટનો તબક્કો પૂરો થયા બાદ ફરી આ વર્ગના શેરોમાં બુલીશ થયા છે. આપણે પાછલા કેટલાક સત્રમાં એવું પણ જોયું છે કે લાર્જકેપ બેન્ચમાર્કમાં એકતરફ પીછેહઠ થઇ હોય અને બીજી તરફ મિડકેપ અથવા તો સ્મોલ કેપ ઇન્ડેક્સ ઊંચી સપાટીએ પહોંચ્યા હોય!
શેરબજારના વિશ્ર્લેષકોએ પાછલા નાણાકીય વર્ષના અંતિમ તબક્કા દરમિયાન નાના શેરોની જેટલી વગોવણી કરી અને ખુદ માર્કેટ રેગ્યુલેટર સહિતના નિરીક્ષકોએ આ વર્ગના શેરો સામે જેટલી ચેતવણીઓ આપી, એટલો જ જોરદાર ઉછાળો નોંધાવીને આ શેરોએ રોકાણકારોને ન્યાલ કરી દીધાં છે.
બજાર નિયામકની ચેતવણી ખોટી પડવા સાથેે નિરીક્ષકોની આશંકાનો ભુક્કો બોલાવતા નાના એટલે કે સ્મોલ શેરોએ રોકાણકારોને જોરદાર વળતર આપ્યું છે. એ વાતની નોંધ રહે કે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે મોટું યુદ્ધ છેડાવાના સંકેત વચ્ચે પણ સ્મોલ કેપ શેરો અડીખમ રહ્યા છે! હવે તો ઇરાને હથિયાર હેઠાં મૂકી દીધાં હોવાના અણસાર છે એટલે યુદ્ધનો ભય ટળી જવાથી ઓવરઓલ ઇક્વિટી માર્કેટને માટે સાનુકૂળ પરિસ્થિતિ છે.
સ્મોલ કેપમાં રોકાણકારોના જાગેલા રસનો પુરાવો રિટેલ ઇન્વેસ્ટર દ્વારા ફંડોમાં ઠલવાઇ રહેલાં નાણાં છે. માર્ચ ૨૦૨૪ના અંતે સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીની અસ્કયામતોે રૂ. ૨.૪૩ લાખ કરોડ સુધી પહોંચી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં ૮૩ ટકાનો વધારો દર્શાવે છે. અસ્કયામતોમાં વધારો રોકાણકારોની સંખ્યામાં વધારા દ્વારા પૂરક હતો, માર્ચ ૨૦૨૪માં ફોલિયોની સંખ્યા ૧.૯ કરોડ સુધી પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૧.૦૯ કરોડ હતી, જેમાં ૮૧ લાખનો રોકાણકારોનો આધાર ઉમેરાયો હતો.
આ સ્મોલકેપ ફંડ્સ પ્રત્યે રોકાણકારોનો ઝોક દર્શાવે છે. આ સંદર્ભની એક સંશોધન નોંધ અનુસાર ભારતની અર્થવ્યવસ્થા વિકાસના માર્ગે હોવાથી ઘણી અનલિસ્ટેડ સ્મોલકેપ કંપનીઓ મૂડીબજાર તરફ દોડી રહી છે. આ વલણ લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ પર નજર રાખતા રોકાણકારો માટે આશાસ્પદ તકો પૂરી પાડે છે.
અલબત્ત, સામાન્ય ચૂંટણીઓ, ચોમાસાની આગાહી, આર્થિક પ્રવૃત્તિ, ફુગાવો, જીડીપી અંદાજો અને કોર્પોરેટ પરિણામો જેવા પરિબળો સ્મોલકેપ કંપનીના મૂલ્યાંકનને પ્રભાવિત કરે છે અને અસ્થિરતા સર્જે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. ૪૦,૧૮૮ કરોડનો આંતરપ્રવાહ જોવા મળ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. ૨૨,૧૦૩ કરોડના પ્રવાહ કરતાં ઘણો વધારે હતો.
જો કે, માર્ચ મહિનામાં સ્મોલકેપ ફંડ્સમાં બે વર્ષમાં પ્રથમ વખત રૂ. ૯૪ કરોડનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફેબ્રુઆરીના અંતમાં સ્મોલ અને મિડકેપ ફંડ્સમાં ઉછાળા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને આ ફંડ્સમાં રોકાણ કરનારા રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે એક માળખું તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો.
પાછલાં કેટલાક ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડની સ્મોલ અને મિડકેપ સ્કીમ્સમાં ભારે આંતરપ્રવાહની પૃષ્ઠભૂમિમાં ચિંતાજનક સ્થિતિ નિર્માણ થઇ હતી. ઉપલબ્ધ ડેટા અનુસાર, સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) માર્ચ ૨૦૨૩ના અંતે રૂ. ૧.૩૩ લાખ કરોડની સરખામણીએ રૂ. ૨.૪૩ લાખ કરોડની ટોચે પહોંચી હતી.
માર્ચ ૨૦૨૨માં આકર્ષક વળતર, રોકાણકારોનું પોઝિટિવ સેન્ટિમેન્ટ, પોર્ટફોલિયો વૈવિધ્યકરણ અને રિટેલ પાર્ટિસિપેશનમાં વધારો જેવા અનેક પરિબળોને કારણે એસેટમાં ભારે ઉછાળા જોવા મળ્યા છે. એક અભ્યાસ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪માં સ્મોલકેપ ઇન્ડેક્સ ૬૦ ટકા વધ્યો છે, જે એયુએમમાં મોટાભાગની વૃદ્ધિ માટે જવાબદાર છે.
ઉપરાંત, રોકાણકારોમાં વર્તમાન હકારાત્મક લાગણી, મજબૂત આર્થિક પ્રવૃત્તિ અને કમાણીમાં વૃદ્ધિ દ્વારા પ્રોત્સાહિત, સ્મોલકેપ ફંડ્સ તરફની ફાળવણીમાં વધારો કરવા માટેનું મુખ્ય પરિબળ રહ્યું છે. એકંદરે, ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીઝની એયુએમ નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૫ંચાવન ટકા વધીને રૂ. ૨૩.૫૦ લાખ કરોડ થઈ હતી.
અમુક નિષ્ણાતો માને છે કે, સ્મોલકેપ વળતર માત્ર બજારના સેન્ટિમેન્ટનું પરિણામ નથી, પરંતુ કમાણીમાં અદ્ભૂત વૃદ્ધિ પણ છે. જો કે, ઐતિહાસિક રીતે એવું જોવામાં આવ્યું છે કે ઉત્સાહનો સમયગાળો નીચા વળતરના સમયગાળાને અનુસરે છે. તે મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે , નકારાત્મકથી નીચા વળતરની સંભાવના સૌથી વધુ છે.
સ્મોલકેપ ફંડ્સ આકર્ષક વૃદ્ધિની સંભાવનાઓ પૂરી પાડે છે. જોકે, ઉદ્યોગના નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે રોકાણકારોએ આ સેગમેન્ટમાં રોકાણ વિશે વિચારતા પહેલા પોતાની જોખમ ક્ષમતા અને રોકાણની ક્ષિતિજનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું મહત્ત્વપૂર્ણ છે.