શેર બજાર

ટીસીએસ અને ઇન્ફોસિસનાં પરિણામો પર નજર સાથે બેન્ચમાર્કે નોંધાવ્યો સાધારણ સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સતત બીજા દિવસે શેરબજાર કોઈ સ્પષ્ટ દિશાદોર વગર અનિશ્ર્ચિત ટ્રેન્ડમાં અથડાઈ ગયું છે. કોર્પોરેટ પરિણામોની મોસમ જોતા રોકાણકારો શેરલક્ષી કામકાજ પર ફોકસ રાખે છે. શેરબજારમાં આજનું ફોકસ ટીસીએસ અને ઇન્ફોસિસના સાંજે જાહેર થનારા પરિણામ પર રહ્યું હતું. આ ટોચની કંપનીઓના પરિણામ અગાઉના સાવચેતીના માનસ વચ્ચે બંને બેન્ચમાર્ક સવારના સત્રનો સુધારો ગુમાવીને સાધારણ આગેકૂચ સાથે પોઝિટિવ ઝોનમાં ટકી રહ્યાં હતા. યુ.એસ. ઇન્ફ્લેશન ડેટા અને સ્થાનિક મેક્રો ઇકોનોમિક ડેટાની જાહેરાતની પ્રતિક્ષાએ પણ રોકાણકારોને સાઇડ લાઇન પર રહેવાની ફરજ પાડી હતી. બીએસઇનો ૩૦ શેરવાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૬૩.૪૭ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા વધીને ૭૧,૭૨૧.૧૮ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. દિવસ દરમિયાન તે ૩૪૧.૭૬ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા વધીને ૭૧,૯૯૯.૪૭ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. નિફ્ટી ૨૮.૫૦ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા વધીને ૨૧,૬૪૭.૨૦ પોઇન્ટ પર પહોંચ્યો હતો. સેન્સેક્સની કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસના શેર ટોપ ગેઇનર્સ બન્યા હતા. જ્યારે ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો અને નેસ્લે ટોપ લુઝર્સની યાદીમાં હતાં.

પોલિકેબના શેરમાં ફરી સર્ચની ચર્ચા વચ્ચે વેચવાલી વીસ ટકાની નીચલી સર્કિટ જોવા મળી હતી. ઇન્ફોસિસમાં એક્વિઝિશનની ચર્ચા હતી. ફયુજી ફિલ્મ ઇન્ડિયાએ પ્રોડક્ટ એક્સપાન્શન હેઠળ ક્ધઝ્યુમર ઇલેકટ્રોનિક ઇમેજિંગ ફેર (સીઇઆઇએફ), ૨૦૨૪માં બે પ્રોફેશનલ પિલ્મ બેસ્ડ પ્રોડ્કટ્સ, ક્વીક સ્નેપ ફલેશ સુપેરિઆ એક્સેટરા ૪૦૦ અને ક્ધઝ્યુમર ફિલ્મ ફ્યુજી ફિલ્મ ૨૦૦ અને ફ્યુજીફિલ્મ ૪૦૦ની રજૂઆત કરી હતી. કામકાજના સમયબાદ જાહેર થયેલા પરિણામમાં ઇન્ફોસિસનો નફો ઘટ્યો હતો અને ટીસીએસનો નફો વધ્યો હતો. ગ્લોબલ હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર યુનિહેલ્થ ક્ધસ્લ્ટન્સી લિમિટેડે, ભારતના જાણીતા સ્પાઇન અને ઓર્થોપેડિક સર્જનો સાથે મળીને નાઇજીરીયામાં હેલ્થકેર પ્રોજેક્ટની તૈયારી કરી છે. કંપની નાઇજીરીયાના કાનો સ્થિત કંપનીની ટેરીટરી હેલ્થકેર હોસ્પિટલ યૂએમસી ઝહીર હોસ્પિટલ મારફત સ્થાનિક વસ્તીને અદ્યતન તબીબી સેવા પૂરી પાડશે. કંપની સ્પાઇન અને ઓર્થોપેડિક્સ સંબંધિત સર્જીકલ અને ઓપીડી કેમ્પ યોજશે. કોન્ટોર સ્પેસે ૫૦૦ બેઠકો સાથે વર્કસ્પેસને ૨૫,૦૦૦ ચોરસ ફૂટ સુધી વિસ્તૃત કર્યું છે. કોર્મશિયલ સ્પેસ ભાડે આપીને તેનું સંચાલન કરી કોવર્કિંગ સેવાઓ પૂરી પાડનાર કોન્ટોર સ્પેસ લિમિટેડે એમઆઇડીસીમાં નવું કો-વર્કિંગ સેન્ટર ખોલવા માટે એક એલઓઆઇ (લેટર ઓફ ઇન્ટેન્ટ) અમલમાં મૂક્યો છે. આ કોવર્કિંગ સ્પેસ ૫૦૦ બેઠકોની ક્ષમતા સાથે આશરે ૨૫,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી હશે. આ કેન્દ્ર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા ત્રિમાસિકથી કાર્યરત થવાનું છે. યુ.એસ.ના ફુગાવાના ડેટાની અપેક્ષા વચ્ચે ભારતીય બજારમાં રેન્જ-બાઉન્ડ ટ્રેન્ડ રહ્યો હતો. રોકાણકારોએ યુએસ ફુગાવો હળવો થવાની ધારણા હોવા છતાં, નાણાકીય વર્ષ ૨૦૨૪ વ્યાજ દરમાં કાપની અપેક્ષા રાખતા વૈશ્ર્વિક બજારોએ પહેલેથી જ આશાવાદમાં ભાવ વધાર્યા છે. ત્રીજા ક્વાર્ટરના કોર્પોરેટ પરિણામ નબળા આવવાની અટકળો અને પ્રીમિયમ વેલ્યુએશન અંગેની ચિંતા વચ્ચે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. એશિયન બજારોમાં, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ પોઝિટિવ ઝોનમાં સ્થિર થયા હતા, જ્યારે સિઓલ નેગેટિવ જોનમાં સરક્યો હતો. યુરોપિયન બજારોમાં ખૂલતા સત્રમાં તેજી જોવા મળી હતી. યુએસ બજારો ૧૦ જાન્યુઆરીએ પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યા હતાં.

બજારના ટોચના નિષ્ણાતો અનુસાર ટીસીએસ અને ઇન્ફોસિસના પરિણામો સાથે આજથી શરૂ થતી કોર્પોરેટ સેકટરના ત્રીજા ક્વાર્ટરના પરિણામોની સીઝન નાણાકીય ૨૦૨૪ માટે નિફ્ટીની કમાણીના સંકેતો આપશે. એકંદરે રોકાણકારોએ આ સપ્તાહે ફુગાવાના ડેટા અને મુખ્ય કંપનીઓના પરિણામની જાહેરાત પહેલાં નિરીક્ષક બની રહેવાનું પસંદ કરે એવી શક્યતા છે. રિલાયન્સ અને ખાનગી બેન્કોના શેરોમાં સારી લેવાલી અને આગેકૂચ જોવા મળી હતી અને સવારના સત્રમાં જ તમામ ક્ષેત્રીય શેરઆંકો પણ વધ્યા હતા, જે બજારનો અંડરટોન મજબૂત હોવાનું સૂચવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button